Home ANAND THAKAR'S WORD Gujarati Varta આઈ એમ વેઈટિંગ ફોર યુ…

Gujarati Varta આઈ એમ વેઈટિંગ ફોર યુ…

0

Gujarati Varta Patel remake story I am waiting for you gujarati sahity varta story book

Gujarati Varta આઈ એમ વેઈટિંગ ફોર યુ…

Gujarati Varta Patel remake story I am waiting for you gujarati sahity varta story book
Photo by shanti drori

જેનિશની મા અંતે લગન લગન કરીને ચાલ્યા ગયા પણ, તેણે તો હાઈસ્કૂલના વર્ષોથી જ લિવ-ઈન રિલેશન રજિસ્ટર્ડ કરાવી લીધા હતા. કાયદાકીય મંજૂરીની વાટ પર જેનિશએ કાલ કાલ કરીને કાલ કાઢવા માંડી.

એક સાંજે તે બેસીને વિચારવા લાગ્યોઃ હવે તો ચિંતા નથી. તે ઓફિસે જતી થઈ ગઈ છે….

હરેક વખતે આવા શબ્દોથી જ તેના અધીર મનને ધીરજ આપતો. એકવાર તો બધા કારકુનો સામે લડીને પણ કહી આવ્યો કે મને રજિસ્ટર્ડ આપી દો. જેનિશે આમ સગીર વયને કારણેય એક વર્ષ ખેંચ્યું.
પણ હવે તો તેના મિત્રો કહેવા લાગ્યા કે હવે તું કોઈ અહીંની સારી છોકરી સાથે લિવ – ઈન રિલેશનશિપ રાખી લે, કારણ કે તું ત્યારે શહેરમાં ભણતો. ન જાણે હવે તેને શહેરમાં બીજા સાથે ગમવા લાગ્યું હોય! ત્યારે જેનિશ કે’તો – ના, એ મારી સાથે કનેક્ટ છે હું તેને મળું છું.

છેવટે કાયદાએ મંજૂરી આપી દીધી. તે બંને એક થઈ ગયા. તેને ઈ-મેઈલ કર્યો, પેલી આવી પણ ગઈ. રાત હતી, જેનિશે કેન્ડલ લાઈટથી ઘર શણગારી દીધું. તેના માટે બહારથી ખાણું મંગાવ્યું, ને રાત ઉજવવાના ઓરતા બાંધતો હતો પણ તે પહેલે ધડાકે સમજી ગયો કે આના તોર હવે હાઈસ્કૂલને વટાવી ગયા હતા, હવે પેલી એને તો કોમ્પ્યુટર માઉસની જેમ ફેરવે તેવી થઈ ગઈ હતી.
જેનિશનો બીજો દિ તો સેકન્ડ હેન્ડ મોબાઈલ જેવો ઉગ્યો.

થોડાક દિવસ ગયા પછી તો તે ભાગે પડતું કામ કરવામાં પણ કહે, ‘‘કરી લેને જાતે!’’ રાતે સૂતી વખતે ય તેણે સંભળાવી દીધું કે – તો તો એમ જ કહે ને કે તે મને પાર્ટનરના બહાને નોકર જ બનાવ્યો છે. પેલી ઠંડે કલેજે કહી દીધું કે – યુ આર લક્કી મેન, કે મારી નોકરી કરે એવું તને લાગે છે. મારી નોકરી એય પૂરી કરવા મળે તો…!

જેનિશ તેની પાર્ટનરના ઠસ્સા તરફ અને તેની તુચ્છકાર ભરી નજર તરફ તાકી રહ્યો ને સ્વગત બબડ્યો, ‘‘ઓહ્, ત્યારે એમ વાત છે.’’

‘‘છેસ્તો, આપણે તો ઉઘાડેછોગ વાત છે.’’ કહી તેણે ભવાં ઉલાળ્યાં.

લોકો તો વાતો કરતા હતા. હવે તો જેનિશના દોસ્ત પણ તેની સામે જ કહેવા લાગ્યા, ‘‘અરે જેનિશભાઈ, જોજો હોં, પાર્ટનર તમને વેચીને પેનડ્રાઈવ ન વાપરી જાણે?’’

