Home SAHAJ SAHITYA Gujarati Varta: ખારાં પાણીનું ખમીર

Gujarati Varta: ખારાં પાણીનું ખમીર

0

Gujarati Varta khara pani nu khamir by vishnu bhaliya gujarati short story

ખારાં પાણીનું ખમીર

લેખક – વિષ્ણુ ભાલિયા (જાફરાબાદ)

Gujarati Varta khara pani nu khamir by vishnu bhaliya gujarati short story
Photo © kaushal parekh diu

ભરતીનાં પાણી જાણે ખાડીને કિનારે ઊભેલાં સ્મશાનની સળગતી ચિતાને આંબવા જતાં હોય એમ ઉતાવળાં ઊભરાતાં હતાં. ખાડીનો સાંકડો પટો હમણાં એકદમ મોટો દેખાવા લાગ્યો. આ બાજુ ખાડીમાં અડધે સુધી ડૂબેલા એક વહાણને અસંખ્ય ખારવાઓ એકસાથે ઉપર ખેંચી રહેલા. ગોઠણભર પાણીમાં, કતારબંધ બીડાયેલી એમની મુઠ્ઠીઓ એક હાકલે રાક્ષસીબળ પેદા કરતી. વહાણને ધીરે ધીરે ઉપર ચઢતું જોઈ તેમનો જુસ્સો એકાએક વધી જતો. ખરેખર, એ કસાયેલા કાંડાનું કૌવત એટલે માનવું પડે !

જોર અજમાવતો એક ખારવો, રસ્સો ખેંચતા ઊંચા સાદે હાકલ દેતો હતો:
“એ…. હેલામ… હે. હેલે….. માલિ… ”
અને, વળતા જવાબમાં “હેલેસાં… હેલેસાં…”ના પડકારા સાથે ખેંચાતા રસ્સાથી, વહાણ બે ડગલાં ઉપર ચઢી જતું.

“કોનું વહાણ છે આ?” મારી સાથે કિનારે નીકળેલા રાજેશને મેં કુતૂહલપૂર્વક પૂછી લીધું.

“સાત-આઠ દિ’ પે’લા નો’તું ડૂબી ગયું ! લખમવાળાનું ? ઈ શે આ.” રાજેશે ખુલાસો કર્યો.
ચોમેર ઊઠતા હોકારા-પડકારા વચ્ચે મારાથી જરા નવાઈ સાથે બબડી જવાયું:
“સારું કહેવાય આટલા દિવસ પછી પણ વહાણને પાછું લઈ આવ્યા !”

“અલા, આપણા મા’ણા મૂકે નીં ભાઈ.. ખાલી ખબર હોય કે વા’ણ કાં ડૂબ્યુશ, તો ગમે એમ કરીને કાંઠે લી આવે.” મને રાજેશની બરછટ ભાષામાં ભરેલો ખુમારીનો રણકો તરત પરખાઈ આવ્યો.

તે એકાદ પળ અટકી ગયો. પછી તેણે ઊંડો શ્વાસ લેતા સહજ નિસાસો નાખ્યો:
“કાં પછી ઈ વા’ણની જ મરજી નો હોય તો ઈ કાંઠા હુધી પૂગે નીં.” તે વહાણ ખેંચતા એકસામટા ખારવાને ઉષ્માભેર તાકી રહ્યો.

“એટલે ?” મને તેનું છેલ્લું વાક્ય થોડું રહસ્યમય લાગ્યું એટલે મારી અધીરાઈ વધી.

તે ક્ષણિક વિચારમગ્ન થયો. ત્યાં આવેશમાં તેણે ઊભરાતી ખાડી તરફ આંગળી ચીંધી: “જો, હામે… ઓલી હોડી જાય. ઈમાં ઓલો રાવોઆતો દેખાઈશ ? ડોહાં જેવો…”

“હમમમ…” મેં હોડીમાં દેખાતા એક વૃદ્ધ તરફ જોતા માથું હલાવ્યું.

“ઈને કવારક મળી લીજે, બધી હમજાઈ જાહે.” રાજેશ થોડો ગંભીર લાગ્યો.

“કેમ ? એનું આમાં શું છે ?” હવે મારી ઉત્સુકતા એકદમ વધી પડી.

