Home SUVICHAR Good Governance : સરકાર કેમ ચલાવાય? ફક્ત 35 મુદ્દાઓમાં – સાંભળો, શ્રી...

Good Governance : સરકાર કેમ ચલાવાય? ફક્ત 35 મુદ્દાઓમાં – સાંભળો, શ્રી રામના મુખે

0
76

Good Governance : સરકાર કેમ ચલાવાય? ફક્ત 35 મુદ્દાઓમાં – સાંભળો, શ્રી રામના મુખે

Good governance 35 point of view from Ramayana

Good Governance 35 point of view from ramayana shri ram

ભગવાન શ્રીરામની રાજ્ય ચલાવવા જેવી આ વાતો આજે પણ છે એટલી જ પ્રસ્તુત, જાણો…

એક તરફ શ્રીરામ વનવાસમાં પંચવટી સુધી આવી અને ત્યાં પર્ણકુટિર બનાવી રહે છે. બીજી બાજુ ભરત તેમને લેવા માટે નીકળે છે. બન્ને પંચવટીમાં મળે છે. આ પ્રસંગ. ભરત મિલાપના લાગણી સભર દૃશ્યો આપણે સૌએ સિરિયલોમાં જોયા કે સપ્તાહોમાં સાંભળ્યા હશે. પરંતુ ખરેખર જે યુવાનોને રાષ્ટ્રને આ ગ્રંથોમાંથી લેવા જેવું છે તેની તો ચર્ચા જ થતી નથી કારણ કે આપણે શાહમૃગ વૃત્તિ ધરાવીએ છીએ.

પંચવટીમાં જ્યારે બન્ને ભાઈઓનું મિલન થાય છે ત્યારે બન્ને જ્યારે સભા ભરીને બેઠા છે એવા સમયે ભગવાન શ્રીરામ ખબરઅંતર તો પૂછે જ છે. પછી રાજ્ય સંબંધી જ્યારે પ્રશ્નો કરે છે ત્યારે પ્રશ્નો એવી રીતે કરે છે કે જાણે નાના – અનુજ – ભરતને એ પ્રશ્નના સહારે શીખવી દે છે કે રાજ્ય કેમ ચલાવાય?! વિચારો કે શ્રીરામ કેટલા વિવેકી અને વિચક્ષણ હશે કે સીધી સલાહ આખા વાલ્મીકીય રામાયણમાં કોઈ જગ્યાએ નથી. કથાકાર વાલ્મિકી ઋષિને પણ એ બાબતે સાધુવાદ આપવા ઘટે!

વાલ્મીકીય રામાયણના, અયોધ્યા કાંડના, સોમાં સર્ગમાં શ્રી રામ રાજનીતિ બાબતે જે વાતો કરે છે તે વાતો પર આજના રાજકારણી, સરકાર, તંત્ર અને પ્રજા સમેત સૌએ મનમાં રાખવા જેવો છે… તેનો કેટલોક સાર અહીં પ્રસ્તુત છે…

એમણે આ સંવાદ પ્રશ્નરૂપે કર્યો છે અહીં તેમાંથી તારવેલા કેટલાક સીધા મુદ્દાઓ જ છે…

  1. રાજાએ પુરોહિતો અને સ્પષ્ટ મત આપનારાઓનો સત્કાર કરવો જોઈએ.

2. વૈદ્યો, વૃદ્ધો, ગુરુ – શિક્ષકો – નું સન્માન કરવું જોઈએ.

3. જે અસ્ત્ર – શસ્ત્રના જ્ઞાતા છે એમનું સન્માન કરવું એટલે કે અહીં વિદ્વાન અને વિજ્ઞાનીઓનું સન્માન રાખવું જોઈએ.

4. શુરવીર, શાસ્ત્રજ્ઞ, જિતેન્દ્રિય, કુલીન તથા બહારની ચેષ્ટાઓથી જ મનની વાત સમજી લેનારા સુયોગ્ય વ્યક્તિને જ મંત્રી બનાવવા જોઈએ.

5. કોઈપણ યુદ્ધ પહેલા કુટનીતિ અને ગુપ્તતાનું ધ્યાન રાખવું જોઈએ.

6. રાજાએ કસમયે નિદ્રા ન કરવી, સમયસર જાગી જવું જોઈએ અને રાત્રિના પાછલા પહોરમાં અર્થસિદ્ધિના ઉપાયો પર ચિન્તન કરવું જોઈએ.

