Book Review timirpanthi by dhruv bhatt gujarati story
Book Review : તિમિરપંથી – ધૃવ ભટ્ટ
તિમિરપંથીઃ ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા.
આ પૃથ્વી પર કોઈ તો એવો બતાવો કે જે છાતી પર હાથ મૂકીને કહી શકે કે હું ચોર નથી…
સતીની નિશાળ ખોલવાની તાલાવેલી વચ્ચે તેના મનોભાવને લેખક સ્પષ્ટ કરતા લખે છે કે કે નિશાળ એટલે વાંચવા, લખવા અને ગણવાનું શીખવે તે વળી? બીજું ઘણું બધું હોય એ તો સતીને ક્યાંથી ખબર હોય! પણ આખરે એ ‘બીજું ઘણું બધું’ અમારું પૂરું થયું. વેકેશનના વાડામાં આવીને ઊભા છીએ ત્યારે ફરીથી અડધી વંચાલેયલી તિમિરપંથી ફરીથી હાથમાં લીધી અને વાંચવાનો પ્રારંભ કર્યો.
વાર્તા તસ્કરી લોકોની છે ત્યારે પહેલી નજરે પસાર થતાં મને એમાં જાજો રસ ન પડ્યો. ઉપેક્ષાભાવ મારા મન પર હાવી થઈ ગયો. ક્યારેક તો એવું પણ થયું કે આવું લેખક બતાવીને શું ઉજાગર કરવા માંગે છે? પણ… પણ… પણ… એક નાની એવી સર્જકીય સતર્કતાને કારણે આ કથા સાહિત્યિક મોડ પર આવીને ઉભી રહે છે અને એ એટલે આખી કથામાં આવતા મનાવતાનું ચિત્રણ કરતી ઘટના અને માનવીય મનોભાવનો અને જીવનરીતિને બયાં કરતા વાક્યો.
પીળા રૂમાલની ગાંઠ અને તિમિરપંથી ત્યાં આવીને જ અલગ પડે છે. એના અંતમાં તેના જીવનરીતિની કથનરીતિમાં અને સર્જકીય ઉન્મેષમાં.
અંત સુધી મને માત્ર ચોરીના પ્રસંગોને અને થ્રીલ ઉપજાવનારી ઘટનાઓને જોડીને એક કથા કહી હોય એવું લાગ્યું પણ અંતના ચારેક પ્રકરણો જ ખરી ધ્રુવભટ્ટીય વિભાવના આપણી સામે મૂકીને ભરીથી ધ્રુવ ભટ્ટની ઊંચાઈને સલામ કરવા પ્રેરે છે.
કેટલાક પ્રસંગો જીવનભર આપણા ચેતોવિસ્તારમાં રમ્યા કરે એવા છે જેમ કે શેઠને ત્યાં સોનાની દુકાનમાં સતી ચોરી કરે છે ત્યારે વિઠ્ઠલને સમજાવતા કહે છે કે મોહનકાકો જે શેઠ છે એ પોલીસ કેસ નહીં કરે કારણ કે ચોરાયેલો માલ ક્યાંથી આવ્યો… એ બધું કહેવું પડે અને એણે પણ ગફલતો કરી જ હશે.
સતી જબરું વાક્ય બોલે છે – આ પૃથ્વી પર કોઈ તો એવો બતાવો કે જે છાતી પર હાથ મૂકીને કહી શકે કે હું ચોર નથી ! બધાય એ જ છે અને કોઈ ન હોય તો સતી પણ નથી હોવાની.
સાધુ…સાધુ… આ એક જ વાક્ય જીવનભરનું ભાથુ બની જાય આપણને કોઈ ખોટું કામ અટકાવવા આ એક જ વાક્ય કાફી છે.
આ ઉપરાંત નાનકી ડોશીનું એક વાક્ય પણ આપણને જીવન જીવવામાં સતર્ક કરી દે છે – આપણી કાબેલિયત વિશે લોકો માનતા હોય તે બધું આપણે પણ માનવા માંડીએ ત્યારે વિદ્યા આપણને છોડી જવાની.
કોઈ લેખન વાંચીને વાચનારા જીવન પ્રત્યે તસુભાર પણ સતર્ક ન થઈ શકે તો એ સાહિત્ય નથી. સર્જક જાગૃત કરે છે. ભલે બ્રહ્માનંદ સહોદરની આડપેદાસ હોય પણ ખરા અર્થમાં તો બ્રહ્માનંદ સહોદર આનંદ જે સાહિત્ય શબ્દો દ્વારા સર્જી શકે છે તે જાગૃતિના પ્રહરી આપોઆપ બની જાય છે અને ધ્રુવ ભટ્ટ એવા કલમના કસબી છે.
