Home SAHAJ SAHITYA હેરીની દરિયાઈ સફર

હેરીની દરિયાઈ સફર

0

હેરીની દરિયાઈ સફર

– રામ કૌસ્તુભ મનોજભાઈ

( વિશેષ નોંધ – આ વાર્તા કૌસ્તુભ ધો. ૮ માં અભ્યાસ કરતો ત્યારે લખી છે. આજે પણ એની તાજગી એવી જ અનુભવાય છે. આજે એ બહાઉદ્દીન વિજ્ઞાન શાખાના ત્રીજા વર્ષમાં જૂનાગઢ અભ્યાસ કરે છે. )

વિક્ટ્રી નામક એક દેશ હતો. આ દેશ ખૂબ જ હરિયાળો હતો, ક્યાંક લીમડો, ક્યાંક પીપળો તો ક્યાંક વડ તો ક્યાંક ફૂલઝાડ અને ફળઝાડ હતા, તેથી જ તો વિક્ટ્રી દેશનું ઉપનામ ‘ટ્રી કન્ટ્રી’ હતું. વિક્ટ્રી દેશના લોકો બુદ્ધિમાન, ચતુર તેમ જ સમજદાર નાગરીકો હતા. આ દેશના લોકો પ્રદૂષણ ન કરે, દિવાલો પર પ્રદૂષણ અટકાવવા અનેક પ્રકારના બેનરો, ભીંતપત્રો લગાડવામાં આવતાં હતાં. તેમ જ વૃક્ષો વાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હતા.

આ દેશમાં લોકશાહી પણ નહીં અન રાજાશાહી પણ નહીં. કોઈ રાષ્ટ્રપતિ કે કોઈ રાજા નહીં. દરેક નાગરિક પોતપોતાની રીતે પોતાની ફરજો બજાવીને આ દેશને સંભાળતા. શાંતિપ્રિય આ દેશમાં કોઈ ઝઘડા કે મારામારીના બનાવો બનતા ન હતા. આ દેશમાં બધા હળીમળીને રહેતા હતા. સમુદ્રથી ઘેરાયેલા આ દેશનો મુખ્ય વ્યવસાય માછીમારી હતો. ભુલથી કોઈ પ્રદૂષણ કરે અથવા તો વૃક્ષ કાપે તો તેને સજારૂપે દશ વૃક્ષો વાવવા પડતા હતા.

હેરી નામનો છોકરો આ દેશના એક નાનકડા ગામમાં રહેતો હતો. તેની ઉંમર ચૌદ વર્ષની હતી. ભણવામાં તે ખૂબ જ મહેનતુ અને હોશિયાર હતો. તે નવમું ધોરણ ભણતો હતો. તે જ્યારે ભણીને ઘરે આવ્યો ત્યારે કંઈક ચર્ચા ચાલતી હતી. હેરી પણ તેમાં સામેલ થયો અને જોયું તો હેરીને શું બનાવવો તે વિશેની ચર્ચા ચાલતી હતી. મમ્મી, પપ્પા અને દાદા-દાદી તેને કંઈને કંઈ બનાવવા માંગતા હતા, પરંતુ તેને મરજીવો (ક્યુબા ડ્રાઈવર) બનવું હતું. તેના ગામ પાસે એક નદી હતી અને દશ – બાર કિ.મી. અંતરે જ સમુદ્રને મળતી હતી. ગામની આ નદીની બંને બાજુ ઘટાદાર વૃક્ષો હતા. અનેક પ્રકારના પક્ષીઓ આ વૃક્ષો પર વસવાટ કરતા હતા. પક્ષીઓના કલરવથી સમગ્ર વાતાવરણ ગુંજતું રહેતું. નદીના તટ પર જ એક સુંદર મજાનું મેદાન હતું. ગામના લોકો અવારનવાર આ મેદાન પર આવતા. બાળકોને અહીં રમતો રમવાની ખૂબ મજા પડતી. શનિ-રવિની રજાઓમાં એક વખત હેરી અને તેના મિત્રોએ અહીં ઉજાણી મનાવવાનું નક્કી કર્યું.

