ધ જાપાનીઝ વાઈફઃ ધ ઈન્સપાયર ફિલ્મ…કેટલું ગુજરાતી?
ધ જાપાનીઝ વાઈફ તેના કેરેક્ટર, તેની કાસ્ટ તેની રિલિઝ બિઝનેસ તથા તેના વિશેનાં ક્રિટિસિઝમ વિશે તો તમે ગુગલમાં સર્ચ કરશો એટલે મળી રહેશે. પણ મારે વાત કરવી છે આ ફિલ્મના બેકગાઉંડ સ્ક્રિન ફ્રેમની, તેના શોર્ટ એન્ગલની, તેનાં સ્ક્રિન-પ્લેની. શું છે ગુજરાતીઓ માટે ગુજરાતીમાં લેખ લખતા સમયે એ વાત ધ્યાનમાં રાખવી પડે છે કે ગુજરાતીઓ માટે ‘મારે માટે શું’ તો આવવું જ જોઈએ…. શક્ય છે કે મારી કલ્પનાને તમે એક્સનમાં લાવવા વિચાર ઝબકાવી દે.
ધ જાપાનીઝ વાઈફમાં સ્નેહમોય (રાહુલ બોઝ)ને એક જાપાની છોકરી મિયામી(ચીગ્યુસા તાકાકુ) સાથે પત્ર અને ફોનથી મહોબ્બત થાય છે, સ્નેહમોય તેના માસીના ઘરે રહેતો હોય છે. ત્યાં એક વિધવા સંધ્યા (રાઈમા સેન) અને તેનો છોકરો (પાલેતુ)રહેતો હોય છે. સ્નેહમોય મિયામીને ચાહે છે. 15 વર્ષ સુધી તે એક બીજાના પતિ-પત્ની તરીકે અલગ-અલગ દેશમાં રહે છે. મિયામીને કેન્સર થાય છે. તેના કાગળ લઈ મેડિકલના ધક્કા સ્નેહમોય ભારતનાં ડોક્ટરો પાસે ખાય છે. જે દિવસે તે ડોક્ટર પાસે જાય છે ત્યારે વરસાદ આવે છે. તે મેલેરીયામાં મરી જાય છે, આ બાજુ મિયામી કીમા થેરેપીથી સારી થઈ જાય છે અને તેને ખબર પડે છે કે સ્નેહમોય મરી ગયો છે તેથી તે વિધવા થઈ અને ભારત આવે છે. વાત આટલી છે, જરૂર તમને સિર્ફતુમ…, કાઈટ જેવા ફીલ્મો યાદ આવી ગયા હશે. આજના યુગમાં એ અઘરું નથી પણ મારે ક્યાં તમને પ્લોટ સમજાવો છે. જઈએ તેના કેમેરાની આંખે આ ફિલ્મ…
કલકત્તાનું એક સુદરવનનામનો પ્રદેશ, પહેલાનાં જમાનું ખડકી વાળું ઘર, બિલાડા, કબુતર ઓસરી પર આટાં મારે છે, વિધવા મોસી અનાજ સાફ કરે છે. તેને છોકરીઓ મદદ કરાવા આવે છે બે ચોટલી અને ઘાઘરો-ખમિસ પહેરેલી ગામડામાં દેખાતી છોકરીઓ હોય છે, જેના કપાળે પણ ખબર પડે કે આજે તેણે તેલ નાખ્યું છે. ઠડઠડીયું સાયકલ ચલાવતો નાયક છે જે ધોતી ખમીસ પહેરીને ગામના છોકરાને ભણાવે છે. ગામડાના કાચા મકાનમાં હોય તેવો મેડીનો બીજો માળ છે. ફળિયામાં છોકરો ગિલિદાંડીયે રમે છે.
એક સિન વળી એવો છે કે રિમા સેન અને રાહુલ બોઝ બન્ને ખરિદી માટે બજારમાં જાય છે. ત્યાં શાકમારકેટ છે, એક કસ્બામાં હોય તેવી નીચે અને ઓટલા પર બેસેલા શાકભાજીવાળા રાડો પાડી રહ્યા છે. રાહુલ બોઝ ચણાચોર ગરમ ખાવા ઈચ્છે છે પણ રિમાસેનના કહેવાથી તે હોયલમાં જાય છે હોટલ એટલે હોડીના પાટિયા જોડીને બનાવેલી બેઠક અને ડેસ્ક તેના પર કેળના પાનમાં પિરસાતો ભાત અને કુલડીમાં અપાતી દાળ છે.
બીજો એક સીન આકર્ષે છે, તે છે વરસાદનું અને નદીનું રોદ્ર રૂપને જે રીતે દર્શાવ્યો છે તે હિન્દી ફિલ્મના ડિકરેક્ટરોએ પણ શિખવા જેવું છે. અપર્ણા સેને વરસાદના દ્રશ્યો ચિતરવામાં જે મહેનત લીધી છે તે ખરેખર એટલે કાબીલે દાદ માંગે છે કે તે ટિપીકલ વરસાદના દ્રશ્યો જેવા નથી લાગતા.