આખરી પ્રકરણોમાં દંગાની સૌથી વૃદ્ધ નાનકી ડોશી એક સરસ મજાની કથા કરે છે. અરે કથા તો શું વાત કરે છે. છાપાનો કટકો કાઢીને વંચાવે છે તેમાં સમાચાર હોય છે કે આંગણિયા પેઠીના વ્યક્તિ જે પૈસા લઈને જતો હોય તેની હત્યા કરીને ચોરી કરાઈ છે. ડોશી કહે છે અરેરે ખેપિયાની ચોરી આપણો કરે. ખેપિયા તો હજારો સંદેશાઓ લઈ જનારો અરે એને કોઈ રંજાડે તો આપણી વિદ્યામાં તો એમ કહેવાયું કે એની વહારે ધાવું. આવા કામમાં આપણો કોઈ હોય? અને દંગો શાંત થઈ જાય છે…
પછી માંડે છે એક નાની વાત…
એક ખૂબ વિદ્વાન બ્રાહ્મણનું ગામડાગામમાં ઘર છે. તેનો એક બાળક કાશીએ ભણીને પંડિત થાય છે. પણ એ બાળક યુવાન થાય લગ્ન કરે તેના છોકરાઓ પછી ભણવા નથી જતા. બાપા જે પાઠ કરે તે ભણી લે. તેના પણ છોકરાઓ એવું કરે છે. બાપા પાસેથી થોડાં શ્લોક જ સમજી શકે છે એમ કરતા કરતા વિદ્યા ઘસાતી ચાલે છે. હવે તો થોડાં શ્લોકોને આધારે જ તે બ્રાહ્મણોના ઘર કુટુંબનું ભરણપોષણ થાય છે. તેમાં કોઈ વિદ્યાધરની – ખૂબ વિદ્વાન ઘરની – કન્યા એ કુટુંબમાં પરણીને આવે છે. તે બધાને કહે છે કે હવે આમાં પડ્યા રહેવા કરતા નવું કોઈ કામ કરીએ. પણ કોઈ તૈયાર નથી થતું. આખરે તે તેના પતિને મનાવી અને નીકળી પડે છે. તેને નૃત્ય આવડતું હોય છે એટલે તે નૃત્ય શીખવે છે અને તેનો પતિ રસોડા કરે છે. આખરે ખૂબ કમાઈ છે અને ઘરે આવે ત્યારે ત્યાં બધાની સ્થિતિ દયનીય થઈ ગઈ હોય છે. તેના કુટુંબવાળા બધા કહે છે કે અમારા છોકરાઓને લઈ જાવ અને નવું શીખવો.
(આ વાર્તાની દશા હું મારા આસપાસના બ્રહ્મસમાજમાં તાદૃશ્ય થતું જોઈ શક્યો છું.)
વાર્તાનો બોધ ધ્યાનથી સાંભળતી સતી લઈ લે છે અને દોંગાઓના છોકરાઓ ભણે અને નવું કામ શીખવા લાગે તે માટેની નિશાળ શરુ કરવાનું વિચારવા લાગે છે.
એક અભણ પાત્ર પાસે કેવી કોઠાસૂઝ! કેવું લાઈફ મેનેજમેન્ટ… !!
બસ આમાંથી નાનું અમથું સત્ય પણ પકડાઈ જાઈ તો પરિવર્તનનો માર્ગ ખુલ્લો છે. સતી, વિઠ્ઠલ, તાપી વગેરેની જેમ. અને તિમિરપંથી એ વાતને સાર્થકતાના રસ્તે પહોંચાડે છે કે ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા.
Book Review timirpanthi by dhruv bhatt gujarati story
#DhruvBhattBooks
આ પણ વાંચો…..
exclusive interview : ધ્રુવ ભટ્ટ સાથે સંવાદ…
Book Review : માણો, ધ્રુવ ભટ્ટની કવિતા: ગાય તેનાં ગીત
Book Review ‘સમુદ્રાન્તિકે’ – ધૃવ ભટ્ટ એક ટૂંકો પરિચય
Book Review : અતરાપી – ધૃવ ભટ્ટ
Book Review : અગ્નિકન્યા – ધૃવ ભટ્ટ
Book Review : કર્ણલોક – ધૃવ ભટ્ટ
Book Review : તિમિરપંથી – ધૃવ ભટ્ટ
Book Review : તત્વમસિ – ધૃવ ભટ્ટ
Book Review : || ન ઇતિ..|| – ધૃવ ભટ્ટ