7. રાજાએ કોઈ રહસ્યમય વિચાર પર એકલા પણ વિચાર ન કરવો એમ છ કાન ભેગા થાય ત્યાં પણ પોતાનો વિચાર રાખવો નહીં.

8. જેમાં વ્યય બહુ ઓછો હોય અને ફળ મોટું હોય એવું કાર્ય તરત જ અમલમાં મૂકી દેવું જોઈએ.

Also Read::   Osho - શિવસૂત્ર

9. તમારું બધું જ કાર્ય પૂરું થઈ જાય અથવા પૂરું થવાની તૈયારી હોય ત્યારે જ બીજા રાજાને (અત્યારના સમયમાં બીજા દેશને) જાણ થવી જોઈએ.

10. રાજા કેવો ને શું નિર્ણય લેવાના છે એ લોકો પૂર્વથી જાણી ન લે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

11. હજારો મુર્ખાઓ કરતા એક વિદ્વાનને પાસે રાખામાં જ રાજાની બુદ્ધિમાની છે કારણ કે વિદ્વાન જ અર્થસંકટ સમયે મોટું કલ્યાણ કરી શકે એમ હોય છે.

12. જો એક મંત્રી મેધાવી હોય તો રાજ્યને બહુ મોટો લાભ કરાવી શકે છે.

13. જે લાંચ ન લેતા હોય, છળકપટ ન કરતા હોય એવા મંત્રીઓને જ ઉત્તમ કાર્યોમાં નિયુક્ત કરવા જોઈએ.

14. તમારા રાજ્યની પ્રજા દંડથી અત્યંત દુઃખી થઈ ને તમારા મંત્રીઓનો તિરસ્કાર ન કરવી જોઈએ.

15. જો પ્રજા પર કઠોરતા પૂર્વક અધિક કર લેવામાં આવે તો તે રાજાનો અનાદર કરે છે.

16. જે અન્ય રાજ્યનો નિષ્ણાંત ગુપ્તચર હોય તેમને તો મૃત્યુદંડ જ યોગ્ય છે. અન્યથા તે રાજાનો નાશ કરે છે.

17. સંતુષ્ટ રહેનારા, શૂર-વીર, ધૈર્યવાન, બુદ્ધિમાન, પવિત્ર, કુલીન તથા પોતનામાં અનુરાગ રાખનારા, યુદ્ધકળામાં કુશળ પુરુષને જ સેનાપતિ બનાવવા જોઈએ.

18. રાજાએ તેના સેનાપતિની શૂરવીરતાની પરીક્ષા કરીને જ નિયુક્ત કરવા જોઈએ.

19. સૈનિકોને આપવા માટે નક્કી કરેલું યોગ્ય વેતન તથા ભથ્થુ સમયસર આપી દેવું જોઈએ, તેમાં વિલંબ તો કરવો જ ન જોઈએ.

20. જો સમય કરતાં મોડું – સમય વિતાવીને વેતન – ભથ્થુ આપવામાં આવે છે, તો સૈનિકો પોતાના સ્વામી પર પણ બહુ ગુસ્સે થઈ જાય છે અને એના કારણે ઘણો મોટો અનર્થ થાય છે.

21. રાજાના મંત્રી અને સેનાપતિ, અધિકારીઓ એકચિત્ત થઈને કામ કરવા જોઈએ.

22. રાજદૂતના પદ પર નીમવામાં આવેલો વ્યક્તિ દેશનો વતની, વિદ્વાન, કુશળ, પ્રતિભાશાળી તથા જેવું કહેવામાં આવ્યું હોય એવું જ બીજાની સામે કહેનારો અને સારા-ખોટાનો વિવેક કરનારો હોવો જોઈએ.