તો ગપ્પે ચડેલા જવાનો તો વળી, આમ જ કહેતા, ‘‘જેનિશને તો જો જે ને મોબાઈલની માફક ગળે લટકાવશે.’’

બીજો ટપી જતો, ‘‘એના કરતા તો એમ કહે કે મેમરી કાર્ડની જેમ કેડ પર લટકાવશે.’’

અલબત્ત, જેનિશ આ બધી રમૂજના જવાબ રમૂજથી આપતો, ‘‘તમે કહ્યું તે બેય જગ્યાએ કંઈ હાડકા નથી ખુંચવાના, આપણે ત્યાં પણ રહેવા તૈયાર છીએ.’’

પણ, બધું સાચું હશે તેની તો તેને આજે જ ખબર પડી.

બીજી સ્ત્રીઓ કરતા પાર્ટનરનો પહેરવેશ અલગ હતો; વાળ એક તો ટુંકા જ રાખતી અને તેય ઓળાવવાના તો નહીં જ, બાવડે ટેટું દોરાવેલું, બોલવાની કોઈ આવડત નહીં, સિગારેટ પીવાની ટેવ – અરે કહે છે કે ડ્રગ્સનોયે શોખ છે, પણ શું કરે ટાઉનમાં તે પ્રોપર વ્યક્તિને શોધી શકતી ન હતી – વગેરે લક્ષણો પહેલેથી જ દેખાતાં હતાં. પણ એતો પહેલા મોટા શહેરમાં રહેતી એટલે હોય, એમ જેનિશનું સ્ટેટસ પોસાતું હતું, ઘરકામ ઓછું કરે તેય જેનિશને પરવા ન હતી.

પણ, આજે ખબર પડી, નજરે જોયું કે આ તો બધું ડિજિટલ કીબોર્ડને રિપેર કરવા જેવું છે અને એનાથી એક લાંબો શ્વાસ લેતા બબડી જવાયું, ‘‘દોસ્તો, કહેતા હતા પણ આ બાઈ સાહેબે તો કાન સ્પીકરે અને આંખ સ્ક્રિને બાંધી દીધા હતા.’’

‘‘ત્યારે તું એમ માનતો હતો કે હું તારી વેઠીયા સાથે પાર્ટનરશિપ માંડીશ!’’

તે બરાડ્યો, ‘‘જોઈ વિચારીને બોલ હોં! ઠીક કહું છું હોં.’’

‘‘એય અવાજ નીચે, ઓનલાઈન એપ્લિકેશન કરીશ તો પોલીસ લઈ જશે, સમજ્યો?’’ અને તેણે હેડફોન જેનિશ પર ફેંક્યો.

આવું બધું ઘણીવાર ચાલ્યું. બંને ઘણીવાર ઝઘડ્યા. એકવાર તેણે જેનિશ પર રીતસર મારઝૂડ ચાલુ કરી. તેણે આખરે કહી જ દીધું, ‘‘તું લાખવાર મને અહીં રાખવાનું કરીશ તો ય હું તારી સાથે પાર્ટનરશિપ નહીં જ માંડું. બહું કરીશ તો તારી સામે દાવો માંડીશ. તારા જેવા જીહજુરીયાના ઘરમાં તો નહીં જ રહું.’’

જેનિશ પણ હવે થાક્યો. અરે, પુરૂષ આયોગ ભેગું કરીને ય આ મોંઘાં જમાનામાં પણ કેટલાય બચાવેલા પગારનું પાથરણ કર્યું. પણ પુરૂષ આયોગેય શું કરે? મહિલા આયોગ પર દબાણ કર્યું ને આ બાઈ સાથે કોઈ લિવ-ઈન રિલેશનશિપ ન રાખે તેવું ઠરાવ્યું.

બાઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ આ બાઈ કોઈને ગાંઠે તેવી ક્યાં હતી? અરે એણે ઉલ્ટાના એ લોકોના ય જાણે નાક કાપી લીધા. રોકડું પરખાવી કાઢ્યું, ‘‘મારે ક્યાં તમારા જેવા જીહજુરીયાઓની સાથે રહેવું છે! મારે તો છે બીઝનેસમેન. અરે, વધુમાં વધુ તો તમે કાયદાની કલમ પ્રમાણે પૈસા માંગોને એ તો પૈસા આપી દે તેમ છે.’’

ત્યાં મહિલા આયોગવાળા પણ એજ ઘડીએ પુરૂષ આયોગ સામે છૂટા થઈ ગાય, ‘‘જુઓ, એ સ્ત્રી અમારા કહ્યામાં નથી. માટે તમે જાણો અને એ જાણે.’’

ને આખરે ક્લિનશેવરીયા પોતાની મૂછ રાખતા હોય તેમ કહ્યું, ‘‘તો જવા દો આને, જોઈએ છીએ તે શું કરે છે.’’

ઓછું હોય તેમ તે જેનિશને પાછળ ચીડવી રહી, ‘‘વેઠ કરનાર પગારિયા, એક તો મોંઘવારી છે ને એમાંય તે આ નવરા આયોગો પાછળ પગાર બગાડ્યા. આટલું તે તારા શેરબજારમાં લગાવ્યું હોત તો બમણા થાત!’’

જેનિશને ઘણુંય ખોટું લાગ્યું પણ શું કરે? તેની પાર્ટનર ખોટું ય શું કહેતી હતી? જેનિશને ય થયું, જે કાયદા અને આયોગોને ન માને તે મા-બાપને શું માને? વળી, વાત તો એવી મળી છે કે તેને બોયફ્રેન્ડ ઘણા છે, તેમાંય એ શહેરના ઉદ્યોગપતિનો દીકરો તેનો ખાસ છે.

જેનિશ તો કે’વા લાગ્યો કે જે રોંગ નંબરમાં રિલેશન કરે તેને પછી શું?

જેનિશ હવે લાચાર હતો કોર્ટ તો ક્યારની લિવ-ઈનને રજા આપી ચૂકી હતી, આયોગોને આ માને તેમ ન હતી. તેને કહ્યું, ‘‘હું તને જાહેરમાં બદનામ કરીશ. પછી પેલાનું સ્ટેટસ ઘવાશે પછી તું શું કરીશ?’’

પણ તેનો ય પેલીએ હસીને જવાબ આપ્યો કે – તને કોઈ નહીં મળે પણ મને તો… એટલું યાદ રાખજે.
જેનિશને આ સાચું લાગ્યું, દુનિયામાં જેટલા સ્ત્રીના તેટલાં પુરૂષના ઓછા.

આખરે તેણે પથારી કરતાં કહ્યું, ‘‘હવે હું થાક્યો. આ કોન્ટ્રાક્ટને રદ કરવા પર સાઈન કર એટલે પતે.’’

‘‘હજુ થાક્યો ક્યાં છે? હવે થાકીશ.’’ તેની પાર્ટનર તો જાણે હાઈટેક કોમ્પ્યુટરની જેમ તેની રીત બદતી જતી હતી. જેનિશ એ રીતોને નવા શીખેલા ઓપરેટરની જેમ સહન કર્યો જતો હતો. હારી થાકીને તે જાણે સમર્પણ કરતો હોય તેમ બોલ્યો, ‘‘શા માટે ભૂંડી, જિંદગીની આ મજા બગાડે છે? પેલા સોંગમાં કહ્યું છે ને કે… હર પલ યહાં જીભર જીઓ…. કલ હોના હો…’’ પરંતુ જેનિશના નરમ શબ્દોએ તેના પર કંઈ અસર ના કરી. વધુ ઊખેળી કહે, ‘‘તારી પગારી નોકરીમાં શું? તું કાંઈ વધારે પેમેન્ટ કાઢી ન શક અને મારી મહત્વકાંક્ષાઓને હું તારી પાર્ટનરશિપમાં ક્યારેય પુરી ન કરી શકું.’’