સવાર પડી. હેરી અને તેના મિત્રો જરૂરી સામાન લઈ રવાના થયા. તેઓ ફરતા જતા હતા અને બધે નજર ફેરવતા હતા. વૃક્ષોની ભવ્યતા, પતંગીયાની ઉડાઉડ, પક્ષીઓનો કલરવ, તેમજ પોતાના ગામની સ્વચ્છતા અને કુદરતની સુંદરતા નિહાળતા હતા. મેદાનમાં ખૂબ જ રમતો રમી થાક્યા પછી તેઓએ એક વડના વૃક્ષ નીચે આરામ કર્યો. નાસ્તો કર્યો અને પાણી પીધું, વળી પાછા રમતો રમવા લાગ્યા. થોડીવાર રમ્યા પછી હેરી બોલ્યોઃ ચાલો આપણે તરવાની હોડ લગાવીએ. તેઓ નદીકાંઠે જઈને ગોઠવાઈ ગયા….

વન…ટુ…થ્રી.. અને બધા પાણીમાં પડીને તરવા લાગ્યા. તરતા તરતા હેરી પાણીમાં અર્ધે પહોંચ્યો ત્યાં તેણે નદીના પાણીમાં જોયું તો રંગબેરંગી માછલીઓ, કૂદકા મારતા દેડકાઓ, વળી ત્યાં સ્વીટફિશ પણ હતી. હેરીના દાદા ખૂબ જ વિદ્વાન હતા અને તેણે જ હેરીને માછલીઓની ભાષા શીખવી હતી! હેરીએ સ્વીટફિશ સાથે તેની ભાષામાં વાતો કરી અને પછી બંનેએ મિત્રતા કરી. સ્વીટફિશે તેને નદીમાં જવા ક્હયું. હેરીએ હા પાડી એટલે સ્વીટફિશ અને હેરી તરતા તરતા નદીમાં દૂર પહોંચ્યા.

અહીં નદી વિશાળ હતી. તેમાં નાની અને મોટી માછલીઓ હતી. તેમ જ કાચબા અને તળીયે લીલ પથરાયેલી હતી. હેરી અને સ્વીટફિશ એક કાચબાને મળ્યા. કાચબાને સાથે પણ તેમને મિત્રતા થઈ ગઈ. એ પછી તો તે બધા સાથે નદીમાં અનેક સ્થળોએ ફર્યો. અનેક નવી વસ્તુઓ જોઈ. હેરી અને સ્વીટફિશ તો રાજીના રેડ થઈ ગયા. કાચબાએ કહ્યું, તમે જો આટલું જોઈને ખુશ થઈ ગયા તો દરિયામાં આવશો તો ખુશીથી પાગલ જ થઈ જશો તો ચાલો તમને દરિયામાં લઈ જઉં. હેરી ખૂબ થાકી ગયો હતો અને સાંજ પણ થવા આવી હતી. એટલે હેરીએ ના પાડી તથા કાલે આ જ સ્થળે મળવાનું નક્કી કર્યું. હેરી અને સ્વીટફિશ પાછા ફર્યા. હેરીએ સ્વીટફિશને કહ્યું, દોસ્ત કાલે પાછા અહીં મળીશું પણ હું શું કહીને તને બોલાવીશ? સ્વીટફિશે હેરીને એક અવાજ કહ્યો, જેનાથી સ્વીટફિશ હેરી પાસે તે જગ્યાએ આવે.
હેરીએ નદીને કાંઠે જઈને જ જોયું તો વડલાની નીચે પોતાનો સામાન હતો. હેરી મનમાં બબડ્યોઃ અરે મિત્રોને મારે કહીને જવું હતું, હવે એ ગામમાં વાત કરશે અને મારા માતા પિતા!… આટલું વિચારીને જ તે દોડતો દોડતો પોતાને ઘરે આવ્યો.

ઘરે જોયું તો પોતાની મા બેઠી બેઠી રડતી હતી. પિતા તેને સમજાવતા હતા. હેરી માને ભેટી પડ્યો, પછી વિગતવાર વાત કહી. હેરીના મમ્મી આ વાતો સાંભળી ખૂશ થઈ ગયા. આ વાત આખા ઘરમાં ફેલાઈ ગઈ.
હેરીએ પપ્પાને પોતાની સપનાની વાત કરી કે પોતે મરજીવો બનવા ઈચ્છે છે. તેણે કહ્યું કે દરિયામાં તળીયે જવું હોય તો શું કરવું? એટલે પપ્પાએ તેને કહ્યુઃ જો બેટા દરિયામાં તરીને તળીયે જવું એ તારા માટે ખૂબ જ મુશ્કેલ છે એટલે તું એવું કર કે સબમરીનમાં પહેલા દરિયાનો અનુભવ લે પછી આગળ જોયું જશે!

