Home ANAND THAKAR'S WORD Gujarati varta: વીર મોર મોબાઈલવાળો

Gujarati varta: વીર મોર મોબાઈલવાળો

0

Gujarati varta Vir mor mobile valo by Anand Thakar peacock with mobile. Children gujarati story.

વીર મોર મોબાઈલવાળો

  • આનંદ ઠાકર

એક વખતની વાત છે. જંગલમાં એક ખૂબ સુંદર નવો મોર આવ્યો. મોર જેવા જ કલર અને મોર જેવી જ પાંખો અને તેના જેવા જ પીંછા. પણ દેખાવમાં થોડો જાડો, તેથી જંગલના બધા પંખીઓ તેનાથી ડરતા હતા. 

મોરને તો જંગલના પંખી-પ્રાણી સાથે દોસ્તી કરવી હતી. મોર તો બિંદાસ વડલાની ડાળ પર મોબાઈલ લટકાડી સોંગ શરૂ કરે અને વડલાની નીચે સોંગ પ્રમાણે ડાન્સ કરે. બીજા મોર અને બીજા પંખીઓ બધા નવા મોરની વિચિત્ર હરકત જોવા લાગ્યા! બધાને મન થાય કે આવા સરસ ગીતમાં પોતે પણ નાચે, પણ શું કરે જંગલના રાજા સિંહે તેની સાથે ભળવાની ના પાડી હતી. 

જ્યારે આ નવો મોર જંગલમાં આવ્યો અને પ્રધાન પોપટે તેને જોયો કે તરત જ સંતુ શિયાળ અને પ્રધાન પોપટે બન્નેએ જઈને સિંહને તેના વિશે સમાચાર આપ્યા હતા. સિંહે કહ્યું હતું કે જો જરાક પણ શંકા જાય તો તેની સાથે રમવું નહીં. 

સંતુ શિયાળ સિંહનો ગુપ્તચર હતો. તેણે સિંહને સમાચાર આપ્યા હતા કે નવો મોર હાથમાં કંઈક યંત્ર રાખે છે અને પંખીની તથા માણસની ભાષા પણ બોલે છે. સિંહને તેથી ખાસ શંકા ગઈ હતી. ચકુ ચકલીને તો નાચવું હતું, બોલબચ્ચન બૂલબૂલને તો તેની સાથે ગાતા ગાતા નાચવું હતું, હરણને કૂદવું હતું, હાથીને પણ તેની પાર્ટીમાં ભાગ લેવો હતો, એવું ન હતું કે માત્ર જંગલના આ પંખીઓને જ મન થતું હતું. પેલા નવા મોરે પણ બધાને આમંત્રણ આપ્યું હતું. બધા જોવા પહોંચી જતાં પણ તે મોરના આગ્રહ પછી પણ તેની સાથે રમતા ન હતા.

એક દિવસ પ્રધાન પોપટે નવા મોરની સાથે વાતચિત કરી, ‘‘મોરજી, તમે ક્યાંથી આવ્યા છો અને અહીં આ બધું નવું નવું શું માંડ્યું છે?’’

મોરે કહ્યું,‘‘પ્રધાન પોપટજી, હું મોર જ છું. હું નાનો હતો ત્યારથી પટેલ સાહેબના ફાર્મહાઉસ પર ઉછર્યો. તેણે મને પાળ્યો, પોષ્યો અને મોટો કર્યો. હું તેના ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરવા લાગ્યો. તેના ઘરમાં મારા માટે એક અલગ સુવિધા આપવામાં આવી. સરસ મજાનું સૂવાનું. મારા રૂમમાં એ.સી. પણ લગાવેલું હતું. મને તો ગમી ગયું. મને તેણે માણસની ભાષા શીખવી અને મોબાઈલ ચલાવતા પણ શીખવ્યું.’’

‘‘અચ્છા, તો પટેલ સાહેબ શું કરે છે?’’ પોપટની જિજ્ઞાષા વધી. મોરે તેનો જવાબ આપ્યો, ‘‘એ તો બહુ મોટા કોન્ટ્રાક્ટર છે ’’ મોરે પોપટનું મન જોઈને કહી દીધું, ‘‘પ્રધાનજી મારી સાથે મિત્રતા કરો, ફાયદામાં રહેશો. તમને માણસની ભાષા શીખવીશ. મોબાઈલ ચલાવતા શીખવીશ.’’