એ વૃદ્ધ ખારવો નાનકડી હોડીમાં થોડાક જાળ લઈ ખારાં પાણીને ખૂંદવા ઊપડેલો. સાથે બીજુ કોઈ નહિ, હોડીમાં માત્ર એકલો. તેની વૃદ્ધ નજર બંદરમાં પરત લાવેલા પેલા વહાણ પર મંડાઈ હતી, મેં એ ગમગીન નજર ખાસ નોંધી. એક હાથમાં હોડીનું સુકાન અને બીજા હાથે બીડી ફૂંકતો રાવોઆતો ત્યાંથી પસાર થઈ ગયો. રાજેશ મારા સવાલનો જવાબ આપ્યા વગર દોડીને વહાણ ખેંચતા ખારવા સાથે ભળી ગયો. ફરી તેમનો જોશીલો પડકાર મારા કાને અથડાયો:

“એ… હેલામ હે. હેલે માલિ…”

 

અને, કાંડાની તાકાત જાણે એમના મોંમાંથી નીકળતી હોય એમ સર્વે ખલાસીઓ એકસાથે ગરજી ઊઠ્યા: “હેલેસાં… હેલેસાં…”

 

હું, જાતે ખારવો. પણ મોટે ભાગે બહાર હોસ્ટેલમાં જ ભણતો. રજાઓમાં ક્યારેક ગામમાં આવવાનું થતું. વળી આમ જોઇએ તો ગામમાં મારા કોઈ મિત્રો પણ નહીં. હા, રાજેશ પડોશમાં રહેતો એટલે એની સાથે થોડું ફાવે.

 

રાજેશ પાછો મારા કરતા ઉંમરમાં સાતેક વર્ષ મોટો. દરિયે જતો ખલાસી તરીકે. એ મળે એટલે બસ દરિયાની જ વાતો માંડે. મને એ બધું બોરિંગ લાગે. એટલે તેની ઘણીખરી વાતો તો હું કાન તળેથી જ કાઢી નાખું. પણ કોને ખબર કેમ અત્યારે તેણે મૂકેલી વાત મારા અંતરમાં વારંવાર ઘૂમરાતી રહી: “ઈને કવારક મળી લીજે, બધી હમજાઈ જાહે !”

 

તેની વાતમાં જરૂર એવું ‘કંઈક’ હતું જે મારા મનનો કબજો લઈ બેઠુ. આમતો મને ખારવાની વાતોમાં ખાસ કશો રસ નહિ. આ પેલા રાવાઆતાને પણ મેં પહેલીવાર જ જોયો. એવા તો ઘણા વૃદ્ધ ખારવા હતા જે રોજ ખાડીને ખૂંદી વળતા. તો આ શું અલગ હતો ? મારી ઉત્કંઠા કહો કે આતુરતા, ગમે એમ પણ હવે આ રાવાઆતાની જિંદગીમાં ડોકિયું કરવાની મને તાલાવેલી ઊપડી. મેં મનોમન નિરધાર કરી લીધો: ‘તેમને એકવાર મળવું તો છે જ.’ મેં ખેંચાતા વહાણ પરથી નજર હટાવી લીધી. પેલી રાવાઆતાની હોડી લહેરો પર તણાતી તણાતી દૂર નીકળી ગયેલી.

 

 

સવારે ઊઠ્યો ત્યારે સૂર્યના સોનેરી કિરણો મોજાંની કિનારીને ચાંદી જેમે ચમકાવતા હતાં. હું એકલો ચાલી નીકળ્યો. જબરજસ્ત આવેગ સાથે કેટલાક વિચારો મારા હૈયામાં કુતૂહલ જન્માવતા રહ્યા. સૂકી રેતી ખૂંદતા ખૂંદતા મારા પગ એક ફાટેલા-તૂટેલા ઝૂપડાં આગળ આવી થંભ્યા. પહેલી નજરમાં તો આ વિસ્તાર સાવ વેરાન લાગે. એમાય સૂકી હવા જ્યારે ઘૂળની ડમરી ઉડાડે ત્યારે આંખ સામે રેગિસ્તાન ખડું થાય. હું દૂર ઊભો ઊભો થોડીવાર જોતો રહ્યો. સામે રાવોઆતો નીચા મોઢે ફાટેલી જાળ સીવવામાં તલ્લીન દેખાયો. રીતસર જાણે વિકરાળ દરિયાનો દાનવ ! હાડમહેનતથી કસાયેલું ખડતલ શરીર હવે કદાચ ઢળતી ઉંમરે કમજોર પડી ગયેલું જણાયું. તાડ જેવી ઊંચાઈ, મોટું કપાળ, લચી પડેલા પોપચાં અને સીસમ જેવો કાળો ડિબાંગ વાન. ખારા પાણીના સતત સહવાસથી વાળ ભૂખરા બની ગયેલા. જોકે આછી દાઢીથી ચહેરો એકદમ ભારેખમ લાગતો.

