Home SAHAJ SAHITYA અચ્છા તો તુમ ગંગામૈયા કો લેને આયે હો…!!!

અચ્છા તો તુમ ગંગામૈયા કો લેને આયે હો…!!!

0

Motivational story ganga Maiya bharat help to people

અચ્છા તો તુમ ગંગામૈયા કો લેને આયે હો…!!!

હું કદાચ 15 16 વર્ષનો હોઇશ…કે વધી વધીને 17 વર્ષનો હોઇશ. અમે દક્ષિણ ભારતમાં રહેતા હતા. મારો પરિવાર ખૂબ જ ધાર્મિક હતો અને આજે પણ છે. મારા પિતા, મારા ભાઈ અને મારા ઘરના તમામ સભ્યો પૂજાપાઠ અને ઈશ્વરમાં અપાર શ્રદ્ધા રાખનારા હતા અને છે. એકવાર મારા પિતાએ મને કહ્યું કે તું અહીથી અલાહાબાદ (હાલનું પ્રયાગરાજ) માટે નીકળી જા અને ત્યાંથી ત્રિવેણી સંગમ જઇ, ગંગા નદીના, પવિત્ર જળના 50 બેરલ ભરી અને લઈ આવ. જો કે હું ક્યારેય વિશાખાપટ્ટનમથી આગળ બહાર ક્યાંય પણ ગયો ન હતો. પણ મારા પિતાએ કહ્યું હતું એટલે હું નીકળી ગયો. મને યાદ છે કે એ સમયે મારા પિતાએ મને 600 થી 700 રૂપિયા આપ્યા હશે. મારા પિતાએ મને કહ્યું કે ટ્રેનમાં સેકન્ડ ક્લાસ ટિકિટ બુક કરી, તું ત્રિવેણી સંગમ માટે નીકળી જા.

હવે હું મારા પિતાએ કહ્યું એ પ્રમાણે ટ્રેનમાં સેકંડ ક્લાસ ટિકિટ બુક કરી ટ્રેન પકડી ત્રિવેણી સંગમ માટે નીકળી ગયો…

મારા ગામથી ત્રિવેણી સંગમ સુધી પહોંચવા માટે લગભગ 36 થી 40 કલાક લાગતા હતા મને યાદ છે ત્યાં સુધી…

હવે ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ ત્યારે કોઈને કોઈની સાથે તો આપણે વાત કરતા જ હોઈએ છીએ, કોઈક ની વાત સાંભળતા હોઈએ છીએ. જો કે હું ઉંમરમાં કંઈ ખાસ મોટો ન હતો એટલે ડબ્બામાં બધા વાતો કરતા હતા એ સાંભળતો હતો.

ડબ્બામાં મારી સામેની સીટ પર બેસેલા એક ભાઈ કંઇક વાતો કરતા હતા… અને એમની વાતો બીજા બે ત્રણ વ્યક્તિઓ સાંભળતા હતા. ટૂંકમાં કહીએ તો એ લોકો એકબીજા સાથે વાતો કરતા હતા અને એ હું સાંભળતો હતો.

એટલામાં મારી સામે બેઠેલા વ્યક્તિએ મારી સામે જોયું અને મને પૂછ્યું કે

બેટા તું કોણ છે?

તું શું કરે છે?

અને

ક્યાં જઈ રહ્યો છે?

એમના પ્રશ્નોના મેં ઉત્તર આપતા કહ્યું કે હું મારા ઘરેથી અલાહાબાદ(હાલ પ્રયાગરાજ) જવા નીકળ્યો છું.

મારે ત્યાં ત્રિવેણી સંગમથી પવિત્ર ગંગાજળના 50 બેરલ લેવાના છે.

પેલા સજ્જને મને પૂછ્યું કે કેમ…?

મે તેમને કહ્યું કે મારા પરિવારના તમામ સભ્યો ખૂબ ધાર્મિક છે… ઈશ્વરમાં ખૂબ માને છે. અને પૂજાપાઠ પણ કરે છે. તેથી મારા પિતાએ મને આ પવિત્ર ગંગાજળ લાવવા માટે કહ્યું છે.

આ સાંભળી પેલા સજ્જને કહ્યું કે અચ્છા તો તુમ ગંગામૈયા કો લેને આ રહે હો…???

મેં કહ્યું, હા…

પેલા સજ્જને મને પૂછ્યું, તો તું આ કાર્ય કેવી રીતે પૂર્ણ કરીશ?

મેં કહ્યું, મને ખબર નથી…

તું અલાહાબાદમાં કોઈને ઓળખે છે…?

મેં કહ્યું, ના…

તો તું કેવી રીતે ગંગા જળ મેળવીશ…?

