Home SUVICHAR Shiv Mahapurana : શિવપુરાણ – મહર્ષિ વેદવ્યાસ (રુદ્ર સંહિતા)

Shiv Mahapurana : શિવપુરાણ – મહર્ષિ વેદવ્યાસ (રુદ્ર સંહિતા)

0

Shiv Mahapurana part 2 ved vyas dharm hindu mythology

શિવપુરાણ – મહર્ષિ વેદવ્યાસ (રુદ્ર સંહિતા)

– આખા શિવપુરાણમાં શિવજી અને દેવીનો પ્રકૃતિ-પુરુષ તરીકે ત્રણ વખત સંવાદ થાય છે. આ સંવાદો આપે છે એવા ત્રણ શાસ્ત્રો જે આગળ જતાં ત્રણ માર્ગો બને છે… જાણો આ રોચક કથાને…

પુસ્તક —- શિવપુરાણ – મહર્ષિ વેદવ્યાસ

સંહિતા – રુદ્ર સંહિતા

પ્રતિકોથી લખવા જવાના મોહમાં સાહિત્યકારો ક્યારેક ઈતિહાસને અન્યાય કરી બેસે છે. આવું જ થયું છે વ્યાસજીની કથાઓમાં. પુરાણો પ્રતિકાત્મક લખાયા છે, તેથી તેના કયા પ્રતિકોનો કેવો ઉઘાડ આપવો તેની ગૂંચવણોમાં અનેક ભાષ્યકારો બની ગયા અને ઘણાં બની બેઠા. આથી ધર્મશાસ્ત્રોની જે વલે થઈ છે તેવી વલે એક પણ રીતે નથી થઈ!

રુદ્રસંહિતામાં અધ્યાય સાતથી દશમાં સૃષ્ટિની ઉત્પત્તિનું અને તની સાથે શિવજી અને ત્રિદેવની ઉત્પત્તિનું સરસ વર્ણન છે. તેમાં જે શિવજીનું વર્ણન છે તે હિગ્ઝબોસોનને પ્રતિકાત્મક રીતે પ્રતિપાદિત કરે છે. પણ આપણી પાસે આ હતું અને આપણી પાસે તે હતું તેવું કહેવું તે તો નરી નિર્બળતા છે, આપણે અત્યારે શા માટે એવું કરી શકતા નથી? એ પ્રશ્ન છે અને આશ્ચર્ય પણ છે!

ખૈર, કંઈ નહીં અત્યારે આપણે આવું નથી કરી શકતા, તો માનસિક નિર્બળ થવાની જરૂર નથી. ભૂતકાળનો ધડો ભૂલ સુધારવા માટે હોય છે, માટે પણ આપણા ગ્રંથોનું પુનઃજાગરણ જરૂરી છે. કારણ કે તે જાગશે તો કલ્પના જ્ઞાનને જન્મ આપશે… યાદ કરો આ સદીનો સુપરમાઈન્ડ મેન આઈન્સ્ટાઈન કહી ગયો છે કે – Imagination is more important than knowledge. – જ્ઞાન કરતા કલ્પના સબળ છે. મારું માનવું છે કે કલ્પના જ કર્મની પ્રેરણા છે.

શિવ અને કૃષ્ણ પ્રત્યે કે એક દેવને ન માનનારા બીજામાં ન માનતા હોય તેવા લોકોએ અધ્યાય દશમો વાંચવો જેથી ખ્યાલ આવે કે શિવજી દ્વારા વ્યાસજીએ મોટું કામ કરી આપ્યું કે શિવજી પાસે બોલાવ્યું કે ત્રણેય દેવ અને દેવી અંબા એક છે. (!)

પંદરમા અધ્યાયમાં સૃષ્ટિની પ્રારંભિક અવસ્થા અને ત્રણેય દેવ તથા અંબાજીના પ્રાગટ્યની કથા છે અને શિવ-શક્તિ એક તત્વ છે તે પાત્રો દ્વારા સમજાવ્યું છે. અહીં ખરેખર તો વિશ્વમાં વ્યાપ્ત આખરી તત્વ જેને બધા જુદાં જુદાં નામ આપી બેઠા છીએ તેના એકત્વનો ઉદ્ગાર છે. યાદ કરો રોકસ્ટાર ફિલ્મનું ગીત અને નિઝામુદ્દીન ઓલીયા માટેની નાત – જબ કહીં પે કુછ નહીં થા, વહીં થા વહીં થા…. તે વાત અહીં શિવજીમાં બતાવી છે માટે તો તે અવિનાશી અને સનાતની કહેવાય છે અને તેથી જ તો આખરી તત્વ તરીકે તેની પૂજા થાય છે. આપણો વાંધો કદાચ આ જ હશે કે આપણી બુદ્ધિ જ્યાં કામ કરવાનું મૂકી દે ત્યાં ભારતીયો નમી પડે…, ખરેખર ત્યાંથી જ અધ્યાત્તમ, તત્વજ્ઞાન અને વિજ્ઞાનનો પ્રદેશ શરૂ થાય છે.