 

મને એકાએક આટલો નજીક આવી ગયેલો જોઈ તેઓ ક્ષણભર ઝંખવાણા પડી ગયા. મેં ચહેરા પર મંદ સ્મિત ફરકાવતા એમને નખશિખ નીરખ્યા: “હું તમારી સાથે થોડીક વાત કરી શકું ?”

તેઓ ક્ષણિક ગડમથલમાં અટવાતા હોય એમ થોથવાતા બોલ્યા:

“હાં, હાં. જરૂર દીકરા. આપા વટીયાવ.” તેમણે કાન પાસે ખોસેલી બીડી સંકોચપૂર્વક ખેંચતા સળગાવી. પણ પછી લહેરથી એક બે દમ ખેંચતા મારા તરફ ફર્યા:

“હાં, બોલ દીકરા. હું કામ હતું ?” વળી આંખો ઝીણી કરતા તેમણે અટકળ બાંધી: “ઓલા, રામજી ટંડેલનો દીકરો શે ને ?”

 

મેં માથું નમાવીને ‘હાં’ પાડી. દૂર દૂર ખડકાયેલા રેતીના ઢૂવાઓમાંથી ઉડતી ડમરીઓ હવા સાથે ભળીને વસાહત તરફ ધસી જવા લાગી. ચઢતો સૂરજ ક્ષણે ક્ષણે વધારે ગરમ થતો ગયો. મારે ઘણું પૂછવું હતું, જાણવું હતું. પણ, મન ડહોળાતું હતું. ખચકાટથી જીભ નહોતી ઊપડતી. હું મનોમન ગડમથલ વચ્ચે અટવાયો: ‘વાત ક્યાંથી શરૂ કરવી ? શું પૂછું ?’ મારા ધબકારા મને સ્પષ્ટ સંભળાયા. ત્યાં પાસે પડેલા જાળના ઢગલા પર સિફતથી બેસતાં, મેં ઊંડો શ્વાસ લીધો. અને… થડકતી છાતીએ ધીમેકથી શરૂ કર્યુ.

 

 

“કાલ સાંજે કિનારે લખમવાળાનું વહાણ ચઢાવતા’તા ત્યારે તમને ત્યાં જોયા. તમે હોડી લઈને ખાડીમાં જતા’તા. એ વહાણને પણ તમે જોતા’તા. મારા ફ્રેન્ડે કહ્યું કે તમારી સાથે પણ અગાઉ એવું જ કાંઈક બન્યું’તુ.”

 

 

એકાએક તેમના ચહેરાની તંગ કરચલીઓમાં લોહી ઊપસી આવ્યું. કોઈએ ઓચિંતા મર્મસ્થાને ઘા કરી લીધો હોય એમ તેઓ કરડાકીથી મારી સામે તાકી રહ્યા. તેમની ઊંડી ઊતરી ગયેલી આંખો સહેજ ફફડાટ કરી રહી. બીજી જ ક્ષણે તેઓ એકદમ ગંભીર બની ગયા. તેમની એ વૃદ્ધ આંખોમાં આખો દરિયો સળવળ્યો કે શું ? મારી ભીતર પણ એક તોફાની દરિયો ઊછળ્યો… બિલકુલ મૌન. ‘ધક.. ધક.. ધક..’ થતા મારા ગભરાયેલા હૈયાની તો વાત જ જવા દો. ત્યાં મારા મૂંઝાયેલા મનમાં ફાડ પડી: ‘મેં આતાને કાંઈક ઊંધું તો નથી પૂછી લીધુંને ?’

