Home SAHAJ SAHITYA દિવ્યાંગને લઈને દેવાંગનું દરિયાઇ સાહસ: હાર્ટએટેક પછી વિશ્વવિક્રમ

દિવ્યાંગને લઈને દેવાંગનું દરિયાઇ સાહસ: હાર્ટએટેક પછી વિશ્વવિક્રમ

0

ગુજરાતના ગૌરવ સમા સાગર સાહસિક: એક વાર હાર્ટએટેક પછી વિશ્વવિક્રમ

દેવાંગ ખારોડ: આ એક એવું નામ છે કે જેમની સાથે એક જ મુલાકાત અને જાણે ઘણાં સમયની ઓળખાણો. એમનો સ્નેહ મને મળે છે, મારા માટે ગર્વની વાત છે. ગુજરાતમાં કલા કે રમતગમત માટે કોઈ ગર્વ પેદા થયો નથી. ચંદ લોગ છે, એ પણ પોતાના ખર્ચે સાહસો કરે છે દુનિયાથી અલગ કંઇક કરવાના. એમાંના છે દેવાંગ ભાઈ, કાયક લઈ અને દરિયાને ઘમરોળવો એ તો જેની મા એ સવાશેર સૂંઠ ખાધી હોય એનું કામ છે. આવું કામ દેવાંગ ભાઈ તો કરે જ છે પણ હદ – અનહદ તો એ કહેવાય કે દેવાંગભાઈના માર્ગદર્શનમાં દિવ્યાંગ લોકોએ આ સાહસ કર્યું અને રચાયો વિશ્વવિક્રમ તો ચાલો આજે જાણીએ આ દેવાંગ ખારોડ કોણ છે અને વિશ્વ વિક્રમ કઈ રીતે બન્યો…. 👇👇👇

એપ્રિલ 2019 માં કાયક પરની એમની ગુજરાતના દરિયા કિનારા પરની યાત્રામાં વચ્ચે નવાબંદર પાસે થોડું વાતાવરણ બગડ્યું અને સી. એમ. મોઢવાડીયા સાહેબ સાથે એમને રોકાવાનું થયું ત્યારે એમની સાથે મળાયું. એમની આ ઐતિહાસિક સાહસ યાત્રામાં મેં ખિસકોલીકર્મ કર્યું એનો મને ગર્વ છે. ગુજરાતના સદભાગ્ય કે આવા સાહસ વીર જગન કરતિયાં પછી આ બીજા મળ્યાં છે ને દુર્ભાગ્ય એ કે એમને આ રીતે ઓળખનારા લોકો આ વેપારી પ્રજામાં કેટલાં!? તો ચાલો, ગુજરાત જેના પર ગર્વ લઈ શકે એવા વ્યક્તિ અને એના સાહસો વિશે જાણીએ…

દેવાંગ ખારોડ જેનો જન્મ 09/07/1966 જૂનાગઢ ના એક નાગર પરિવારમાં થાય છે. અભ્યાસમાં તેઓ ઈલેક્ટ્રીકલ ઇન્જીનીયર છે. હાલ એમના પરિવારમાં એમના માતા, પિતા, પત્ની, અને એક દીકરી છે.

શું છે કાયકિંગ સ્પોર્ટ્સ – 

કાયકિંગ: એ એક સ્પોર્ટ્સ છે. કળા છે. જેને આપણે આપણી ભાષામાં તરાપો કહીએ છીએ એ પ્રકારની એક નાની હોડી જેવી કાયક આવે એને ચલાવવા હલેસાં આવે અને બાકી હૈયું, મસ્તક ને હાથ… કળા કે રમત એના માટે સાધનો કરતાં વધુ મહત્વનું છે સાહસ અને જીગર.

નર્મદામાં કાયકિંગ – 

એક ઇજનેર , ભારત તો ઠીક આફ્રિકા અને સાઉદી એરેબિયામાં નોકરી કરનાર આવું સાહસ ખેડે અને તે પણ કેટલીય મર્યાદાઓ સાથે ! અને તે પણ નાગર એક ખારવાની જેમ! બસ, આ જ એમની ઉપલબ્ધિ માટે પૂરતું હતું. તેમણે તે સમયે અમેરિકાથી કાયક મંગાવી અને વડોદરા પાસે આવેલ તળાવથી શરૂઆત કરી અને નર્મદા સુધી પહોંચ્યા. નર્મદાનો કાર્યક્રમ કંઇક એવો હતો કે પાણીના પ્રવાહોની અનેક ચડઉતર હતી અને રોમાંચક સાહસ હતું. ૨૦૦૬ માં નર્મદા પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને ગરુડેશ્વર કુબેર ભંડારી થી શરૂ થયેલી યાત્રા દહેજ ગામે પાંચ દિવસે પૂરી થઈ. પણ આના દિલધડક વર્ણનો પુસ્તકમાં વાંચીએ તો રોમાંચિત થઈ ઊઠીએ.