આ બધા સીનની મેં શા માટે તમારી સાથે શૅર કર્યા જાણો છો કારણ કે આ જો તમે જોશો તો ખ્યાલ આવશે કે સાલ્લું આવું તો ગુજરાતી ગામડું હોય. આપણી પાસે પણ આવા દ્રશ્યો છે પણ ક્યાંય આવા વરહા દ્રશ્યો ફિલ્મનું માધ્યમ બનીને વરવા દ્રશ્યો બનીને આપણી સામે નથી આવતાં. નાળીયા માંડવી, નવાબંદર, જેવા વિસ્તારો આજે પણ આવા દ્રશ્યો સહજ છે. ઘરનો જે સેટ છે તે જાણે ગુજરાતી જ લાગે નવાઈ લાગે કે ગીલીદાંડી તો આપણે ત્યાં રમાય તેમ બંગાળમાં પણ રમાય છે, ને આ બધાં દ્રશ્યો કંઈ ચોટાડી દેવામાં નથી આવ્યા તેનો કથા સાથે ક્યાંયને ક્યાંય સંબંધ છે. ગીલી દાંડી રમતા છોકરાની ગીલી ઉછળીને સ્નેહમોય દંડ પીલતો હોય ત્યાં જઈ પડેને છોકરો લેવા જાય ત્યારે ક્ષણીક ઈરોટિક ફિલીંગ ઉપસાવે છે. પડદા પર તળપદી કવિતા કેમ ચિતરી શકાય તેનું સજ્જડ ઉદાહરણ બંગાળી ફિલ્મોમાં જોવા મળે છે. તેમાં ય પણ જાપાનીઝ વાઈફમાં જે દ્રશ્યો છે તે ખરેખર આપણને એવું કહેવા પ્રેરે છે કે શા માટે પોતલા-પોતલીની પ્રેમકહાણીમાં પૈસા વેસ્ટ કરતાં ગુજરાતી પ્રોડ્યુસરોને આવી બુદ્ધિ નથી આવતી. આમેય ફિલ્મો નથી ચાલતી તો પછી પ્રયોગ કરવામાં પ્રોબ્લેમ્સ ક્યાં નડે છે ગુજ્જુઓને?
આ ફિલ્મનું સ્ક્રિન પ્લે અને ડિરેક્શન અપર્ણા સેને કર્યું છે. સ્ક્રિન પ્લે માટે એવું કહી શકાય કે તમે જાણે એક શુદ્ધ સાહિત્યિક વાર્તા વાંચી રહ્યા છો. એક ખરાબ નાવમાં બેસેલો સ્નેહેમોય મને મારો ગુજરાતી લાગે છે. સંધ્યાનું એક રાતે ડુસકા ભરવું અને વિધવા હોવા છતાં સ્નેહેમોયને વળગી પડવું અને મેલેરિયાની બેભાન અવસ્થામાં સંધ્યાને મિયામી જાણી તેના હાથને પકડીને મૃત્યુ પામવું અને અચાનક જુના જમાનાની ભારતની વિધવાઓ જેમ ટકો કરાવતી અને સફેદ સાડી પહેરતી તેમ જાપાની વહુનું આગમન થવું. સામાન્યવાતને રોચક બનાવી દે છે.
શા માટે છે ગુજરાતી માટે આ ઈન્સપાયર ફિલ્મ…
ગુજરાતીના અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી સાથેની ટૂંકી મુલાકાતમાં એક પ્રશ્નના જવાબમાં તેમણે કહેલું કે ‘ગુજરાતી ફિલ્મોનું સ્તર એટલે નીચે ગયું છે, જ્યારથી તેણે હિન્દીની કોપી કરવા માંડી છે.’ વાત જો એમ જ છે ત્યારે કોપિ તેની કરાય જે શ્રેષ્ઠ હોય. પણ આમ તો નકલમાં અકલ ન હોય આપણે કોપિ નહીં પણ પ્રેરણા તો લઈ શકીએને. જ્યારે હું આ ફિલ્મ જોતો હતો ત્યારે મારી નજર સામે ભગવતી કુમાર શર્માની ‘સમયદ્વિપ’ નવલકથાના કેટલાક દ્રશ્યો તરતા હતા. ધ જાપાનીઝ વાઈફ કુનાલ બાસુની ધ કાઈટ નવલકથાનું સુધરેલું સ્વરૂપ છે. સમયદ્વિપ પણ આવી જ કંઈક વાત કરે છે. સમય દ્વિપની સ્થિતિને આજના યુગમાં એન.આર.આઈ. ગુજ્જુઓ અને ગ્રીન કાર્ડ મેળવવા તરસતા યુવાનોને ધ્યાનમાં રાખીને અને આજના યુગની ટેક્નોલોજી સાથે જોડી તેનું અનુસર્જન જો સ્ક્રિન પ્લેના રૂપમાં કરવામાં આવે તો એક સક્ષમ સાચા અર્થમાં જેને ફિલ્મ કહી શકાય તેવું કંઈક કરી શકાય ખરું પણ ખેર એમ તો ધ્રુવભટ્ટની ‘અકુપાર’ને પણ ક્યાં લઈ શકાય તેમ નથી. જો આવી ફિલ્મ થાય તો શું લાભ? આવાસ પ્રશ્નનો એક જ જવાબ હોઈ શકે કે તમે જ્યારે ગુજરાતી ફિલ્મની ડિવિડિ ખરીદો ત્યારે તેના પર પણ સરસ મજાના અક્ષરે લખ્યું હોય કે ફલાણા-ઢીકણા વિનર અને દિગ્ગજ ક્રિટિકોના વાક્યો પણ લખ્યા હોય. જો કે આથી વિશેષ કોઈ ફાયદો નથી, જો હોય તો શૅર કરી શકો છો તમે પણ…..