“તો, તારે મારા જીવતરની જૂની વાતું જાણવીશ એમને ?” કંઈક ભેદભર્યુ હસતા તેમના કસાયેલા કંઠમાંથી પડઘો ઊઠ્યો. તેમા હૂંફ, વાત્સલ્ય અને સંવેદના મિશ્રિત ભાવ મેં પકડી પાડ્યા. કીનારે ભીની રેતીમાં પડેલી તેમની નાનકડી હોડી સરકતી રેતી સાથે ધીરેધીરે ડોલતી જણાઈ. તેમની નજર સમક્ષ એક પછી એક ચિત્રો સજીવ થઈને ઊપસી આવ્યા હોય એમ તેઓ ભીતરના ભેંકાર ખાલીપા વચ્ચે સૂન બની ગયા. ફાટેલી જાળ પર ફરતો તેમનો હાથ અનાયાસે અટકી ગયો હતો. દૂર ખડકો પાછળ ઊઠતા સાગરના સુસવાટા પણ અત્યારે કદાચ શાંત પડી ગયા. હું આ દરિયાના માણસને તાકતો રહ્યો. પરંતુ કંઈ કેટલીય વિચિત્ર ધારણાઓથી થડકારા મારી રહેલું મારુ ભીતર એમની વાત સાંભરવા અધીરું બન્યું.

 

 

તેમણે ફરી એક બીડી સળગાવી. ધુમાડાના ગોટેગોટા દિલ દઝાડતા આકાશમાર્ગે જતા રહ્યા. તેમણે એક પ્રશ્નાર્થ નજર મારા પર નાખી. ઊંડો દમ લેતા અચાનક તેઓ ધીરગંભીર અવાજે બોલી પડ્યા.

 

“આ હામે ઓલો… લખમવાળાનો બંગલો દેખાઈશ ? જીનું ડૂબેલું વા’ણ અમણાં કોરમાં લાવ્યાશ !” તેમણે એકાદવાર મારા સામે જોયું અને વસાહત તરફ આંગળી ચીંધી. એ અવાજમાં જુસ્સાદાર સ્વમાનનો રણકો મેં અનુભવ્યો. તોયે ઊંડે ઊંડે એમાં દર્દની છાંટ તો મને પરખાઈ આવી. હું એકદમ સતેજ થઈ ગયો.

 

“હાં ! એનું શું હતું ?” મારી અધીરાઈ એકદમ જોર કરી ઊઠી.

“ઈ જગ્યામાં પે’લાં અમારો માંડવો પડતો.” તેમનાથી એક નિસાસો નખાઈ ગયો.

 

એકાદ પળ તો મારી નજર પણ ત્યાં ખોડાઈ રહી.

“બંદર આખામાં જવાર માલની તંગી હોય; તવાર નાં અમારી કાઠી, બૂમલાની ભરી હોય. બાયું થાકી જાય વગળાવી વગળાવીને. મારા બાપની બંદર આખામાં આબરૂ પન ઈવી જ ! ગામ આંખુ ઈની વાત માને. કો’કને નવું વા’ણ બનાવું હોય કે વા’ણમાં કીક વાંધાવાઈટ હોય તો મા’ણા ઈ ખોરડે તગડીને આવતા. મારો બાપ વાવડા-મોજાંનો પાકો પારખું. અરે ! ખાલી વાવડો નીકળે ઈના પરથી કહી દેતો કે દરિયો કીવા કીવા રંગ બદલીયે ? અતારે તો આ બધી સાધનુ આવી ગીંયા. નીંતર અમીએ જે ધંધો કરીયોશને એવું આ નવી પેઢી કરી પન નીં હીખે !” ગળું ઝલાઈ ગયું હોય એમ તેઓ બોલતા અટકી પડ્યા. હળવો ખોખારો તેમણે ખાઈ લીધો. કદાચ ગળે શોષ બાઝી ગયો હશે.