જેનિશને વાત કર્યાનો ય પસ્તાવો થયો, પણ તેને થયું આજે તો પૂરેપૂરી તાગી લઉં, ‘‘તો એમ જ કહેને કે તારે તેની સાથે રિલેશનમાં રહેવું છે.’’

‘‘અરે ઉપડી આજકાલમાં. મને કાંઈ તારી બીક થોડી લાગે છે.’’

‘‘અરે, ના… તું કહે તો તારી બેગ લઈ મૂકવા આવું. તું નોકર ગણે જ છે તે પૂરો.’’

‘‘આઈ નો કે તું મને મનાવવા આવ્યો છે પણ…’’
‘‘અરે હોય કંઈ હું તો -’’

‘‘એટલું ધ્યાન રાખજે કે હું જાઉં છું થોડાક દિવસમાં, તું જાણે છે? તે મને આમ પૂરવા જતા નીકળવાનો માર્ગ કરી આપ્યા છે.’’

‘‘તો પધારો દરવાજો ખુલ્લો છે.’’

તેમ કરી જેનિશ તેને ખેંચવા લાગ્યો તો તે કાંઈ ઓછી હતી કહે, ‘‘તારી તાકાત હોય તો બોલાવ આયોગોને ને લખાણ કર કે મારા કોન્ટ્રાક્ટ તારી સાથે પૂરાં.’’

આખરે પેલીએ મોબાઈલનો છૂટો ઘા કર્યો, જેનિશએ હેન્ડબ્લેન્ડર ઉલાળ્યું ને કહ્યું, ‘‘આઈ ડોન્ટ ટ્રસ્ટ યુ. પ્લિઝ, લીવ મી. અને હવે સીધી બેસજે, નહીં તો ક્યાંક હાડકા વગરની ન થઈ જા.’’

‘‘મને લાગે છે તારી માએ ડિલીવરી સમયે પોપસોંગ જ સાંભળ્યા લાગે છે! એ વગર આવો લવારો કોઈ કરે જ નહીં.’’

‘‘ને તારી મા એ?’’

‘‘મારી માએ તો મંત્રો સાંભળ્યા છે ને ગાયા પણ છે, નહીંતર હમણા તારા સ્પેરપાર્ટ ખેડવી નાખું તો પેલો પણ તને ન સૂંઘે સમજી? પછી જ્યાં ત્યાં પડી રે’જે.’’

‘‘જ્યાં ત્યાં કેમ? આ ઘર તો -’’

હવે ખબર લેવાનો વારો જેનિશનો હતો.

‘‘અરે, આ ઘરમાં તો હવે મેરેજ કરીને લાવીશ કોઈને જોજે ને, જીવતી હો તો આવજે આ બાજુ થોડા દિવસ પછી ને જોજે કેવી ક્ષણોને અમે ઉજવીએ છીએ.’’

પેલી હસવા લાગી, ‘‘તો તો તું મારી દયા ખાય છે એમ કે?’’

‘‘જોજે, એક દિવસ આ જેનિશને યાદ કરીને રડ ન તો…. કહેજે….’’ જેનિશએ જાણે છેવટનું કહી દીધું.
પેલી બોલી, ‘‘ત્યારે તો કાલે મને છૂટી કરવાની ને?’’

‘‘અરે અત્યારે જ તું સાઈન કરતી હો તો?’’

હવે તો પેલી ય ગંભીર થઈ ગઈ. જેનિશ બોલ્યો, ‘‘સવારે ઊઠ એવી સાઈન કરીને ચાલતી પકડજે.’’
ઘડીભર તો પેલીને થયું કે જાણે હવે આ ફજેતા પછી તેને કોઈ સહારો નહીં આપે. વળી, થયું કે પગારદાર ખરો પણ, બીજા કરતા તો ક્યાંય સારો છે. અરે, મારા મધર-ફાધર કરતા ક્યાંય સારો છે.

ત્યાં જેનિશ બોલ્યો, ‘‘તું તો પસ્તાવાની…’’
અને પેલીએ અસલ મિજાજ સંભાળ્યો, ‘‘હું શું પસ્તાવાની એ તો ભસતો નથી.’’