પણ પપ્પા આ સબમરીન મળશે ક્યાં? હેરી બોલી ઊઠ્યો.

પપ્પાએ કહ્યુઃ આપણાં ગામના સીમાડે એક વૈજ્ઞાનિક રહે છે, જેનું નામ વૈજ્ઞાનિક વૉટરી છે. તે દરિયાની અંદર જ સંશોધન કરે છે. તેને ચોક્કસ ખબર હશે કે આ સબમરીન ક્યાં હશે?

હેરી બોલ્યોઃ તો ચાલો અત્યારે જ આપણે વૈજ્ઞાનિક વૉટરીના ઘરે જઈએ.

પપ્પા બોલ્યાઃ જો બેટા અત્યારે નહીં, કાલે જઈશું.

હેરીએ જિદ્દ પકડીઃ નહીં, પ્પપા જો તમે મને અત્યારે વૈજ્ઞાનિક વૉટરીને ત્યાં લઈ નહીં જાઓ તો હું જમીશ નહીં.

હેરીના પપ્પા માન્યા અને બંને વૈજ્ઞાનિક વૉટરીના ઘરે ગયા. પંદરેક મિનિટમાં તેઓ વૈજ્ઞાનિક વૉટરીના ઘરે પહોંચ્યા. ડોરબેલ વગાડી એટલે વૈજ્ઞાનિકે દરવાજો ખોલ્યો. બંને અંદર ગયા, ત્યારબાદ વૈજ્ઞાનિક વૉટરીએ કહ્યુઃ અરે! તમે આ હેરીને લઈને અહીં કેમ?

હેરીના પપ્પા બોલ્યાઃ વૉટરીભાઈ, આ હેરી આજે ઉજાણી મનાવવા ગામની નદીએ ગયો હતો અને ત્યાં રમતા રમતા નદીમાં તરવા લાગ્યો, ત્યાંથી નદીમાં ખૂબ જ આગળ ગયો. એટલું જ નહીં ત્યાં પણ માછલીઓ અને કાચબાઓને દોસ્ત બનાવી લીધા. તેઓના આગ્રહથી હેરીને દરિયાની સફર કરવી છે અને તેના માટે કાલ સવાર સુધીનો સમય છે.

વૈજ્ઞાનિક વૉટરી બોલ્યાઃ તો હું તમારી શું મદદ કરી શકું?

હેરીના પપ્પાએ કહ્યુઃ તમે તો દરિયાની અંદર સંશોધન કરો છો. તમારી પાસે સબમરીન હશે. તે તમે હેરીને આપો અને શક્ય હોય તો તમે પણ હેરી સાથે જાવ.

વૈજ્ઞાનિક વૉટરીના ચહેરા પરની રેખા ના પાડવાનો સંકેત આપતી હતી, પણ અચાનક વૈજ્ઞાનિકે હા પાડી અને પોતે પણ સાથે જશે તેવું કહ્યું.

સવાર પડી. વૈજ્ઞાનિક વૉટરી અને હેરી દરિયાકાંઠે પહોંચ્યા. પણ હેરીને પોતાના જળચર મિત્રોની યાદ આવી. તે દોડતો નદીએ ગયો અને માછલીને બોલાવી, પછી આખી વાત તેને કહી અને માછલી તથા કાચબાને પણ દરિયાકાંઠે આવવા કહ્યું. પછી વૈજ્ઞાનિક વૉટરી અને હેરી દરિયામાં સબમરીન દ્વારા સફર શરુ કરી. વૈજ્ઞાનિક વૉટરી અને હેરી સાથે સબમરીનમાં વૈજ્ઞાનિક વૉટરીના બે-ત્રણ સાથીઓ અને એક સબમરીનનો ડ્રાઈવર હતા. હેરીએ રંગબેરંગી માછલી, કાચબા, ઓક્ટોપસ, ડોલ્ફિન, વ્હેલ, શાર્ક વગેરે જોયું અન ખુશ થઈ ગયો. સબમરીન આગળ ગયું. આગળ સમુદ્રી વનસ્પતિ, ફૂલ વગેરે હતું. ત્યાં જ સબમરીનમાં કાંઈ ખરાબી આવી અને તે આમતેમ જવા માંડ્યું. હેરી, વૈજ્ઞાનિક વૉટરી અન ડ્રાઈવર બધા ગભરાઈ ગયા. સબમરીન કેમ રોકવું તે વિચારતા હતા. સબમરીન ખૂબ ઝડપે જતું હતું. તે ઊંડું ને ઊંડુ જતું હતું. એવામાં તે એક મોટા પથ્થર સાથે અથડાયું.

