Home SAHAJ SAHITYA કોલરવાલીનો દેહાંત : ‘સુપરમોમ’ ના હેતપ્રિતની વાતો

કોલરવાલીનો દેહાંત : ‘સુપરમોમ’ ના હેતપ્રિતની વાતો

0

મધ્યપ્રદેશના સિવની વિસ્તારમાં પેંચના જંગલોની વાઘણની આ કથા આજે સૌની આંખ ભીંજવી ગઈ. એક પશુને પણ કેવાં હેતપ્રિત હોય છે એ આ ‘ સૂપરમોમ’ ના જીવન પરથી જાણી શકાય.

કોલરવાલીનો દેહાંત : પરીકથા બની ગયેલી આ વાઘણના મૃત્યુથી સમગ્ર વન્ય જીવન ક્ષુબ્ધ! – આ સમાચાર જાણી અને વડોદરાના પ્રસિધ્ધ પત્રકાર અને શિક્ષક એવા દિલીપભાઈ મહેતાએ ખૂબ સરસ કથા લખી કે જેના કારણે આપણે સંવેદનશીલ વાઘણ વિશે જાણી શકીએ. દિલીપભાઈની કલમે આગળ વાંચો….

વન્ય જીવનના પ્રેમીઓની ખૂબ વહાલી અને ટુરિસ્ટો પણ જેને ખૂબ વહાલા હતા એવી દંતકથા રૂપ વાઘણ બડીમાતા, ટી-15, કોલરવાલી જેવા નામોથી સુપરિચિત એક વાઘણે શનિવારે અંતિમ શ્વાસ લીધા. શનિવારે એ એના કાયમીસ્થળ ભૂરાદેવનાળા નજીક આવેલ એક વિશાળ જળાશય પાસે આવી, ત્યારે તે એટલી તો નિસહાય બની ગયેલી કે તે ચાલી પણ નહોતી શકતી. એ સમયે એ પોઈન્ટ પર લગભગ 42 વાહનો હતા, અને બધાએ એને નજીકથી નિહાળી. મધ્ય પ્રદેશના પેંચ ટાઈગર રિઝર્વમા એનું સૌએ છેલ્લું દર્શન કર્યું.

એ સમયે જાણીતા વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર અને પ્રિકૃતિવિદ્દ શ્રી ઓમ વીરે એની છેલ્લી તસ્વીર પણ લીધી. તરત જ એને સારવાર માટે લઈ જવામાં આવી , પરંતુ બીજા દિવસે , એટ્લે શનિવારે, સાંજના સવા છ વાગે એણે અંતિમ શ્વાસ લીધા.


ગઈ કાલે સ્થાનિક આદિવાસી નેતા અને ઇકો વિકાસ સમિતિના પ્રમુખ શાંતા બાઈ કે જેમણે આદિવાસી કલ્યાણ માટે મહત્વનુ પ્રદાન કર્યું છે, એમના હાથે બડીમાતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ ટી -15ને વિવિધ અંગોમાં બીમારી હતી, મલ્ટિપલ ઓર્ગન ફેઇલરનો આ કેસ હતો.

બડીમાતા-(કોલર વાલી) નો જન્મ સપ્ટેમ્બર 22, 2005માં થયેલો. ટી -1 અથવા ચાર્જર નામના વાઘ અને ટી -7 નામની બીજી એક સુવિખ્યાત બડીમાતાની આ પુત્રી હતી.


બડીમાતાની પ્રથમ પ્રસૂતિમાં જન્મેલ ચાર બચ્ચઓમાં એક ટી-15 ( કોલરવાલી ) પણ હતી. બીબીસી દ્વારા કોલરવાલી અને ચાર બચ્ચાંઓની બનેલી એક ડોક્યુમેન્ટરી દ્વારા આ પરિવાર વિશ્વ વિખ્યાત બની ગયેલો.

વાઘોના બાલ ઉછેર અને બ્રિડિંગ પર સાતેક વર્ષ સુધી અભ્યાસ કરનાર સ્ટેટ ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના સાયંટિસ્ટ ડોં. અનિરુદ્ધ મજૂમદારે જણાવ્યું કે “ તે સમગ્ર મધ્ય પ્રદેશનું ગૌરવ’ હતી.
કોલરવાલી , એ પહેલ વહેલી સંતાન હતી જે એના પિતાજી જોડે ફરવા લાગેલી. એનો પિતા પણ પેંચનો સૌથી શક્તિશાળી અને પ્રભુત્વ જમાવનારો વાઘ હતો. એના વારસાને અને સ્વભાવને જાણે કે જાળવી રાખવા જ જન્મી હોય, તેમ કોલરવાલીએ પણ એના શિકારી વિસ્તારમાં પૂરેપુરું પ્રભુત્વ જમાવ્યું , અને ઓક્ટોબર, 2010માં એકી સાથે પાંચ બચ્ચાઓને જન્મ આપીને એક વિશિષ્ટ રેકોર્ડ પણ સ્થાપી દીધો! અનિરુદ્ધ કહે છે કે “ એક જ સમયે કોઈ વાઘણ પાંચ બચ્ચાને જન્મ આપે એ ઘટના દુર્લભ છે