 

 

મને હવે એમની વાતમાં રસ પડવા માંડ્યો. જોકે તેમના ભવ્ય ભૂતકાળનો આજના વર્તમાન સાથે જરા સરખો પણ મેળ નહોતો બેસતો. તરત એક ઉચાટભર્યો સવાલ મારા મગજમાં ઝબકયો: ‘એક સમયનો આટલો સમૃદ્ધ અને સક્ષમ પરિવાર આજે કેમ કંગાળ બની ગયો હશે ?’

 

સામે ઊભેલું તેમનું ઝૂપડું પણ સાવ નિર્જન ભાસી રહેલું. અંદર કોઈ સ્ત્રી હોય એવા કોઈ સંકેત મને ન મળ્યા. કદાચ તેમની પત્ની મૃત્યુ પામી હશે એમ વિચારી મેં મન વાળ્યું. આમેય રાવાઆતાની ઉંમર હવે સિત્તેરક તો વટાવી ચૂકી હશે. તેમણે ફાટેલી જાળનો એક છેડો, લાંબા કરેલા પગના અંગુઠામાં ભરાવીને સીવવા માટે હાથ ચલાવ્યા. આસપાસ સુકવેલી માછલીની નમકીન ગંધ મારા નાકને અકળાવી રહી.

 

 

તેમની આંખો થોડી નમ બની હોવાથી તેઓ મોઢું ફેરવી ગયા. તોયે હું એ ક્ષણ પામી ગયો. ઘડીક તો મારાથી પણ કાંઈ ન બોલાયું. ત્યાં ફરી ફાટેલી જાળ પર તેમનાં આંગળાં એ જ ગતીથી ફરવાં માંડ્યાં. …અને જાળ સંધાતી ગઈ. એટલીવારમાં પવનના એકાદ ફૂંકારાથી મને અકળાવતી સ્તબ્ધતા ભેદાઈ. મેં તેમના મેલાદાટ કપડાં અને ઉઘાડી પિંડીને તાકતા ધીમેકથી પૂછ્યું:

“તમારે ત્યારે જે વહાણ હતું, એ હવે ક્યાં ગયું ? ડૂબી ગયું ?”

 

 

સહજતાથી પૂછાઈ ગયેલા મારા આ સવાલ પર મને જ જોકે પાછળથી પસ્તાવો થયો.

 

 

શરીરમાં અગન ઊઠી હોય એવી કારમી વેદનાથી તેમની કાયા કંપતી મેં જોઈ. એકાદ હળવા આંચકા સાથે તેમણે મને માપી લીધો. મારી કોરી આંખ સાથે મળી ગયેલી તેમની ભીંની આંખમાં મને દર્દ ઘૂંટાતું લાગ્યું. ત્યાં છેક મઝધારેથી ઢસડાતાં ઢસડાતાં કિનારે પહોંચેલા ભરતીનાં મોજાંઓ પેલી હોડીને થપાટો મારીને જતાં રહ્યાં.

 

 

“દરિયાની ને ખારવાની લડાઈ તો દીકરા હાઈલાસ કરે ! ઈમાં કો’ક દિ’ ખારવો જીતે ને કો’ક દિ’ આ દરિયો !” તેમણે ઉદ્દેશ્યો તો મને, પરંતુ નજર તો પેલા સૂતેલા સાગર સામે જ રાખી. તેમના શબ્દોમાં રહેલી ગંભીરતાએ મને ઘડીક હલબલાવ્યો. એકાદ ક્ષણ મારું કાળજું ફફડ્યું એ મારે કબૂલવું પડે ! કારણ કે એમના અગોચર ભૂતકાળની મને સહેજ કલ્પના આવવા માંડી હતી.

 

“એ માંડવાની જગ્યા તમીએ લખમવાળાને વેચી નાખી કે ?”

મારો સવાલ તેમણે સાંભળ્યો ખરો પણ ઉત્તર ન હોય એમ સૂન બેસી રહ્યા. મને સ્વાભાવિક વિચાર આવ્યો: ‘હું એમને વધારે દુ:ખી તો નથી કરી રહ્યોને ?’

 

જોકે હું વધારે કાંઈ પૂછું તે પહેલાં જ તેમના રૂંધાયેલા કંઠમાંથી શુષ્ક અવાજ સર્યો. મેં સાવધાન થઈ કાન સરવા કરી લીધા.