ડ્રાઈવરે જોયું કે આગળ એક પથ્થર છે જેને ખસેડવો પડશે. તેણે આ વાતની જાણ વૈજ્ઞાનિક વૉટરીને કરી. વૈજ્ઞાનિક વૉટરી અને ડ્રાઈવર મરજીવાના શુટ અને ઓક્સિજનની બોટલ બાંધી, પથ્થર હટાવવા બહાર નિકળ્યા. બહાર પથ્થર હટાવી ડ્રાઈવર ચાલતો થયો પણ વૈજ્ઞાનિક વૉટરી નજર પેલી બાજુ પડી. તેણે જોયું કે એક મહેલ છે. તેના દરવાજે બે શાર્ક માછલી તરે છે. આજુબાજુ વિચિત્ર મકાન છે. એકંદરે આ એક નગર છે. તેણે ડ્રાઈવર અને બધાને આ વાતની જાણ કરી અને બધાને મરજીવાનો શુટ તથા ઓક્સિજનની બોટલ બાંધી બહાર આવવા કહ્યું. બધા બહાર આવ્યા. પછી વૈજ્ઞાનિક વૉટરીએ આ સ્થળ બધાને બતાવ્યું. બધા અંદર જ જતાં હતાં કે હેરીના મિત્ર માછલી – સ્વીટ ફીશ અને કાચબો બંન્ને અહીં આવ્યા. તેમણે હેરીને બોલાવ્યો.

હેરીનું ધ્યાન આ બંન્નેના અવાજ પર ગયું. હેરીએ વૈજ્ઞાનિક તેઓની સાથે થોડી વાતચીત કર્યા બાદ હેરીએ આ બંન્નેને પૂછ્યું, અમે અહીં આવી પહોંચ્યા છીએ. પેલી તરફ મહેલ, નગર આ બધું શું છે?

સ્વીટીફિશે કહ્યુઃ આ એક નગર છે. નામ શાર્કસ્ કન્ટ્રી છે. અહીં શાર્ક માછલીઓ રાજ કરે છે. કહેવાય છે કે અહીં પહેલા ડોલ્ફિનની રાણી રાજ કરતી અને બધા જળચર પ્રાણીઓ હલીમળીને રહેતા. ત્યારે આ નગરનું નામ ડોલ્ફિન્સ કન્ટ્રી હતું. પણ શાર્ક માછલીઓને અહીં રાજ કરવું હતું. તેઓએ કેટલીય વખત આ નગરના લોકોને- જળચર પ્રાણીઓને કહ્યું. પણ કોઈ ન માન્યું એટલે ઘણી શાર્કો ભેગી થઈ અને આ નગર પર હુમલો કર્યો. ત્યારથી અહીં ડોલ્ફીન કે કોઈ જળચર પ્રાણી દેખાતું નથી. બસ, જેને પોતાનું નગર મેળવવું હોય તે નગરપ્રેમી જ આ નગરમાં ભટકે.

આ વાત સાંભળીને હેરીને વધુ તાલાવેલી જાગી. તે ઝટપટ પેલા નગરમાં જવા લાગ્યો. પણ પછી તેને ખબર પડી કે આ તો એક ડોલ્ફિન છે અને તે આગળ જશે તો ત્યાં શાર્ક માછલીઓ છે જે તેને પકડી લેશે. એટલે હેરીએ ઉભો ઉભો એવો અવાજ કર્યો પણ ડોલ્ફિનને એમ લાગ્યું કે આ શર્કોના કોઈ માણસ છે એટલે તે ઝડપથી તરવા લાગી. બધા તેની પાછળ સંતાતા સંતાતા દોડ્યા પણ ડોલ્ફિન ન પકડાણી અને આગળ જતા તે શાર્ક સૈનિકોના હાથે પકડાઈ. હેરીએ એવો પ્લાન કર્યો કે પેલી ડોલ્ફિનને જ્યાં જ્યાં લઈ જાય. ત્યાં ત્યાં તેનો પીછો કરવો.