ગંગામાં કાયકિંગ –

૨૦૧૬ માં ગંગા નદીમાં ગૌમુખથી હરિદ્વાર, ગંગાસાગર સુધી આ સાહસમાં ભાગીદાર બન્યા. જ્યાં વિશ્વભર માંથી લોકો આ સ્પોર્ટસનો આનંદ લેવા આવી રહ્યા હતા. ત્યાંના જંગલોના અનુભવો પણ એમણે એમના પુસ્તકમાં લખ્યાં છે. બધું અહીં ઉતારી શકાય એવું શક્ય નથી કારણ કે સાહસનું એક એક પાનું રોમાંચક છે. ૨૦/૧૦/૨૦૧૬ થી શરૂ કરેલી યાત્રા ૮/૧૧/૨૦૧૬ ના દિવસે પૂરી થાય છે.

દ્વારકાથી કચ્છ થઈ ઉમરગામ: મેગા કાયકિંગ – 

૧૪/૧૦/૨૦૧૮ ના રોજ દેવાંગ ભાઈ એક જબરું સાહસ શરૂ કરે છે. ગુજરાતના એક છેડેથી બીજા છેડે દરિયામાં જવાનું સાહસ. અનેક પ્રયત્નો માટે પ્રેક્ટિસ કઈ રીતે કરી? આ સ્પોર્ટ્સ ખૂબ ખર્ચાળ હોય છે તો એના માટે ફંડ કઈ રીતે આવ્યું આ બધું ખૂબ રસપ્રદ છે. પણ અત્યારે એટલું જાણીએ કે તેઓએ દ્વારકાથી સાહસ ચાલુ કર્યું અને ૧૬/૧૦ ના રોજ પવનને કારણે પોરબંદર માંડ પહોચાયું. દરિયાના બગડેલા વાતાવરણના કારણે ત્યાંથી અધૂરો રહેલો પ્રોજેક્ટ ફરી ૩૦/૧૦ ના ફરી આ મહા અભિયાન શરૂ થાય છે અને નવાબંદર પાસે જીવસટોસટનો ખેલ દેવાંગભાઈ સાથે મંડાય છે અને માંડ એમાંથી ઉગરી અને ફરી એક દરિયાઇ વાતાવરણને કારણે વિરામ ને આખરે ૨૯/૧/૨૦૧૯ ના રોજ ગુજરાત કાયકિંગના ઇતિહાસમાં સુવર્ણ ક્ષણો દર્જ થઈ અને દેવાંગ ભાઈએ ઉમરગામ સુધી પહોંચીને એક ઇતિહાસ રચ્યો.

હૃદયરોગનો ભોગ – 

આ દરિયાઇ સફર ખેડ્યાં બાદ થોડા મહિનામાં સમાચાર મળે છે: એમને હાર્ટ એટેક આવેલો. આ સાંભળી થોડીવાર તો અમારું હૃદય ધડકન ચૂકી ગયું. પણ ઈશ્વરે એમને સાજા કર્યા એટલું જ નહિ ફરી એ જ ખંતથી કામ કરવા લાગ્યા.

દિવ્યાંગ વ્યક્તિઓ સાથે લઈ અને સાગર સફર એક વિશ્વવિક્રમ – 

દેવાંગ ભાઈ હવે જે સાહસ ખેડે છે એના માટે તો આપણે સાંભળીએ તો પણ ઊભા થઈને એને સલામ કરવાનું મન થાય… તેમણે મિશનનું નામ રાખ્યું: પંગુ લંઘ્યતે સગરમ્ || ગુજરાતમાં કાયકિંગને લઈને જાગૃતતા લાવવા તેમણે એક એકેડમી સ્થાપી નામ રાખ્યું DEKAN kayak academy.