 

 

“તારા જેવડો દેખાતો તવારથી જ મેં દરિયાને પેટમાં ઊતારી દીધો’તો. મારા બાપ હાઈરે જાતો બા’ર. અમારા જ વા’ણમાં. ઈ વા’ણમાં લઈ જાતો તવાર મારી મારીને બધું હીખવાડતો. કો’ક દિ’ ભુરાણો હોઈ તો પાણીમાં પન ફેંકી દેતો… એક પાણી જાવા દેયની. કવારક મોડા પુગીયે તો ખરા પાણીએ પન દોરુ બંધાવે.” બોલતા જાણે બાળક બની ગયો હોય એમ નિર્દોષ હાસ્યની રેખાઓ એ ડોસાના ચહેરા પર ઊપસી આવી.

 

 

“દરિયાપીરે આપ્યું’તું પન ઘણું. મારા બાપના ગીયા પછી લોકું મારી પન ઈવી જ ઇજ્જત કરતા. દરિયામાં જાં મારી જરૂર પડે તાં હું એક હાકલમાં તગડી જાતો. પછી જી થાવાનું હોઈ ઈ થાય. વડાઈ નથી મારતો દિકરા ! પન હાચું કહું તો ઈ ટેમમાં મેં ઘણાંય ખલાયુ અને વા’ણને ડૂબતાં બચાવ્યા’તાં. તો પન…..!” પછી આગળના શબ્દો જાણે ગળામાં મૂરઝાઈ ગયા હોય એમ તેમના ગળે શોષ બાઝી ગયો. એકાદ ક્ષણ દરિયાને તાકતા તેઓ શાંત થયા. ઊંડો શ્વાસ લીધો. ત્યાં ફરી તેમણે વાતનો છેડો ઝાલી લીધો.

 

 

“ઈ વા’ણ પછી નાનું પડવાથી મેં લખમવાળાને વેંચી નાખ્યું. બીજુ નવું બનાવ્યું. ઈ જૂના વા’ણ કરતાં ઘણું મોટું. નામ પન ઈ જ રાખ્યું’તું: ‘ધન પ્રસાદ.’ મારા બાપદાદાનું વા’ણ હતું અટલે પે’લા તો છોડતા મન નો’તું થાતું. પન પછી ગમે એમ મનને ને મોઘીને મનાવી લીધાં. અતારે ત્રીહેક વરહ થયા ઓયે લગભગ. બસ ! પછી તો મારા વળતાં પાણી શરૂ થીયા. કોણ જાણે કેમ દરિયોપીર રૂઠતો જ ગીયો. અને પછી એક દિ’….” તેઓ બોલતા બોલતા અટકી ગયા. અવાજ ગળામાં રૂંધાતો હોય એમ ભારેખમ થઈ ગયો. મને લાગ્યુ: ‘હવે જ મુદ્દાની વાત આવશે.’ એ દિ’ની વાતમાં કદાચ ઘણી પીડા, વેદના ભરી હશે. ભૂતકાળનો એ દિવસ અત્યારે એમની આંખ સામે ભજવાતો હોય એમ તેઓ ગળગળા થઈ રહ્યા.