મને એનો ખ્યાલ નથી પણ મને મારા પિતાએ કહ્યું એટલે હું પવિત્ર ગંગાજળ લેવા નીકળી ગયો છું.

આ સાંભળી પેલા ભાઈએ એક કાગળ અને પેન લઈને પોતાના પુત્રને એક પત્ર લખ્યો કે જે અલાહાબાદમાં રહે છે. અને મને કહ્યું કે આ સરનામા પર જજે અને મારા દીકરાને આ પત્ર આપજે, એ તને તારા કાર્યમાં મદદ કરશે…, ઠીક છે…!!!

મેં એ પત્ર લીધો અને અલાહાબાદ પહોંચ્યો. પેલા સજ્જને આપેલું સરનામું શોધી તેમના પુત્રને તેમણે આપેલ પત્ર આપ્યો.

પત્ર વાચી તેમણે મને કહ્યું કે મારા પિતાએ મને તમારા કાર્યમાં મદદરૂપ બનવા માટે કહ્યું છે… તો કહો કે હું તમારી કઈ રીતે મદદ કરી શકું…???

મેં ફરી એ જ વાત કરી કે મારો પરિવાર એક ધાર્મિક પરિવાર છે. મારા ભાઈ અને મારા પિતા ધાર્મિક ક્રિયાઓ અને પૂજાપાઠ કરતા હોય છે, તેથી મારા પિતાએ મને પવિત્ર ગંગાજળના 50 બેરલ ભરી લાવવા કહ્યું છે. તેથી હું આ ત્રિવેણી સંગમનું પવિત્ર ગંગાજળ લેવા માટે આવ્યો છું.

પેલા ભાઇએ કહ્યું કે 50 બેરલ…!!

મેં કહ્યું, હા…

પેલા ભાઇએ કોઈ પ્લાસ્ટિકના બેરલના વેપારીને ફોન કર્યો અને મને 50 બેરલની વ્યવસ્થા કરી આપી… બેરલ વાળા ભાઇએ પણ મને પ્રશ્ન કર્યો કે દીકરા, તારે આટલા બેરલનું શું કામ છે ?

મેં એમને પણ મારી પૂરી વિગત જણાવી…

મારી પૂરેપૂરી વાત વિગત જાણ્યા પછી બધા જ લોકોના હર્ષ સાથે શબ્દો એ જ હતા કે અચ્છા તો તુમ ગંગામૈયા કો લેને આયે હો…!!!

અને હું પણ હસીને હા… કહેતો…

કોણ જાણે પેહલી વાર સાંભળતાની સાથે જ મને આ વાક્ય ખૂબ જ કર્ણપ્રિય લાગતું હતું. બધાના આ વાક્યમાં મને આત્મીયતા ઝળકતી દેખાતી હતી. અને આવું બોલતાની સાથે જ હું એ વ્યક્તિઓ સાથે વધુ સારી રીતે જોડાઈ જતો હતો!

બીજા દિવસે સવારે વહેલા 5 વાગે અમે ગંગાઘાટ પહોંચ્યા… અને તેઓ મને પવિત્ર ગંગાજળ ભરવામાં મદદ કરવા લાગ્યા પણ મેં તરત જ એમને રોક્યા અને કહ્યું કે મારા પિતાએ મને ત્રિવેણી સંગમથી જ પવિત્ર ગંગજળ લાવવાનું કહ્યું છે, માટે નદીની વચ્ચે જઇ જ્યાં ત્રિવેણી સંગમ થતો હોય ત્યાંથી ગંગાજળ લઈ જવું છે…

આ સાંભળી તેઓએ એક હોડીની વ્યવસ્થા કરી… અમે બેરલ હોડીમાં લઈ, નદીની વચ્ચે પહોંચ્યા, ત્યાંથી પવિત્ર ગંગાજળ લીધું અને પાછા ઘાટ પર આવ્યા, ત્યાંથી રેલવે સ્ટેશન પહોંચ્યા…

રેલવે સ્ટેશનમાં પણ મને પૂછ્યું કે આમાં શું છે?

મેં કહ્યું કે ગંગમૈયા કો લેને કે લિયે આયા હું…

હવે જે કાર્ય માટે મારા પિતાએ મને મોકલ્યો હતો એ પૂર્ણ થવાના આરે હતું… એ સમયે મારી પાસે ફક્ત 20 30 રૂપિયા જ વધ્યા હતા… બીજા બધા રૂપિયા ખર્ચાઈ ગયા હતા.