23. મંત્રી, પુરોહિત, યુવરાજ, સેનપતિ, દ્વારપાલ, અંતઃપુરાધ્યક્ષ, જેલઅધિકારી, કોષાધ્યક્ષ, રાજાની આજ્ઞાથી સેવકોને બતાવનાર, વાદી-પ્રતિવાદી તરફથી પૂછપરછ કરનાર, વકીલ, ન્યાયાધીશ, વ્યવહાર નિર્ણેતા, સભ્ય, સેનાને વેતન પૂરું પાડનાર સેનાનાયક, કર્મચારીઓને રાજા પાસેથી ધન લઈને વેતન આપનાર, નગરાધ્યક્ષ, રાષ્ટ્રસીમારક્ષક, વનરક્ષક, દૃષ્ટોને સજા કરનાર અધિકારી તથા જલ, પર્વત, વન અને દુર્ગમ ભૂમિની રક્ષા કરનાર – આ અઠાર તીર્થો વાલ્મીકીય રામાયણમાં 36માં શ્લોકમાં કહ્યા છે આ બધા અધિકારીઓની શત્રુપક્ષ અને રાજાએ પોતાના પક્ષના  આટલા લોકો પર સીધી નજર રાખવી જોઈએ.

Also Read::   સત્યનારાયણ કથાનું સત્ય...

24. કાઢીમુકેલા શત્રુઓ રાજ્યમાં પાછા ફરે તો તેને દુર્બળ ન ગણવા.

25. મિથ્યાભિમાની અને નાસ્તિક લોકોનો સંગ ન કરવો કારણ કે તે વાસ્તવમાં અજ્ઞાની હોવા છતાં પોતાને પંડિત માને છે અને વ્યર્થ બકવાદ કરે છે.

26. સારા લોકો, સજ્જનો અને સૈનિકો દ્વારા નગરની (રાષ્ટ્રની) રક્ષા કરવી જોઈએ.

27. ખેતી માટે વરસાદ પર આધાર ન રાખવો પડે તે માટે તળાવ, પરબ અને નદી પરથી સિંચાઈની પદ્ધતિનો વિકાસ કરવો જોઈએ.

28. કૃષિ અને ગોરક્ષાથી આજિવિકા ચલાવનારા બધા રાજા તરફ પ્રેમ રાખવા જોઈએ કારણ કે કૃષિ અને વેપાર વગેરેમાં જોડાયેલા રહેવાથી જ લોકો સુખી અને વિકાસ કરે છે. એ લોકોની જરૂરિયાત પૂરી પાડવી અને તેનું પાલન કરવું.

29. સામાન્ય લોકોની મુલાકાત કરવી જોઈએ.

30. કર્મચારી વર્ગ તમારાથી દૂર પણ જવો ન જોઈએ અને તમારી ખૂબ સામિપ્ય પણ ભોગવવો ન જોઈએ તેના માટે મધ્યમમાર્ગ જ અર્થસિદ્ધિનું કારણ બને છે.

31. કિલ્લાને (આજની સ્થિતિમાં દેશને) ધન, ધાન્ય, જળ, યંત્ર, મનોરંજન, સૈનિકોથી ભરપૂર રાખવા જોઈએ.

32. ખજાનાનું ધન કુપાત્રના હાથમાં ન જાય તેની નજર પણ રાજાએ રાખવી જોઈએ.

33. ધનિક અને ગરીબ વચ્ચે કેસ આવ્યો હોય તો તટસ્થ ન્યાય થાય છે કે નહીં તે પણ રાજાએ જાણવું જોઈએ.

34. ધર્મ દ્વારા અર્થને અને અર્થ દ્વારા ધર્મને એટલે કે પૈસા અને ધર્મથી એકમેકને હાનિ તો થતી નથી તે પણ તપાસતા રહેવું.

35. નીતિશાસ્ત્રની ચાર કે ત્રણ મંત્રીઓ સાથે મંત્રણા કરવી અથવા તો દરેકને સ્વતંત્ર રીતે મળીને મંત્રણા કરવી.

આ રીતે ધર્માનુસાર દંડ ધારણ કરનાર વિદ્વાન રાજા પ્રજાનું પાલન કરીને સમગ્ર પૃથ્વિને યથાવત્ રૂપે પોતાના અધિકારમાં કરી લે છે તથા દેહત્યાગ કર્યા બાદ સ્વર્ગમાં જાય છે.

Good Governance 35 point of view from ramayana shri ram

Good Governance : સરકાર કેમ ચલાવાય? ફક્ત 35 મુદ્દાઓમાં – સાંભળો, શ્રી રામના મુખે

વાલ્મીકીય રામાયણના, અયોધ્યા કાંડના, સોમાં સર્ગમાં શ્રી રામ રાજનીતિ બાબતે જે વાતો કરે છે તે વાતો પર આજના રાજકારણી, સરકાર, તંત્ર અને પ્રજા સમેત સૌએ મનમાં રાખવા જેવો છે.