“તે દિ’ મારો દીકરો જીતન સુકાને બેઠો’તો. હું જરા કેબિનમાં આડો પડ્યો’તો. ખલાઈ પન બધી થાકીને જેમે તેમ પડ્યા’તા… પન ઓચિંતા એક જોરદાર ધડાકાથી મારી આંખ્યું ઊઘડી ગઈ. જોયું તો, મારો જીવ ઊંચો થઈ ગયો, પેટમાં મોટી ફાળ પડી ગઈ. એક જૂના જગડિયા હારે અમારું વા’ણ ભટકાઈ ગયું’તું. પડખાંમાં મોટું ગાબડું નીકળી ગ્યું. અમી ઘાંઘાવાંઘા થઈ ગીયા. ઘડીક ઘડીકમાં તો વા’ણ આખું પાણીનું ભરાઈ ગયું. જીના હાથમાં જી આવ્યું ઈ લઈ બધાં ખલાયુ દરિયામાં ઠેકી ગીયા. અંધારી રાઇત ઈટલે વધારે કંઈ દેખાઈ પન નીં. થોડાઘણા ખલાઈને ટીટા (થર્મોકોલ) પકડી, તણાતા જોયા. મેં વા’ણને ગાળિયા નાખીને પીપળા બાંધી દીધા’તા. મારી દેખતા જ ઈ વા’ણ દરિયામાં હોમાઈ ગયુ. જીતને મારી પડખે પડીને કીધું:’ બાપા! ત્રણ ખલાઈ ઓછા શે !’ મારા ટાટીયા ધરુજી ગીયા. મારે તો જાણે જીવતેજીવત મરવા જીવું થીયું. હાકલું મારી મારીને મારું ગળું ઝલાઈ ગયું, પન ઈ ત્રણેયનું કંઈ નામનિશાન મળ્યું જ નીં. અમીને તો હેટ હવારેજાતા એક વા’ણવાળાએ લીધા. પન ઓલા બિચારા ત્રણેય ખલાઈનાં મડદાંય મલ્યા નીં ! હું અભાગ્યો તવાર બચી ગયો ને મારા ત્રણ ત્રણ ખલાઈને દરિયો હમાવી ગયો. ઈના બાયડી છોકરાંને મારે હું મોઢુ દેખાડવું ?”

 

 

 

તેમણે એક ધગધગતો નિ:શ્વાસ છોડ્યો. એમનો શ્વાસ ભારે થઈ ગયો હતો. અશક્ત થઈ તેઓ બેઠા બેઠા જ જાળના ડૂચા પર ફસડાઈ પડ્યા. હું કંઈ બોલી ન શક્યો. મારું મન જ જાણે આંધળું થઈ ગયું હોય એમ બેબાકળો બની ગયો. મેં દરિયે નજર નાખી, ભરતી પૂરી આવી ગઈ હતી. કિનારે બાંધેલી તેમની હોડી સેરો છોડાવી જાણે ખુલ્લા દરિયામાં દોડી જવા મથામણ કરતી દેખાઈ.

 

 

ભીના થયેલા આંખોના ખૂણા લૂછતા મેં તેમને જોયા. મને કહેવાનું મન થયું: ‘આતા છાના રહી જાવ. મેં એ સમયની યાદ અપાવી તમને ખોટા દુ:ખી કર્યા’ પણ મારો અવાજ હોઠમાં જ દબાઈ રહ્યો. હવે કદાચ મને પણ દરિયાની ક્રુરતા પર દાઝ ચડી આવી. થોડીવાર ફરી ભેંકાર મૌન પથરાયું. સૂકવેલા બૂમલાની ભરેલી કાઠી નીચે બગલાઓ, ખોરાક શોધવા જમીન ખોતરતા રહ્યા. મને તેમના પર પણ થોડી દયા ઊપજી.

 

 

મેં મારું ધ્યાન એકાએક ત્યાંથી ખેંચી ધીમેકથી પૂછ્યું:

“એ વહાણનું પછી શું થયું ?”

“હું મારા ત્રણેય ખલાઈના આઘાતમાં ઘણાં દિ’ ભાંગી પડ્યો. હું બીજાના ખલાઈને બચાવવા જાતો, ને તે દિ’ હું મારા પોતાના ખલાઈને બચાવી ન હક્યો. બંદર આખામાં ઘણી વાતું થઈ. આપણાં મા’ણાએ વા’ણને કાંઠે લાવવા ઘણી મે’નત કરી. સેરા બાંધીને લાવતા’તા પન !” તેમણે ગળામાંથી બહાર નીકળવા મથતા ડૂમાને સિફતથી પાછો અંદર ધકેલી દીધો. ત્યાં ફરી ભારે અવાજ સંભળાયો:

 