પોપટનું મન ગળી ગયું, ‘‘તો તો કાલથી આપણે શરૂ કરીએ.’’ પણ ત્યાં જ પોપટને સિંહમહારાજ યાદ આવ્યા કે એમણે તો ના પાડી છે આની સાથે ભળવાની. તરત પોપટે મોરને કહ્યું, ‘‘ભૈ, મારા મહારાજ સિંહજીએ તારી સાથે ભળવાની ના પાડી છે.’’

મોરે કહ્યું, ‘‘તું તો પ્રધાન છે, એક વાર મારી અને તારા સાહેબની દોસ્તી કરાવી દે. જો તું પણ મારી જેમ એશોઆરામ કરી શકીશ.’’  પોપટ તેની પાસે થોડો સમય માંગીને ત્યાંથી ચાલ્યો ગયો. પોપટ સિંહની ગૂફામાં ગયો, સિંહે તેને આદેશ કર્યો કે જાઓ મારા શિકાર વિશે માહિતી લેતા આવો. 

પોપટ તો ઉડવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે અહીં સિંહ મને ગમે તેમ આદેશ આપ્યા કરે અને તેનું મારે પાલન કરતું રહેવાનું? સિંહની ગુફામાં તો કેટલી ગરમી થાય છે. અહીં જંગલમાં તો માળા બનાવવા અને તે રીતે રહેવાનું, વાવાઝોડું કે વરસાદ આવે તો પલળવાનું. પેલો મોર વાત કરતો હતો તેમાં તો ઘરમાંને ઘરમાં રહેવાનું, આપણા માટે બધી વ્યવસ્થા હોય છે. 

વિચાર આવતા જ પોપટે તો પાંખ નમાવી અને સીધો પહોંચી ગયો પેલા વડલા પર જ્યાં મોર બેઠો-બેઠો મોબાઈલમાં ગેમ રમતો હતો. પોપટને આવતો જોઈ તે થોડો ઉભો થયો અને પોપટને સામી ડાળે બેસવા કહ્યું. પોપટ હાંફતો હતો, શિકાર માટે તે ઘણું ફરી આવ્યો હતો. મોરે પૂછ્યું, ‘‘કેમ પ્રધાનજી આટલા કેમ હાંફો છો? ’’ પોપટ કહે, ‘‘અમારા મહારાજ માટે શિકાર કયા સ્થળે છે તે શોધવા જવા માટે હું ઊડતો હતો પણ અત્યાર સુધી ન મળ્યું. ’’

મોરે કહ્યું, ‘‘અરે એમાં તે શું હમણાં હું જોઈ આપું.’’ મોરે તો મોબાઈલમાં નેટ શરુ કર્યું અને આ જંગલનો સેટેલાઈટ મેપ કાઢ્યો અને જોવા લાગ્યો. જે સ્થળે તેને શિકાર દેખાયો તે સ્થળનું લોકેશન પ્રધાન પોપટને આપ્યું. પ્રધાન પોપટ સિંહ પાસે જઈ સ્થળ કહ્યું. સ્થળ પરથી સિંહને શિકાર પણ મળ્યો. 

પોપટે તો દરરોજ માટે આ કામ શરૂ કરી દીધું. મોરને પૂછીને લોકેશન લઈ આવે. સિંહને શંકા ગઈ કે આ દૂર દૂરના સ્થળ પર રહેલો શિકાર પણ કેમ ઝડપથી શોધી લાવે છે. સિંહે સંતુ શિયાળને તપાસ માટે કહ્યું. 

શિયાળે તપાસ કરીને સિંહને કહ્યું કે મહારાજ, એ તો મોર પાસેથી સ્થળ લઈ આવે છે. શિયાળની વાત સાંભળી સિંહે પોપટને બોલાવ્યો. પોપટે કબૂલ કરતા કહ્યું, ‘‘હા. મહારાજ. મોબાઈલવાળો મોર મને ઝડપથી લોકેશન બતાવી શકે છે. તેના મોબાઈલમાં તો જંગલનું કયું પંખી, કયું પ્રાણી, અરે તમે અત્યારે ક્યાં છો એ પણ જાણી શકાય છે.’’