રુદ્રસંહિતાના બે ખંડ છે બીજા ખંડમાં શિવજી કૈલાસ પર્વત પર આવે છે. કથાકાર તો વ્યાસ જ હોં…, વ્યાસે ત્યાંથી યૂ ટર્ન માર્યો.., વ્યાસજીને ખબર કે આગળના અધ્યાયોમાં સૃષ્ટિની ઉત્ત્પત્તિ વગેરેની ગૂઢ – ગહન વાતો થઈ ગઈ એટલે તરત સામાન્ય માણસને મજા આવે તે માટે વચ્ચે કામદેવના ઉત્પત્તિની કથા મૂકી દીધી. માત્ર ઉત્પત્તિ નહીં…, પણ કામ કેમ પાંગર્યો અને તેના કેટલા પ્રકાર છે (ગમ્યુંને તમને પણ, ગમે જ ને!) તે પણ કહેવામાં આવ્યું છે.

આ જ સંહિતામાં દક્ષરાજની પુત્રી થઈને માતા ‘શિવા’ અવતાર ધારણ કરે છે. કેવું નહીં, અહીં સંસ્કૃતમાં ‘શિવા’ કહો તો ઉમા થઈ જાય અને અંગ્રેજીમાં ‘શિવા’(shiva) કહીએ તો શિવ જ રહે! (સમજાયું કંઈ?, વાંધો નહીં મોડી લાઈટ થાશે જો ભાષાને મમળાવશો તો… પછી નક્કી કરજો કે તમારા બાળકને અંગ્રેજી માધ્યમમાં મૂકવો કે ગુજરાતી?હાહાહાહા…)

આખા શિવપુરાણમાં શિવજી અને દેવીનો પ્રકૃતિ-પુરુષ તરીકે ત્રણ વખત સંવાદ કરે છે. એક તો દક્ષતનયા સતી, બીજી વાર હિમાલયમાં હિમરાજની પુત્રી તરીકે અને તેની સેવિકા તરીકે અને ત્રીજી વાર પત્ની પાર્વતી તરીકે. ત્રણેય વાર જ્યારે જ્યારે વાત થાય છે ત્યારે ત્યારે તેમાંથી એક નવું શાસ્ત્ર ઉભું થાય છે. સુખી દાંપત્ય જીવનના ખોખલા નહીં, સાચા ઉદાહરણ… ત્રણેયની ક્રમશઃ જેમ આવતું જશે તેમ વાત કરશું હાલ તો રુદ્રસંહિતામાં આવતી શિવ-સતીની વાત કરવી છે, સતી પ્રશ્ન કરે છે કે મારે પરમ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે…, તે તો શિવ હતા અને આ સતી કોઈને તે જ્ઞાનની જરૂર ન હતી, છતાં શા માટે આવું કરવા માટે સતી પૂછતાં હશે અને એ જ્ઞાન મેળવવા શિવજી ધ્યાનમાં બેસતા હશે? કારણ કે જ્ઞાન પ્રાપ્તવ્યની પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે. શિવજી જવાબમાં નવધાભક્તિ કહે છે.

આ ઘટનનો અર્થ હું એવો વિચારું છું કે ભક્તિ એટલે સમર્પણ. જ્ઞાન પ્રાપ્તિ માટે સમર્પણ તે ખૂબ મોટી જરૂરીયાત છે પરમજ્ઞાનના દાતા, જેમના દ્વારા સમગ્ર અવકાશમાં પ્રથમ શબ્દની શરૂઆત થઈ તે શિવજી આ દ્વારા આ વાત કહેવામાં આવી છે.