આમ, ડોલ્ફિનનો પીછો કરવામાં તેઓ રાણીમહેલમાં રાણીના દરબારમાં પહોંચી ગયા. ત્યાં ડોલ્ફિનને એક પાંજરામાં પૂરવામાં આવી અને સવારે આ ડોલ્ફિનને રાણી શાર્ક ફોલી સાથે લડવાની ઘોષણા કરવામાં આવી.

મેદાનમાં રાણી ફોલી અને ડોલ્ફિન પણ આવી રાણીએ ડોલ્ફિનને નામ પૂછ્યું તો ડોલ્ફિને પોતાનું નામ વિઝડમ કહ્યું. પછી શરૂ થઈ મારામારી. અહીંના નિયમ પ્રમાણે રાણી શાર્કને કોઈપણ ડોલ્ફિન નથી હરાવી શકી. પણ આ ડોલ્ફિન પણ ચાલાક હતી તથા તગડી હતી. તેને પોતાનું નગર મેળવીને જ રહેવું હતું.

જો કોઈ રાણી શાર્ક ફોલીને હરાવે તો તે અહીંથી દૂર ચાલી જાય. લડાઈમાં બંને એકબીજાને ટક્કર દે એવી હતી. ક્યારેક શાર્ક ડોલ્ફિનને પછાડે તો ક્યારેક ડોલ્ફિન શાર્કને મારે. કેટલોય વખત સમય આ લડાઈ ચાલી. હેરી અને તેની ટીમના લોકો પણ બધું જોઈ રહ્યા હતા. હવે ડોલ્ફિનની હાર પાકી હતી. ત્યારે જ હેરી પોતાના આઈડિયા પ્રમાણે આગળ આવીને શાર્ક તથા ડોલ્ફિનને સમજાવવા લાગ્યો કે તમે બંને આમ લડો મા, ઝઘડોમાં તમારા બંન્નેમાંથી કોઈનો પણ વાંક નથી. ડોલ્ફિનને પોતાનું રાજ્ય જોઈતું હતું તો શાર્કને પણ રાજાશાહી ભોગવવી હતી. જેમાં આમ લડશું તો કેમ ચાલશે? આમાં તો કોઈ જીતશે નહીં કે કોઈ હારશે નહીં. માટે એમ કરો કે બધા હળીમળીને સાથે રહો. રાણી ગમે તે બને આપણે આપણા કામ પર ધ્યાન આપવાનું. આપણાં રાજ્યની બરબાદી આપણે જ કરે તો શું સારા લાગીએ? માટે હળીમળીને રહો, ખુશ રહો.

હેરીના આવા બોલથી ડોલ્ફિન વિઝડમ અને શાર્ક ફોલી બંનેના વિચારો બદલી ગયા. બંને રાણી બનવાની ના પાડવા લાગી. પછી હેરીએ કહ્યું કે પહેલા છ વર્ષ શાર્ક રાણી બને અને પછીના છ વર્ષ ડોલ્ફિન રાણી બને અને હા બધા સંપીને રહે. બધા જળચરો એ હા પાડી.

ત્યાં જ ઓક્સિજનના બાટલા પૂરા થવા આવ્યા એટલે હરીએ અહીંથી વિદાય લીધી. પછી હેરી અને તેની ટીમ સબમરીનમાં પહોંચી. વૈજ્ઞાનિક વૉટરીના બે – ત્રણ માણસો અને ડ્રાઈવરે સબમરીન સરખી કરી અને પાછી ચાલી આ ટોળી પોતાના ઘેર.

અહીં સ્વીટફીશ અને કાચબો પણ પોતાના ઘરેજવા રવાના થયા.
હવે હેરી અને વૈજ્ઞાનિક વૉટરીને પાકો વિશ્વાસ થઈ ગયો હતો કે હેરી મરજીવો (સ્ક્યૂબા ડ્રાઈવર) બની શકે છે.

– આલેખન – કૌસ્તુભ રામ ( વડવિયાળ )

( આપનો પ્રતિભાવ આપતાં રહેશો… આભાર… )

અમારી અન્ય બાળવાર્તાઓ… 👇

સ્કુલના વડલા દાદા 👇

https://bit.ly/3pufdfy

જંગલ એપ્લિકેશન 👇

https://bit.ly/3pKu5a3

રોબોટિક ઉંદર 👇

https://bit.ly/3nanZOi

એડન્ટની શોધ 👇

https://bit.ly/3GxFQq1

અમારી વેબ સાઈટની મુલાકાત લેવા બદલ આભાર…
🙏💐🙏😊

error: Content is protected !!
Exit mobile version