‘‘અરે, વાઈરસ જેવી વાયડી, તને તો હજી પૂરું સ્ત્રી થતાં ય આવડતું નથી ને આવડશે ય નહીં.’’

‘‘બસ. એ જ ને, તો એ તો મારે થવું ય નથી. અહીં તો મારી જીહજુરી કરે તેવો જોઈએ.’’

જેનિશને જાણે હવે આત્મગૌરવ જાગ્યું હોય તેમ બોલ્યો, ‘‘જેને નાચતા આવડે ને એ જ બીજાને નચાવી શકે. સમજી.’’

ક્ષણભર તો પેલીને થયું. પગારિયો પણ છે રસિયો. બોલી ત્યારે જુદું, ‘‘ત્યારે તને તો પાર્ટીડાન્સ પણ નથી આવડતો.’’

‘‘જો સ્ટેટ્સ સામે સવાલો ઉઠાવીશ તો તું જ ઊઠી જઈશ.’’ આટલું કહીને ધીમેકથી બોલ્યો, ‘‘હું નાચતો નથી, નચાવું છું. વાંદરાને કે વાંદરીને.’’
‘‘આ વાંદરી તારા ભાગ્યમાં નથી, એ જોઈ લેજે.’’

***

જેનિશ સવારે ઓફિસે ગયો ને આ બાજુ તેની પાર્ટનર તેના શહેર તરફ તેની ગાડી લઈ ચાલી ગઈ. તેનો ઈ-મેઈલ જોઈ અને જેનિશ સીધો ઘરે આવ્યો. તેણે જોયું તો તેણે ઘરમાંથી એક પણ વસ્તુ લઈ જવાની તસ્દી લીધી ન હતી અને પેપર સાઈન કરીને રાખી ગઈ હતી. તે બબડ્યો, ‘‘શા માટે બધું લઈ જાય. તેને ત્યાં તો ડાયમંડ ગબડે છે પછી.’’

અને બીજે દિવસ તરત તેના મિત્રે સમાચાર આપ્યા, ‘‘તારી પાર્ટનર પેલા બીઝનેસમેનના છોકરા સાથે જોડાઈ ગઈ છે અને તે બંને વિદેશમાં ચાલ્યા ગયા છે.’’ આ જાણીને ય જાણે જેનિશએ પણ છૂટકારાનો દમ લીધો.

જેનિશ સાથે કોલેજિયન કેટલીય ફ્રેન્ડ લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા તૈયાર હતી, તેને તેની એક ફ્રેન્ડે તો કહી દીધું, મંજૂરી તૈયાર કરી લીધી. પણ જેનિશએ કહ્યું કે – હમણાં આપણે રહેવા દઈશું. તેની ફ્રેન્ડને થયું કદાચ, ત્રીજે તેને મન લાગ્યું હોય. પણ જેનિશનું દિલ તો હજી પેલી પે’લી સાથે જ બંધાયેલું હતું. તે આખા દિવસના કામમાં તેને યાદ ન આવતી પણ રાત થાય કે ઘર તેને સાઉન્ડસિસ્ટમ વગરના ડેસ્કટોપ કોમ્પ્યુટર જેવું લાગતું. પણ તેની યાદ તેના મગજમાં ડી.જે.ના અવાજની જેમ ખટકતી હતી, ઘણીવાર તો જેનિશ ખુદ કંટાળી જતો.

એક દિવસ તે ઘર સંભાળવામાં અને ઓફિસ સંભાળવામાં ઓફિસમાં કાંઈ ભૂલ થઈ ગઈ, કંપનીને ટેન્ડર ન મળ્યું ને બોસે તેને રજા આપી દીધી.

