Home SUVICHAR Ganga: ગંગાજી વાસ્તવમાં શું છે ? નદી, સ્ત્રી કે બંને ?એમના માતા...

Ganga: ગંગાજી વાસ્તવમાં શું છે ? નદી, સ્ત્રી કે બંને ?એમના માતા પિતા કોણ ?

0

Contents

ગંગાજી વાસ્તવમાં શું છે ? નદી, સ્ત્રી કે બંને ?એમના માતા પિતા કોણ ?

Ganga River in india mythology and fact Stories

સંકલન અને આલેખન – આનંદ ઠાકર

ફોટો માટે ગીતાપ્રેસ ગોરખપુરના ઋણી…

સોશિયલ મીડિયા પર ખીમાણંદભાઈ રામ જેવા વિદ્વાને પરિપ્રશ્ન કર્યો કે ગંગાજી વાસ્તવમાં શું છે ? નદી ? સ્ત્રી ? કે બંને ? ગંગાજીનું સ્ત્રી સ્વરૂપ કોની કુખે અવતર્યું ? એમના માતા પિતા કોણ ? તેના જવાબમાં મેં મારા સ્વાન્તઃ સુખાય થોડું સંશોધન મારી યથામતિ આદર્યું જેમાં મારા ઘરને પાવન કરતાં પુરાણો : મહાભારત, ભગવદ્ પુરાણ, સ્કંદપુરાણ, કુર્મપુરાણ અને ગીતપ્રેસ ગોરખપુર પ્રકાશિત ‘ ગંગા વિશેષાંક ‘ મારી મદદે આવ્યા અને એમાંથી અહીં લેખ રૂપે તારણ મેળવ્યું, જે આપ સૌ સામે વિનમ્રભાવે મૂકું છું….

દેવવ્રત ભીષ્મ અને એ પહેલાં નદીમાં વહાવી દેવાયેલ સાત શિશુ કોણ છે?ગંગાજીનું નદી સ્વરૂપ તો શાંતનુ કે એમના પિતાશ્રી ભરતથી ય ઘણું આદિ. ગંગાજીના સ્ત્રી સ્વરૂપના રાજા શાંતનુ સાથેના દામ્પત્ય દ્વારા દેવવ્રત ભીષ્મ સહિત આઠ વસુઓનું અવતરણ થયું.

ચાલો, ત્યારે આજે ગંગાજી વિશે જાણીએ…

ગંગાની ઉત્પત્તિ બાબતે પુરાણોમાં અનેક કથાઓ આવે છે. બધી કથાઓનું પ્રતીકાત્મક મહત્વ છે. શ્રીમદ્ ભગવદ્ ગીતમાં શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયું છે કે – स्रोतसामस्मि जाह्नवी।। ( ગીતા ૧૦-૩૧ )
એટલે કે નદીઓમાં હું ગંગાજી છું.

જન્મ…

ગંગાના જન્મની કથા જુદીજુદી છે. એમાં એની તિથિ અંગે પણ મતમતાંતરો છે. પરંતુ જેઠ સુદ દશમ ‘ ગંગા દશેરા ‘ તરીકે ઓળખાય છે. અને તેના પૃથ્વી પર અવતરણ માટે પણ આ તિથિ મુખ્ય માનવામાં આવે છે.

શ્રીમદ્ ભગવદ્ પુરાણ અનુસાર…

ભગવદ્ ના ૮ માં સ્કંધના ૧૨માં અધ્યાયમાં ચોથો શ્લોક છે કે હે રાજન, તે બ્રહ્માજીના કમંડળનું જળ, ભગવાનના ચરણોમાં ધોવાથી પવિત્ર થઈને સ્વર્ગ ગંગા ( મંદાકિની ) થઈ ગયું. તે ગંગા ભગવાનની નિર્મળ કાંતિ સમાન આકાશ માંથી પૃથ્વી પર પડી આજ સુધી ત્રણેય લોકોને પવિત્ર કરે છે.

બ્રહ્મ પુરાણ અનુસાર…

વૈશાખ સુદ ત્રીજના મઘ્યાહનના સમયે હિમાલયના ઘરે પુત્રી રૂપે થયો હતો.

બૃહદ્ધર્મ પુરાણ અને વાયુ પુરાણ અનુસાર….