સિંહને ચિંતા થવા લાગી. સિંહને થયું કે આ આપણો દુશ્મન બને તે પહેલા આપણે તેને દોસ્ત બનાવી લેવો જોઈએ. તેણે તરત એક સભા બોલાવાનું ફરમાન કર્યું. બધા પંખી, પ્રાણી આવી ગયા. મોબાઈલવાળા મોરને પણ બોલાવવામાં આવ્યો. સિંહે કહ્યું, ‘‘મિત્રો, આ મોબાઈલવાળો મોર જ્યારથી આપણા જંગલમાં આવ્યો છે, આપણને વિચિત્રતા લાગે છે. સૌ કોઈ મારી પાસે આવ્યા, તેની મિત્રતા કરવા માટેનો પ્રસ્તાવ લઈને, પણ તેણે મારું એક કામ કર્યું અને મારા પ્રધાનને પણ તેના દોસ્ત બનાવી લીધા. આપણા માટે તે સહયોગી સાબિત થયાં છે. તમે બધા સહમત હો તો આપણે તેને દોસ્ત બનાવી લઈએ.’’

બધાએ એક પછી એક સહમતી આપી અને મોબાઈલવાળા મોરને મિત્ર બનાવ્યો. સિંહે પોતાની પાસે બોલાવીને મોરને સંબોધન કરવા કહ્યું, ‘‘દોસ્તો, તમે મને સ્વીકાર્યો તે માટે આભાર. હું તમારા માંથી જ એક છું. માણસો સાથે હું ઉછર્યો તેથી મને ઘણું શીખવા મળ્યું છે. દોસ્તો હું ત્યાં સાહેબી ભોગવતો હતો, પણ તમારા માટે અહીં આવ્યો છું.’’

‘‘અમારા માટે?’’, ગુપ્તચર સંતુ શિયાળે એક આંખ ઊંચી કરીને પૂછ્યું.

મોરે વાત આગળ ચલાવી, ‘‘જો તમે મને કામ કરવાની તક આપશો અને સાથ આપશો તો એ વાતનો જવાબ મળી શકશે.’’

મોબાઈલવાળા મોરનો તો જાદુ ચાલી ગયો. દરરોજ રાતે મોર પાર્ટી ગોઠવે. આખું જંગલ આવે. બધા ત્યાં નાચે અને ગાય. હાથીભાઈને પાણી પીવું હોય તો તે તેની પાસે સર્ચ કરાવે. સિંહ શિકાર સર્ચ કરાવે. મોરે તો સિંહ મહારાજની મંજૂરી લઈને પ્રાણી-પક્ષીઓ પર માઈક્રો સેન્સર લગાવડાવ્યા. બધાની મુશ્કેલીઓ અને વ્યવસ્થા ગમે ત્યાંથી જોઈ સાંભળી શકાય તે રીતે પોતાના મોબાઈલ સાથે કનેક્ટ કર્યા. 

એક દિવસ એવું બન્યું કે સિંહ મહારાજ રાત સુધી તેની ગુફામાં જોવા ન મળ્યા. સંતુ શિયાળને એમ કે તે શિકાર માટે ગયા હશે તે શિકાર દૂર હશે અને તે ત્યાં જ કયાંય સૂઈ ગયા હશે. સવારે આવશે. સવારે પણ સિંહ મહારાજ જોવા ન મળ્યા ત્યારે સંતુ શિયાળ ચિંતા કરવા લાગ્યો. તેણે પ્રધાન પોપટને વાત કરી. પોપટે કહ્યું કે એમાં શું આપણે મોરને વાત કરીએ એટલે હમણાં મહારાજ તેની સ્ક્રિન પર દેખાશે. 

મોરને વાત કરી. મોબાઈલ વાળા મોરે તરત સિંહમહારાજના સેન્સર કોડ નાખીને સર્ચ કર્યું તો તે જોવા મળ્યા. સિંહમહારાજ તો કોઈ ફાંસલામાં ફસાયા હતા. મોરે તરત ફરમાન કરીને ચારપાંચ સિંહ, દીપડા, સાત-આઠ શિયાળને ઝડપથી સિંહમહારાજ જ્યાં ફાંસલામાં પૂરાયા હતા ત્યાંનું લોકેશન આપી મોકલ્યા. મોરે એક ખૂબ ઝડપી દોડતા દીપડા અને ઝડપી ઉડતી સમડીને બોલાવીને કહ્યું, ‘‘આપણા મહારાજ માણસે બનાવેલા કોઈ ફાંસલામાં ફસાઈ ગયા છે. માણસો એટલે સિંહમહારાજને પકડે છે કે તેના દાંત અને નખના હજારો રૂપિયા આવે છે. દિપડાજી તમે ઝડપથી જાઓ અને તે સ્થળે પહોંચીને જો માણસ દેખાય તો હુમલો કરીને પણ મહારાજને બચાવો અને સમડીજી તમે સતત મહારાજ માથે મંડરાતા રહેજો જેથી તે લોકો મહારાજને ક્યાંય પણ લઈ જાય તો પણ આપણે તેનું લોકેશન શોધી શકીએ.’’