ગુજરાતના ૨૬ જેટલાં દિવ્યાંગને આ સ્પોર્ટ્સમાં રસ હતો એમાંથી શરીરના ઉપરના ભાગે ફીટ હોય એવા લોકો જ ચાલે એટલે જેમના શરીરનો લોવર પાર્ટ ડીસિસ હતો એવા આઠ દિવ્યાંગ આ પ્રોજેક્ટમાં જોડાયા. શરૂમાં તો એમને એવું લાગ્યું કે આ લોકો લાંબો સમય નહિ આપી શકે પણ પહેલે જ દિવસે કલાક જેટલો સમય કાયકિંગ કર્યું એટલે દેવાંગ ભાઈને વિશ્વાસ આવ્યો. બે મહિના સતત બધી રીતે તૈયાર કર્યા બાદ રોજના ચાર કલાક કાયકિંગ કરવી અને આખરે વિશ્વ વિક્રમ માટે સૌને તૈયાર કર્યા. દેવાંગ ભાઈએ આ મિશન માટે દસ નવી કાયક ખરીદી. એમની ટીમમાં આ પ્રોજેક્ટ પાર પાડવા બીજા લોકો પણ જોડાયા અને કુલ ૨૦ લોકોનો કાફલો લઈ અને દિવ્યાંગને પોરબંદરથી સોમનાથ ૧૧૭ કિમી કાયકિંગ શરૂ કર્યું. છ દિવસના આ સાહસમાં અનેક દિલધડક ક્ષણોનો સામનો થયો અને આખરે એમણે વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો કે જે દરિયાને ખેડવા માટે હાથ પગ સાબૂત હોવા જ જરૂરી નથી મજબૂત હોવા જરૂરી છે ત્યારે અનેક તૈયારીઓ બાદ દેવાંગ ભાઈ આ આઠ દિવ્યાંગ વ્યક્તિઓ પાસે આ કામ કરાવી શક્યા એમાં એમનો અનુભવ અને એમની દૃષ્ટિએ મોટો ફાળો ભજવ્યો છે.

જો કે આ ઘટના તો ઘટી ગઈ. દિવ્યાંગ દ્વારા દરિયો પાર થયો. વિશ્વમાં ખરેખર આ પહેલી વખત બન્યું પણ હજુ ઓફિસિલ માન્યતા પ્રાપ્ત થવામાં વાર છે.

ગુજરાતમાં જ્યારે કળા અને સ્પોર્ટ્સ સાથે ઓરમાન જેવું વર્તન થાય છે ત્યારે આપણે સૌ પ્રાર્થના કરીએ કે એમની આ સિદ્ધિ ગુજરાત અને વિશ્વને પ્રેરણારૂપ બની રહે.

કલા અને દુનિયાથી જુદું સાહસ કરનારા માટે પ્રોત્સાહન અને સપોર્ટ સિસ્ટમ ખૂબ જરૂરી છે. આમ છતાં પણ દેવાંગભાઈ જેમ દરિયામાં મોજા સાથે જાજુમે એમ એ પોતાના સાહસ માટે પણ જાજુમ્યા. આટલું સશક્ત શરીર એકવાર હૃદયથી થાકી ગયું. હાર્ટ એટેક આવ્યો. આ બધાં વચ્ચે પણ કુદરતના ખોળે હલેસાં લેનારો જણ ક્યારેય થાક્યો નથી ને થાકશે નહિ. ગુજરાત આવા રત્નોને વધાવે એ જ આશા.

એમનું આ પુસ્તક અનેકો માટે પ્રેરણારૂપ તો બનશે જ પણ એમના જીવનનો આ એક અંગત લાગણીભર્યો દસ્તાવેજ છે. દેવાંગ ખરોડના પુસ્તકનું નામ છે ‘ જળપ્રણય ગાથા’ ક્યાંયથી પણ મળે આ પુસ્તક આપ તો વાંચજો પણ આપના બાળકોને, વિદ્યાર્થીઓને ખાસ વાંચવજો.

દરિયામાં ખૂબ ખૂબ ખેલે એવી ‘ સવાઈ ખરવા ‘ એવા દેવાંગ ખરોડને શુભેચ્છા… દેવાંગભાઈ નો સંપર્ક નંબર છે – 9998005627

આલેખન – સંકલન – આનંદ ઠાકર ( આવી વિભૂતીની વાત લખવી એ મારું સૌભાગ્ય ને કર્તવ્ય લેખું છું. ) 

error: Content is protected !!
Exit mobile version