આ પછી તો આ ખંડમાં છેક સતીનું યોગાગ્નિમાં ભસ્મ થવું અને દક્ષનો વિનાશ અને આખરે દક્ષને માફી આપે છે ત્યાં સુધી વિસ્તરે છે. એ પછી રુદ્રસંહિતાનો ત્રીજો ખંડ આવે છે. તેમાં સતીના મૃત્યુ પછી ઘણાં વર્ષો ઉદાસીનતામાં પસાર કરી શિવજી હિમાલયના વિવિધભાગોમાં ફરે છે તેમાં બીજી બાજુ પાર્વતીજીનું પ્રાગટ્ય થાય છે. પાર્વતીજીની બાળલીલાઓનું વર્ણન છે. એ પછી પાર્વતીજી યુવાવસ્થામાં પ્રવેશે છે અને બીજી બાજુ હિમાલયના આ ક્ષેત્રમાં જ્યાં ઉમાજી છે ત્યાં શિવજીનું આગમન થાય છે. જુઓ તો ખરા કે જે કાળનો કાળ મહાકાળ છે તેને પણ કાળની યોજના પ્રમાણે ચાલવું પડે છે, લીલા કરતા સમયે. હિમાલય ધન્યતા અનુભવે છે અને પાર્વતીજીને શિવજીની સેવા કરવા માટે રોકે છે.

આ સમયે શિવજી પાર્વતીજીને આવવાની મનાઈ કરે છે, ત્યારે પાર્વતીજી અને શિવજી સાથે વિષદ્ રીતે બીજો સંવાદ થાય છે અને તે સંવાદનો પ્રશ્ન પાર્વતીજી કરે છે કે – પાર્વતીજીને પોતાની સેવા કરવા માટે આવવાની શિવજી ના કહે છે ત્યારે તેનો વિરોધ કરતા શિવજી સામે ચર્ચાએ મંડાતા પાર્વતીજી કહે છે કે – તમે પ્રકૃતિથી શા માટે ભાગો છો, હું પણ પ્રકૃતિનો જ એક ભાગ છું? તમે શા માટે મારો વિરોધ કરી મને અહીં આવતી અટકાવો છો?

આ દલીલમાં પ્રશ્નો અને પ્રતિપ્રશ્નો અને ઉત્તરો-ચર્ચાઓ, ચડસાચડસી થાય છે, એક મોર્ડન વુમન પણ પાર્વતીજીની મેધાશક્તિથી રચાતી આ ચર્ચા સામે ટૂંકી પડે તેવા પ્રશ્નોથી તે મહાકાળને માત કરે છે અને આ ચર્ચાના પરિણામ રૂપે ‘સાંખ્યશાસ્ત્ર’ પ્રાપ્ત થાય છે. (ભારતના દર્શન ગ્રંથોમાં તેની ગણના થાય છે.) (સ્માર્ટફોન લઈને કોફિશોપમાં કે ક્રોસવર્ડમાં ફરતા યુવા-યુવતીઓ ક્યારેક આ ચર્ચા વાંચજો, જો જો તમારી બુદ્ધિના આંટા મૂકાઈ જશે…)

આખરે, શિવજી તેને આવવાની પરવાનગી આપે છે અને પછી કુમારસંમ્બવમ્ માં જેવા વર્ણનો છે અને જે સ્થિતિ છે તે અહીં રચાય છે. (અર્થાત્ અહીં છે તે કાલિદાસે લીધું છે!). આખરે શિવ-શક્તિનું મિલન થાય છે. દેવતાઓ લગ્ન કરાવે છે. આ ખંડમાં પાર્વતીજી સાથેના શિવવિવાહ વ્યાસજીએ નિરાંતે કરાવ્યા. તેનું કારણ છે શિવ અને શક્તિનો ત્રીજો સંવાદ…

લગ્ન કરી શિવ-પાર્વતીજીના પ્રથમ મિલની રાત્રીએ બન્ને વચ્ચે જે સંવાદ થયો તે પુરાણોએ લીધો નથી. શિવપુરાણમાં પણ માત્ર ઉલ્લેખ છે, સંવાદની ચર્ચા નથી, કારણ કે તે સંવાદ એટલે જ પાછળથી પ્રકાશિત થયેલી શક્તિ અને સિસ્ટેમેટિક વિદ્યા તે ‘તંત્રવિદ્યા’. આ સંવાદમાં જ સમાયેલું છે વિશ્વનું સૌથી પહેલું ‘સંભોગથી સમાધી’ સુધીનું વિજ્ઞાન. (!) એ ગૂઢ અને પ્રલંબ ચર્ચા છે, (ગંગા સતી કહે છે ને કે – જેની ને તેની સામે વસ્તુનું વેરીએ પાનબાઈ…, એ તો ગૂઢ રે ગનાની જન જાણે રે…)તેને અહીં વિરામ આપી અને આપણે ફરી પાછા રુદ્રસંહિતાના ચોથા ખંડ તરફ પરત ફરીએ.