મહર્ષિ જહ્નુની જાંઘ માંથી ગંગા પ્રવાહિત થઈ હતી એટલા માટે જાહ્નવી નામે પણ ગંગાને ઓળખવામાં આવે છે. ( ૧૫/૨૨, ૪૨/૪ )

જ્યારે ભગીરથ રાજા એમને લાવતા હતા ત્યારે રસ્તામાં આ જહ્નુ ઋષિનો આશ્રમ આવ્યો. ગંગાના પ્રવાહને કારણે તેના આશ્રમને નુકશાન થયું અને ઋષિએ ક્રોધમાં આવી ગંગાનું પ્રષણ કર્યું. ભગીરથની વિનંતીથી ઋષિએ ગંગાને પોતાની જાંઘ માંથી પ્રવાહિત કરી. પોતાની દુહિતા બતાવી છે એટલે કે દીકરી.

વળી આ પુરાણમાં જ મધ્યખંડના ૧૨માં અધ્યાયથી ૨૮ માં અધ્યાય સુધીની પણ કથા છે.

જ્યારે દક્ષકુમારી સતિએ દેહ ત્યાગ કર્યો ત્યાર પછી ભગવાન શિવ તપ કરવા ચાલ્યા ગયા. ઋષિઓની અને દેવોની વિનંતીથી દેવીએ કહ્યું કે હું મેનકાના ગર્ભ દ્વારા હિમાલયના ઘરે બે સ્વરૂપે જન્મ લઈશ.
તેમાં પ્રથમ જન્મ ગંગા સ્વરૂપે થયો અને બીજો જન્મ પાર્વતીનો. આ સમયે ગંગાને દેવો સ્વર્ગમાં લઈ ગયા અને ત્યાં બ્રહ્માજીએ નિરાકાર સ્વરૂપ તેને પોતાના કમંડળમાં રાખી. એક વાર શિવજી વિષ્ણુજી સામે શ્રી રાગ ગાયો ત્યારે વિષ્ણુ ભવોદ્રેક થઈ ગયા અને તેનું પાણી બ્રહ્માજીએ કમંડળમાં લીધું. શ્રીહરિના પગનું પાણી અમૂર્ત ગંગામાં ભલે છે અને ત્યાંથી વહીને ગંગા આકાશ, સ્વર્ગ અને પૃથ્વી એમ ત્રણેય લોકમાં વહે છે.

વાલ્મીકિ રામયણ અનુસાર…

સગરના ત્રીસ હજાર પુત્રોના મોક્ષાર્થે ભગીરથ અતિ તપસ્યા કરી અને ગંગાનું અવતરણ કરાવે છે. જેમાં પણ શિવજી નિમિત્ત બને છે.

મહાભારત અનુસાર…

મહાભરતના ૬૦ માં અધ્યાયના ૮માં શ્લોકમાં વેદ વ્યાસ લખે છે કે ગંગાએ રાજા ભગીરથને પોતાના પિતા માન્યા હતા. આથી ભગીરથની પુત્રી હોવાથી ‘ ભાગીરથી ‘ કહેવાય. રાજાના હૃદય પર રાજ કરવાથી તે ‘ ઉર્વશી ‘ પણ કહેવાય.

ગંગામાં બધાના પાપ ધોવાય, પણ ગંગાના પાપ કઈ રીતે ધોવાય?

શ્રીમદ્ ભગવદ્ પુરાણ અનુસાર જ્યારે ગંગા ભગીરથના પ્રયત્નથી અવતરે છે ત્યારે તે ભગીરથને પ્રશ્ન કરે છે – ભગીરથ મારા પૃથ્વી પર ન આવવાના અનેક કારણો છે. તેમાં એક કારણ એવું છે કે આ લોકો મારામાં સ્નાન કરીને પાપ આમાં ધોશે. પણ એ પાપને હું ક્યાં ધોઈશ?

ત્યારે ભગીરથ જવાબ આપતા કહે છે કે જે સાધુ પુરુષે કામનાઓનો સંસારને સન્યાસ કરી દીધો છે. જે શાંત, બ્રહ્મનિષ્ઠ, પરોપકારી છે, તે પોતાના અંગ સ્પર્શથી તમારા પાપોનો નાશ કરશે. કારણ કે તેનામાં ભગવાનનો હંમેશા નિવાસ હોય છે.

એવરેસ્ટ વિજેતા એડમન્ડ હિલેરી…

એવરેસ્ટ વિજેતા અને ગંગા – એવરેસ્ટ – વિજેતા એડમન્ડ હિલેરી ‘ સાગર થી આકાશ ‘ નામના અભિયાનમાં ઋષિકેશ તરફ આગળ જ્યારે પોતાની ૭૦ હોર્સ પાવરથી પણ વધુ શક્તિશાળી બોટનલાઈને ચાલ્યો ત્યારે નંદ પ્રયાગથી આગળ એની બોટ ચાલી જ નહિ ત્યારે એમને આદિબદ્રીના સ્વામી ઓમકારાનંરજીએ પૂછ્યું કે ગંગા વિશે આપનું શું માનવું છે? ત્યારે એમણે હતાશ થઈને કહેલું, ગંગા માત્ર એક નદી નથી.