મજૂમદારે એ પણ જણાવ્યુ કે “ માર્ચ -2011માં જે ટિમ દ્વારા આ વાઘણને ગળે કોલર બાંધવામાં આવેલો એ ટીમનો હું પણ એક સભ્ય હતો. એ સમયે હું વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાનો રિસર્ચર હતો. મે -2008માં અમે એને ત્રણ બચ્ચા સાથે જોયેલી, જે એની પ્રથમ પ્રસૂતિ હતી, પરંતુ , એક પણ બચ્ચું ન બચ્યું. ન્યુમોનિયાને કારણે એના બધા બચ્ચાં મૃત્યુ પામેલા. પરંતુ , એ જ વર્ષે , 25 ઓકટોબરના દિવસે એણે ચાર બચ્ચાંને જન્મ આપ્યો, એટલું જ નહીં , ચારેયને ખૂબ સારી રીતે ઉછેર્યા.


બે વર્ષ બાદ , કોલરવાલીએ પાંચ પાંચ બચ્ચાંઓને જન્મ આપીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા! એક સાથે કોઈ વાઘણે પાંચ બચ્ચાઓને જન્મ આપ્યો હોય એવી ઘટના ભાગ્યેજ ક્યાય નોંધાઈ હશે. બડીમાતાએ બધાને ખૂબ કાળજી પૂર્વક ઉછેર્યા.
આટલા વર્ષોમાં કોલરવાલી એ કુલ 29 બચ્ચાંઓને જન્મ આપ્યો જેમાં 25 બચી શક્યા છે. વાઇલ્ડ લાઈફ લવર્સમાં ‘સુપરમોમ’ તરીકે ખૂબ જ જાણીતી આ માતાના દેહ વિલયથી પેંચની કંદરાઓ પણ શાંત થઈ ગઈ હોય એવું લાગે છે. પેંચની કંદરાઓમાં ખૂબ જાણીતી આ માતા હવે જોવા નહીં મળે એનો વિષાદ સૌ વન્ય સરંક્ષકો અને વન્ય જીવનના પ્રેમીઓને છે.


કોલરવાલીની લોકપ્રિયતાનું બીજું એક કારણ એ પણ હતું કે જ્યારે જ્યારે એ ટુરિસ્ટની ગાડીઓને જોતી , ત્યારે સામે ચાલીને બધાને દર્શન આપવા દોડી આવતી! લોકો એણે ‘ટુરિસ્ટ લવર’ના નામથી પણ સંબોધવા લાગ્યા! એણે માણસો ખૂબ ગમતા!
ગઇકાલે એનો દેહ પંચ મહાભૂતમાં ભળી ગયો , પરંતુ આવનારા અનેક વર્ષો સુધી કોલરવાલી એક દંતકથા બનીને લોક હ્રદયમાં ચિરંજીવ બની રહેશે.
એમના સંતાનો પણ આજે પન્ના નજીક અભયરણ્યમાં શાસન કરી રહ્યા છે. એમની એક પુત્રીએ પણ એક જ પ્રસૂતિમાં પાંચ સંતાનોને જન્મ આપ્યો છે. આમ એનો વંશ વેલો ફૂલી –ફાલી રહ્યો છે. એમના પુત્રો પણ આજે પેંચમાં પ્રભુત્વ જમાવીને બેઠા છે.

એક દંતકથા રૂપ માતાને નમન !

**********

પ્રકૃતિના માણતલ અને જાણતલ એવા દિકપાલસિંહજીએ જાણીતા પ્રકૃતિપ્રેમી એવા રેવતુભાને યાદ કરી અને સરસ વાત કરી –

પણ ખેર, ‘કૉલરવાલી વાઘણ’ના આ સમાચાર ને ફૉટોગ્રાફ્સ જોતાં હજી હમણાં તો ‘જંગલ મોટ્ટા ઝૂ(zoo)’ નહીં બને એની ખાતરી થાય છે.
“વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી,
પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે વનસ્પતિ” – ઉમાશંકર જોશી.

આટલું સન્માન, કંઈક હશે તો જ આ “કૉલરવાલી વાઘણ”ને મળ્યું હશે. આ સમાચાર દીધાં Raijada Revtubha એ. ભારતમાં લોક અને વનચરો સાથે રહેવા જ ટેવાયેલા છે. એ બે વચ્ચેનો સેતુ તૂટશે તો ‘સોને કી ચિડિયા’ ગણાતા દેશની પાંખો ન દેખાય એમ તૂટશે. હું માનું છું કે આ પ્રકારના સમાચાર મીડિયામાં ને બાળકો સુધી વધુ ફેલાવા જોઈએ.

( બસ આ જ કારણે બ્લોગમાં મૂક્યું કે અમારા વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને વાચકો સુધી પહોંચે. ) 

**********

પ્રાણીઓ પણ પોતાના પરિવાર અને સ્થળ સાથે જોડાયેલા હોય છે અને આસપાસના લોકો પણ એની સાથે સંવેદનાથી જોડાયેલા હોય છે. એ વાત આ ‘ સુપરમોમ ‘ ની કથા પરથી સમજાય.

error: Content is protected !!
Exit mobile version