રુદ્રસંહિતાનો ચોથો ખંડ કુમાર ખંડ છે. કુમારનો જન્મ થાય છે. ગણેશજીનો જન્મ થાય છે. બન્નેના વિવાહ અને બન્નેના રાજ્યની વહેંચણી પણ થાય છે. રુદ્ર સંહિતાનો પાંચમો ખંડ યુદ્ધ ખંડ છે. તેમાં પાશુપતાસ્ત્રનું વિજ્ઞાન અને ત્રિપુરનો વિનાશનું વર્ણન આવે છે. પાશુપતાસ્ત્ર એટલે આજનો પરમાણું બોમ્બ અને ત્રિપુરનો વિનાશ એટલે સમગ્રસૃટિનો પ્રલય… આ વાત અહીં ઈંગિત છે. શિવજી અહીં એક યોદ્ધા તરીકે અને ખરા ‘રુદ્ર’ તરીકે પાત્રાલેખિત થયા છે.

હિરણ્યકશિપુ, હિરણ્યાક્ષ અને અંધક ત્રણ વિકરાળ રાક્ષકો સાથે વિવિધ રમતો કરીને યુદ્ધ કરે છે, તેમાં યુદ્ધ કલા નિખરી ઉઠે છે. પૃથ્વીના પાલક તરીકે તે પૃથ્વીને બચાવવા શું કરી શકે તેની શક્યતાઓ અહીં આરોપિત થઈ છે.
અંધકના પાત્રમાંથી ઘણું જાણવાનું છે. અંધક એક તો શિવના પરસેવા દ્વારા જન્મેલ પુત્ર છે, છતાં તે શિવજી પર જ હાવી થાય છે કારણ કે તે હિરણ્યાક્ષનો સંગ પામે છે. સંગ તેવો રંગ તે અંધક અને અંધક અજ્ઞાનનું પ્રતિક છે, તે માત્ર બુદ્ધિથી નહીં પણ દોરવણીથી ચાલતું પાત્ર છે. અહીં ફરી એકવાર વ્યાસ એક લેખક તરીકે સાબિત કરે છે કે ભગવાન હોય કે માણસ વિલન કે હિરો ખરેખર તો ‘સમય’ – કાળ હોય છે.

આ પછી શુક્રાચાર્યની ઉત્પત્તિની કથા આવે છે. શુક્રાચાર્યની ઉત્પત્તિની કથા ધરતી પર ‘પુરુષત્વ’ના ગુણોનો પાદુર્ભાવની કથા છે. આ સંહિતાના અંતમાં સહસ્ત્રાર્જુન અને વિદલ સાથેની લડાઈ બતાવવામાં આવે છે અને આખરે બધા રાક્ષસ જેવા વિલનને પાડી દઈને રુદ્રસંહિતાના અંતમાં હિરો તરીકે શિવજી ઉપસી આવે છે. પુરાણકાળે નાયકમાં જે વીરત્વના અને નિર્ણયશક્તિ અને યુદ્ધકૌશલ્યના ગુણો હોવા જોઈએ તે શિવજીમાં બખુબી વ્યાસજી ઉપસાવે છે, બાકી રહે છે તે કામ ક્ષેપકોએ કર્યું છે કે તેની યુદ્ધકલા કૌશલ્યને ‘ચમત્કાર’ પૂર્ણ બનાવી એક પુરાણને કલાકૃતિ થવામાં ક્ષતી ઉભી કરવાનો યત્ન કર્યો છે.

રુદ્રસંહિતા એટલે મહત્વની છે કે આ સંહિતામાં શિવ અને દેવીના સંવાદ દ્વારા ત્રણ ગ્રંથો મળે છે એક તો નવધાભક્તિ, બીજું સાંખ્યશાસ્ત્ર અને ત્રીજું તંત્રશાસ્ત્ર. આગળ જતાં આ ત્રણ માર્ગો બને છે ભક્તિમાર્ગ, જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ (તંત્ર ખરેખર તો કર્મવાદ પર છે, ક્યારેક નિરાંતે ચર્ચા કરીશું.)

 

error: Content is protected !!
Exit mobile version