Gujarat Police constable kutch rann varsha parmar
Gujarat Police: કચ્છના રણમાં કોન્સ્ટેબલ વર્ષા પરમારના આવા સાહસને જોઈ તમને પણ સલામ કરવાનું મન થશે…
કોન્સટેબલ વર્ષા પરમારને વંદન !
=========
આલેખન – દિલીપભાઈ મહેતા, ( વડોદરા, વરિષ્ઠ પત્રકાર)
ધગધગતા રણમાં પાંચ કિલોમીટર સુધી વૃદ્ધાને ઊંચકીને જીવ બચાવનાર કોન્સટેબલ (લોક રક્ષક દળ) વર્ષા પરમારની માનવતા અને સાહસને સલામ !
———————–
Gujarat Police constable kutch rann varsha parmar
કચ્છ જિલ્લાના રાપર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતી 27 વર્ષીય વર્ષા પરમારે માનવતા અને સાહસનું અદભૂત પ્રદર્શન કરીને ગુજરાત પોલીસને ગૌરવાન્વિત કરેલ છે.
ધગધગતી રેતી પર એક વૃદ્ધાને ઊંચકીને લઈ જતી વર્ષાનો એક વિડીયો આજકાલ સૌને આશ્ચર્ય ચકિત કરી રહ્યો છે.
કચ્છના ધોળાવીરામાં આજકાલ મોરારીબાપુની રામ કથા ચાલે છે. આ સ્થળની નજીક જ લગભગ પાંચેક કિલોમીટર દૂર ટેકરી પર કોઈ દેવનું મંદિર આવેલું છે. કથા દરમ્યાન લગભગ સવારે 11 વાગે ત્રણ મહિલાઓ આ દેવ મંદિરે પહોંચી , પરંતુ , ત્યાંથી પાછા વળતાં એક મહિલાને સખત તાપ (sun stroke)લાગ્યો, અને 86 વર્ષની એ વૃદ્ધા બેભાન થઈને ત્યાં ઢળી પડી. નજીક પસાર થતાં કોઈ મુસાફરે આ દ્રશ્ય જોઈને બેભાનમહિલા વિષે કથા સ્થળે જાણ કરી અને તરત જ વર્ષા પરમાર ત્યાં પહોંચી ગઈ. વૃદ્ધાને એણે પાણી આપ્યું અને પોતાની પીઠ પર એને ઊંચકીને ચાલવા લાગી. પોતાના જાનની બાજી લગાવીને પણ વર્ષાએ પાંચ કિલોમીટર સુધી મહિલાને ઊંચકીને એનો જીવ બચાવ્યો.
Gujarat Police constable kutch rann varsha parmar
વર્ષાના આ સાહસને દર્શવતા વિડીયોથી પ્રેરિત થઈને પોલીસ વિભાગ આ યુવતીને કોઈ એવોર્ડ દ્વારા સન્માનીત કરવા ધારે છે , પરંતુ વર્ષા નમ્ર ભાવે એટલું જ બોલી કે “ મે માનવતા ખાતર જ આ કામ કર્યું, ફેમસ બનવાની મારી કોઈ ઈચ્છા નહોતી. મે જોયું કે વૃદ્ધા ચાલી શકે તેમ નહોતી , અને આસપાસથી કોઈ વાહન આવવાની સંભાવના પણ બહુ ઓછી હતી. મને એ સમયે જે યોગ્ય અને શ્રેષ્ઠ લાગ્યું તે કર્યું”
થરાદ તાલુકાનાં ઉંદરણા ગામની વર્ષા પરમાર એના પરિવારની એક માત્ર કમાનાર વ્યક્તિ છે. ચાર વ્યક્તિના પરિવારમાં એના પિતા પશુ પાલક છે, માતા ગૃહિણી છે , અને નાનો ભાઈ હજુ ભણે છે.
આર્ટ્સ ગ્રેજ્યુએટ વર્ષા વિવાહિત છે , અને એના પતિ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. 2019માં લોક રક્ષક દળમાં એની પસંદગી થતાં મે -2021માં એને રાપર પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ મળેલ છે.
મોરારી બાપુની કથામાં બંદોબસ્ત નિમિત્તે ફરજ બજાવતી વર્ષાના આ સાહસ –શોર્ય અને માનવતાના કાર્યની ચોમેર પ્રસંશા થઈ રહી છે. અભિનંદન વર્ષા ! ઘણી ખમ્મા !
Gujarat Police constable kutch rann varsha parmar
આલેખન – દિલીપભાઈ મહેતા, ( વડોદરા, વરિષ્ઠ પત્રકાર)
Gujarat Police constable kutch rann varsha parmar