જેનિશએ મનોમન નક્કી કરી લીધું કે હવે તો નથી બીજી નોકરી કરવી કે નથી તો આ માથાકુટમાં પડવું.
તેણે હવે ઘરની ચીજો તેના મિત્રોને સોંપી, ઘરને તાળું લગાવ્યું અને પાર્ટનર ગયાના અઠવાડિયે જ તેણે ચાલતી પકડી. કોઈ અજાણી દિશા અને દશા શોધવા. મિત્રોએ મનાવ્યો. પણ ના કોઈ ઉત્તર, ના કોઈ સમજૂતી. કોઈ કહેવા લાગ્યું કે ‘‘પેલીનો પત્તો લગાવીને જ આવશે.’’

‘‘ના રે.. પેલી તો એના નખરે ગઈ છે, તેમાં આ શું કામ મરે? ખોટો કાયદામાં પગ મૂકે. મનજીનું એડ્રેસ લઈ ગયો છે એટલે કદાચ તે હવે ત્યાં નોકરી શોધી લેશે ને વળી તેને ક્યાં લિવ-ઈનમાં જ રહેવું પડે તેમ છે?’’ બીજાએ જ્યાં આમ કહ્યું ત્યાં ત્રીજાએ વાત મૂકી, ‘‘અરે! પણ તે તો કાર વેંચીને ગયો છે. જો તેને એકાદ વર્ષે પણ પાછું આવવું હોત તો તે કાંઈ વેંચીને જાત ખરો? પણ મને લાગે છે, તેને હવે જીવી લેવું છે, એ ક્ષણોને ઉત્સવમાં બદલનારો ધૂની માણસ.’’
દરરોજ આ જ રંગ બધા મિત્રો ઓફિસેથી નવરા થઈ ફ્રેન્ડ ક્લબમાં મળે અને બસ જેનિશની જ ચર્ચા. આ વાતને અઠવાડિયું થયું હશે, વાત હવે આઉટ ઓફ સ્ટોરી થવા લાગી કે એક મિત્રે આવીને કહ્યું, ‘‘અરે! યાર, જેનિશની પાર્ટનરનો ફોન હતો.’’ બધા આશ્ચર્યથી તેની સામે જોવા લાગ્યા, જાણે ન બનાવાનું બની કેમ ગયું હોય! ‘‘પણ શું ફોન હતો?’’
‘‘અરે તેને કહ્યું તમારી પાસે લોક પાસવર્ડ છે?’’
બધા તરત જેનિશના ઘર તરફ ગાડી લઈને જવા લાગ્યા. ત્યાં જઈને જુએ તો જેનિશની એક્સ પાર્ટનર આ બધાની વાટ જોતી હોય તેમ ઊભી હતી. તેણે તરત બધાને લોક પાસવર્ડ વિશે પ્રશ્ન કર્યો. પણ જેની પાસે લોકપાસવર્ડ હતો તેણે જ ના પાડી દીધી. ત્યાં તેના મજાકિયા મિત્રએ તો વળી, સંભળાવી દીધું, ‘‘એને શુંય ખબર કે તમે ફરી પધારવાના હશો?’’

‘‘હા, યાર હશે, પણ મને જરા આ લોકપાસવર્ડ તો તોડવા લાગો?’’

‘‘અરે, તોડ તો ખરી, કોણ તોડવા દે છે તે?’’

જેનિશનો મિત્ર બધા વતી બોલ્યો. ત્યાં પેલીએ વિચાર્યું. માણસનો સ્વભાવ બનાવવામાં ખરેખર માણસ જ જવાબદાર છે. તે ઘૂરકીને બોલી (કાયદાના સહારે સ્ત્રીઓ બોલે તેમ જ વળી), ‘‘જોઉં છું કોણ મારી આડે આવે છે?’’

એમ કરી તેણે તો લેપટોપ કનેક્ટ કર્યું અને જૂનો પાસવર્ડ આપ્યો તો લોક ખુલી ગયું. સૌ દેખતા રહ્યા. જે યુવાન તેની સામે થાતો હતો તેને તેના મિત્રોએ રોક્યો કહે, ‘‘તું શું કામ માથે લે છે? અને સ્ત્રી સામે પડવામાં આ જમાનામાં ભલાઈ નથી. એમાં ય આ…’’ વળી તેમાં જેનિશનો એક વકીલ મિત્ર પણ ત્યાં જ હતો તે કાયદાની કલમને ટાંકી બોલ્યો, ‘‘હા. ભાઈ, આખરે તે લિવ-ઈન પાર્ટનર ખરીને, તેનો હક બને છે.’’