મને કુલીએ કહ્યું કે તું આ પૈસાનું કંઈ ખાઈ લે… અને પછી આપણે આ બેરલને માલસામાનના ડબ્બામાં સંભાળીને મૂકી દઈએ…

અંતે અમે બધાજ બેરલને સંભાળીને મૂકી દીધા. હું પણ મારા ઘરે પવિત્ર ગંગાજળ લઈને પહોંચી ગયો…

આ સમગ્ર સફરમાં મે અનુભવ કર્યો… કે…

હું કોઈને ત્યાં ઓળખતો ના હતો…

એ જગ્યા પણ મારા માટે નવી હતી…

ત્યાંની ભાષા પણ મને સંપૂર્ણ પણે નહતી આવડતી…

મને એ ઉંમરે કયો વ્યક્તિ પ્રમાણિક છે એ તો શું પણ પ્રમાણિક વ્યક્તિ એટલે શું એ પણ ખબર ન હતી…

છતાં પણ… ટ્રેનમાં મળેલા એક સજ્જન માણસ દ્વારા મને અજાણ્યા વિસ્તારમાં એક વ્યક્તિ એવો મળ્યો કે જેને હું ક્યારેય મળ્યો ન હતો તેને મને તેના ઘરે જમાડિયો… રાત આશરો આપ્યો… સવારે એક વેપારી પાસેથી બેરલ અપાવ્યા… અજાણ્યા હોડીવાળાએ મને પવિત્ર ગંગાજળ ભરવામાં મદદ પણ કરી… રેલવે સ્ટેશન પર કૂલીએ આ બેરલ ને માલસામાનના ડબ્બામાં ગોઠવી પણ આપ્યા….

અને હું મારા ઘરે ચેન્નાઇ પહોંચી ગયો અને મારા પિતાએ સોંપેલા કાર્યને સફળતા પૂર્વક પૂર્ણ કરી શક્યો…

ત્યારે મારી ઉંમર નાની હોવાના કારણે મને કદાચ બધું નહિ સમજાણું હોય પણ આજે જ્યારે વર્ષો પછી ફરી પાછો પ્રયાગરાજ આવ્યો છું, ત્રિવેણી સંગમના દર્શન કરી, અહીં પૂજા આરતી કરી ત્યારે મને મારા બાળપણમાં બનેલ આ પ્રસંગ યાદ આવી ગયો… અને તે પ્રસંગના ઘણા સમય બાદ મને અનુભૂતિ થાય છે કે….

જ્યારે તમે કોઈ કાર્ય કે કોઈ કોઈપણ ક્ષેત્રમાં આગળ વધવા માટે પોતાના પ્રયત્નોને પૂરી પ્રતિબદ્ધતા સાથે કરો છો… ત્યારે આપણાં આ પ્રેમાળ ભારત દેશમાં… કોઈ ને કોઈ વ્યક્તિઓ દરેક સ્થળે તમારી મદદ કરવા માટે પેહલેથી જ ત્યાં ઈશ્વરે નિમેલા છે. તમારે ફક્ત નીડરતાથી કાર્યની શરૂઆત કરવાની જરૂર છે…

આ લેખ આજના તમામ વિદ્યાર્થીઓ કે જેઓ આવનાર સમયમાં પોતાના વતનથી દૂર અભ્યાસ કરવા જશે… કે એવા યુવાનો કે જે પોતાના સપનાઓ પુરા કરવા માટે સારી નોકરી, સારા વેપાર-ધંધા માટે…, પોતાની કારકિર્દીને વધુ ઊંચી બનાવવા માટે…, બહાર જવા નીકળે તો દેશમાં બહોળી સંખ્યામાં રહેલા સજ્જન વ્યક્તિઓ પરના વિશ્વાસ અને પોતાના આત્મવિશ્વાસ સાથે નીકળે…

*****

આ વ્યક્તિ એટલે બીજું કોઈ નહીં, બાહુબલી અને RRR જેવી કરોડોમાં બનતી અને કરોડો કમાતી ફિલ્મના, ભારતના પ્રસિદ્ધ ફિલ્મમેકર એસ. એસ. રાજામોલી હતા. હવે આ વાર્તા ફરી વાચો, અને આપના સંતાનોને કે મિત્રોને વચાવો કદાચ કોઈ નવી પ્રેરણા મળી જાય. આપણાં ગ્રંથો પણ કહે છે… બેઠેલાનું ભાગ્ય બેઠું રહે છે. ચલનારનું ભાગ્ય ચાલતું રહે છે, ફરતો રહેનાર મધુર ફળને પ્રાપ્ત કરે છે… चरैति मधुबिंद्वः।।

 

નોંધ – આ વાત સ્વયમ્ એસ. એસ. રાજામોલી દ્વારા એક ઇન્ટરવ્યૂ દરમ્યાન કહેવાયેલી છે.

error: Content is protected !!
Exit mobile version