ગંગાનું સ્વરૂપ…

હિમાલય પર્વત માંથી ગંગાનું અવતરણ આધિભૌતિક સ્વરૂપ છે. ગંગાજીનું શિવજીની જટા માંથી અવતરવું આધિદૈવિક છે અને વિષ્ણુના પગ માંથી બ્રહ્માના કમંડળ માંથી વહેવું એ ગંગાનું આધ્યાત્મિક સ્વરૂપ છે.

માતા તરીકે ગંગા અને ગંગાનો શોક…

મહાભારતના આદિપર્વના સંભવ પર્વમાં આ વાત છે કે
દેવોની સભામાં એકવાર મહાભિષ નામના રાજા ઉપસ્થિત હતા. સભામાં ગંગાનું આગમન થતાં તે તેમનાથી આકર્ષાયા અને ગંગાએ મહાભિષને શ્રાપ આપ્યો કે તું ગંગાને મેળવીશ અને તે તારી પ્રતિકૂળ આચરણ કરશે.

આ મહાભિષ બીજા જન્મે શાંતનુ થાય છે ને ગંગા સાથે જોડાય છે. પણ જ્યારે ગંગા પૃથ્વી પર આવે છે ત્યારે તેને સાત વસુઓ મલિન વેશે પૃથ્વી તરફ જોવા મળ્યા ત્યારે તેની સાથે સંવાદ થતાં ખ્યાલ આવે છે કે વશિષ્ટ ઋષિની ગાયો ચોરવાથી એમને આ શ્રાપ મળ્યો છે. ગંગાજીને વસુઓએ વિનંતી કરી કે તમે અમારો ઉદ્ધાર કરો. સામે ગંગાજીને એમના ઉદ્ધાર માટે આઠમો અંશ માંગ્યો જે સાત પુત્ર રૂપે જન્મીને વસુઓને મોક્ષ પામે છે અને આઠમો અંશ દેવદત્ત એટલે કે દેવવ્રત એટલે કે ભીષ્મ તરીકે જન્મે છે.

ભીષ્મ પણ જ્યારે બાણશૈયા પર હોય છે ત્યારે ગંગા માતા તરીકે શોક કરે છે એવી વેળાએ વેદ વ્યાસ અને કૃષ્ણ બંન્નેએ આવી અને ગંગાનો શોક દૂર કર્યો.

દેવો મનુષ્ય અવતારે કેવા લાગણીભીના દૃશ્યો સર્જતા એ તો વેદવ્યાસની કલમ જ આલેખી શકે.

ખીમાણંદભાઈ રામ જેવા વિદ્વાનનો પરિપ્રશ્ન…

સોશિયલ મીડિયા પર ખીમાણંદભાઈ રામ જેવા વિદ્વાને પરિપ્રશ્ન કર્યો કે ગંગાજી વાસ્તવમાં શું છે ? નદી ? સ્ત્રી ? કે બંને ? ગંગાજીનું સ્ત્રી સ્વરૂપ કોની કુખે અવતર્યું ? એમના માતા પિતા કોણ ? તેના જવાબમાં મેં મારા સ્વાન્તઃ સુખાય થોડું સંશોધન મારી યથામતિ આદર્યું જેમાં મહાભારત, ભગવદ્ પુરાણ સ્કંદપુરાણ, કુર્મપુરાણ અને ગીતપ્રેસ ગોરખપુર પ્રકાશિત ‘ ગંગા વિશેષાંક ‘ મારી મદદે આવ્યા અને એમાંથી ઉપરોક્ત તારણ મેળવ્યું, જે આપ સૌ સામે વિનમ્રભાવે મૂકું છું. આમાં રહેલી ક્ષતિઓ મારી માનવી અને જે સમ્યક સત્ય મળે એ મારા ઘરને પાવન કરતાં પુરાણોનું માનવું. પરમ પાવન માતા ગંગા સૌને શાતા આપે…

ફોટો માટે ગીતાપ્રેસ ગોરખપુરના ઋણી…

સંકલન અને આલેખન – આનંદ ઠાકર

 

error: Content is protected !!
Exit mobile version