તો ય તે મિત્ર બોલ્યો, ‘‘જેનિશ આવે પછી ભલેને અંદર જાય?’’

ત્યાં તે વચમાં જ બોલી પડી, ‘‘એ આવશે ને કહેશે તો ચાલી જઈશ. પણ તમારા બધાના કહેવાથી તો નહીં જ જાઉં.’’

‘‘પણ એ તો મોસ્ટ ઓફ બધું વેંચીને ચાલ્યો ગયો છે!’’

પેલીએ હવે કંટાળાના સ્વરમાં કહ્યું, ‘‘હું તેનો વેઈટ કરીશ. તમારે ચિંતા કરવાની જરૂર નથી.’’

તે આખી રાત જાગી તેણે ઈન્ટરનેટનો ખૂણો ખૂણો ફેરવી નાખ્યો; ફેસબુકથી લઈ ઓનલાઈન ફોનબુક સુધી બધું ભમી વળી પણ ક્યાંય જેનિશનો પત્તો ન લાગ્યો. તેને જેનિશના મિત્રોની પાર્ટનરે પરોક્ષ સહયોગ આપ્યો. તેણે જાણ્યું કે તે છેલ્લે મનજીનું એડ્રેસ લઈને ગયો હતો તો તરત તેણે ઈન્ટરનેટ પર મનજીને શોધી કાઢ્યો. તે એબ્રોડ સેલ્સમેન હતો, અલગ-અલગ દેશોમાં જવાવાળો, તેનું ઈ-મેઈલ એડ્રેસ લઈ તેને મેઈલ કર્યો, ‘‘ડિયર જેનિશ, આઈ એમ વેરી સોરી. મારે તો મન માણવું ’તું, પણ મને ક્યાં ખબર હતી કે જ્યારે મેં મને ખોઈ હશે ત્યારે તું પણ મારાથી ખોવાઈ ગયો હશે? હવે હું શું લખું? તારી રજા લીધા વગર તારી ‘પત્ની’ બની મેં ઘર સંભાળ્યું છે. હવે મારે તો એ જ જોવાનું રહ્યુંને કે આ ‘લેન’ ટુ ‘મેન’ કનેક્શન ક્યારે કનેક્ટ થાશે! મારા હૈયાના મધરબોર્ડની ડિઝાઈનમાં મેં તમને રાખ્યા છે. હવે તમારા તરફથી મળવાની વાટ જોઉં છું? આઈ એમ વેઈટિંગ ફોર યુ. (મનજીભાઈ, આ મેઈલ જરા જેનિશને પહોંચાડશો.)’’

હવે તે આખો દિવસ કામ કરે છે. સવારમાં વહેલી કોમ્પ્યુટર શરૂ કરે, રખેને કાંઈ જેનિશના સમાચાર હોય! હવે તેણે જેનિશ નોકરી કરતો તે કંપનીમાં નોકરી શરુ કરી દીધી, ઘરકામ પણ કરવા લાગી અને રાતે લેપટોપની સ્ક્રિન સામે આંખો ફાડીને જોયે રાખતી, ક્યાંક જેનિશના નામનો મેઈલ ચમકે…?

આનંદ ઠાકર

******
નોંધ – પન્નાલાલ પટેલની વાર્તા ‘ભાથીની વહુ’નું આધુનિક સ્વરૂપમાં રૂપાંતર કર્યું છે. આ વાર્તા તેના મૂળ વાર્તાકાર ‘પન્નાલાલ પટેલ’ને શબ્દાંજલિ સાથે અર્પણ.
**************************

Gujarati Varta Patel remake story I am waiting for you gujarati sahity varta story book

#Pannalalpatel #gujarativarta #gujaratistory #gujaratisahity #sahity #varta #story

error: Content is protected !!
Exit mobile version