દીપડો અને સમડીને મોકલી અને મોર તરત મોટા ઊંદરને બોલાવ્યો ત્યાં સુધીમાં બીજા દીપડા, શિયાળ, સિંહ વગેરે તો મહારાજની મદદ માટે નીકળી ગયા હતા. મોરે મોટા ઊંદરને પોતાની પીઠ પર બેસાડીને સ્થળ પર પહોંચ્યો. 

જોયું તો ફાંસલો લોખંડના તારનો હતો. સમસ્યા ઘેરી બની. બધા પ્રાણીઓ તેની ફરતે વીંટળાઈ વળ્યા. શિકારી આવે તો તેની સામે હુમલો કરવાની તૈયારી માટે પણ હતા. હવે મોર વિચારવા લાગ્યો કે શું કરી શકાય?

એવામાં જ હાથીને જંગલમાંથી વાત મળતા હાથીભાઈ ફાંદ હલાવતા હલાવતા દોડતા દોડતા આવી ગયા. મોરે હોથીને જોયો કે તરત ખૂશ થઈ ગયો. હાથીને કહે, ‘‘તમે તમારી સૂંઠથી આ ખીલ્લો ઉંચો કરી નાખો અને સિંહ મહારાજને ઝડપથી અહીંથી લઈને ચાલો. ’’

હાથીએ સૂંઠથી ખીલ્લો ઉપાડ્યો અને માંડ તે વાળો દૂર કર્યો. પણ તે ફાંસલો એટલો મજબૂત હતો અને આંટીવાળો હતો કે સિંહ ચારેય પગ અને મોઢું બંધ થઈ ગયા હતા. બીજા હાથી પણ એટલમાં પહોંચ્યા અને બધાની મદદથી એક હાથીની પીઠ પર સિંહને ચડાવીને બધા જંગલમાં આવ્યા. 

હવે સમસ્યા હતી. સિંહના મોઢા અને પગને છોડવા માટેની ઘણું લોહી ત્યાંથી નીકળતું હતું. મોરે વાંદરાને બોલાવ્યા અને તેને મોબાઈલ પર પક્કડનું ચિત્ર બતાવી ને કહ્યું કે જાઓ અને શહેરમાંથી આવું સાધન લેતા આવો. વાંદરા તો ભૈ વાંદરા કેટલા બધા સાધનો લઈ આવ્યા, પણ પકડ ન આવ્યું. ફરી મોર સાથે ગયો અને શહેરમાં એક રેંકડીમાંથી વાંદરાને સમજાવીને પકડ ઉઠાવી આવ્યા. 

સિંહમહારાજ પાસે આવી તેનું મોઢું અને પગના વાયર કાપ્યા. રીંછે ઔષધીઓ લગાવી. થોડા દીવસમાં સિંહમહારાજ સાજા થયા.  સિંહમહારાજે સાજા થઈને તરત એક સભાભરી અને કહ્યું, ‘‘આજે મોબાઈલવાળો મિત્ર મોર ન હોત તો હું માણસોના હાથે માર્યો ગયો હોત. આજથી હું આદેશ આપું છું કે પ્રાથમિક ધોરણે આપણી દરેક પ્રજાતીમાંથી દસ-દસ જણાએ ફરજિયાત મોબાઈલ શીખવાનો રહેશે અને તે શીખવશે આ મોબાઈલવાળા મોર સાહેબ.’’

ત્યાં સસ્સારાણા બોલ્યા, ‘‘પણ મોબાઈલ ક્યાંથી લાવશું?’’

મોરે કહ્યું, ‘‘સસ્સારાણા, એ તો વાંદરાભાઈ છેને માણસો પાસેથી તફંડંચી કરી આવશે.’’

મોરની આ વાત સાંભળીને બધા ખડખડાટ હસવા લાગ્યા અને પછી મોરે પોતાના મોબાઈલમાં સોંગ શરૂ કર્યું અને સિંહ પણ નાચવા લાગ્યો. બધાએ ખાધું, પીધું અને પાર્ટી કરી.

**********

– © આનંદ ઠાકર

 

( આ વાર્તાઆલેખન કૉપિરાઇટમાં નોંધાયેલી છે. માટે આ વાર્તાનો કે આ વાર્તાના કોઈપણ અંશનો લેખકની મંજૂરી વગર ઉપયોગ કાયદાને આધિન રહેશે. © Anand Thakar ) 

 

 

error: Content is protected !!
Exit mobile version