“કાં દરિયાપીરની મરજી નીં, કાં ઈ વા’ણની જ મરજી નીં ! ચાલુમાં ઘણીવાર સેરા તૂટી ગીયા. પછી તો મેં પન ઘણી મે’નત કરી વા’ણને કાંઠે લાવવા હાટુ. દરિયાના તળિયે જઈને કટલીવાર સેરા બાંધ્યા, તોય કંઈ વળ્યું નીં. જટલા થાતા’તા ઈ બધા અખતરા કરી કાઢ્યા. પન કેમે કરી ઈ વા’ણ પાછું આવવા રાજી જ થીયું નીં. જાડા જાડા રાંઢવા ઈવે તોડાવી નાખ્યા. પછી તો મારો જીવ પન ખાટો થઈ ગીયો…! બસ, પછી તો ઈ વા’ણની મરજી જ નથી એમ માની, નાં જ છેલ્લા પરણામ કરી લીધા.” તેમણે અધ્ધર ચોટાડેલો શ્વાસ હેંઠો મૂક્યો.

 

 

“આઘાતમાં ને આઘાતમાં મોઘી પન એક વરહમાં જતી રહી. હું ધંધા વગરનો થઈ ગયો. જીતન બીજાના વા’ણમાં ચડી ગીયો. પડતીના દિ’ આવ્યા ને કુટુંબકબીલો આસ્તે આસ્તે છેટો પડતો ગીયો. માંડવાની જગ્યા પન હાથમાંથી ગઈ…! હા, જીતન વરહના વચલા દિ’યે આવીને ભાળ કાઢી જાઇશ. હવે રખડતા ભિખારી જીવો થઈ ગયોશ. બધી જણા થોડા વરહમાં ભૂલી ગીયા,. પન ગમે તેમ તોય આ દરિયાવે જ હજી ટકાવી રાખ્યોશ. મારા ખલાઈ ડૂબ્યા તવાર આ દરિયાને ઘણો જાકારો આપ્યો’તો. પન પછી થીયું: ‘કાઠે ચિતામાં ખડકાવા કરતા આ દરિયામાં જ પોઢી જવું સારુ.’ હવે તો વાર જોઈને બેઠોશ આ દરિયો મને ક્યારે હમાવી લે ઈની. અતારે આ નાનકડી હોડી શે ને આ દરિયો શે, જીમાં રખડીને હજી પેટ પૂરતું પાડી લેઉંશ ! બસ, હવે તો ઝાઝું કેવા જીવું કંઈ નથી.” છેવટે તેમણે છેલ્લો નિસાસો નાખી દીધો. પછી પરાણે ફિક્કુ હસી ગયા. તે હાસ્ય પાછળ રહેલી પીડા, લાચારી અને ગમગીનતાનો મેં સ્પષ્ટ અહેસાસ કર્યો.

 

 

હું આશ્વાસનના બે બોલ કહેવા જેટલો પણ મજબૂત નહોતો રહ્યો. એક પળ તો તેમને લાગણીવશ ભેટી પડવાનું મન થઈ આવ્યું. પારકા ખલાસી માટે તેમણે વેઠેલી લાચારી પથ્થરને પણ પીગળાવી દે એવી હતી. તે છતાં દરિયા પ્રત્યે આટલી લાગણી કોઈ કેવી રીતે રાખી શકે ? મારા અંતરમા ઝણઝણાટી વ્યાપી ગઈ. તેઓ ચુપચાપ ઊભા થયા. મારા તરફ સહેજ ધીમું હસતા ઝૂપડામાં ચાલ્યા ગયા. હું એ દરિયાના માણસની પીઠ તાકતો રહ્યો.

 

 

ભારે પગે વિદાય લેતા હું સીધો ખાડી કિનારે પહોંચ્યો. ભરતીની રાહ જોઈને બેસેલા ખારવાઓ વહાણને હજી વધારે ઉપર ખેંચવામાં લાગી ગયા હતા. હું પણ મારા નવા કપડાની ચિંતા કર્યા વગર ખારા પાણીમાં ઊતરી પડ્યો. બે હાથે રસ્સાને મજબૂતાઈથી પકડ્યો. રાવાઆતાના એ જૂના મૂળ વહાણ તરફ મેં દૃષ્ટિ સ્થિર કરી. એક અનેરી અદાથી એનો મોરો ઊંચો દેખાયો. મારી બાજુમાં જ રસ્સો ખેંચતા લખમવાળાને પણ મેં એકપળ નીરખી લીધો. રાવાઆતાનું આખું જીવન અત્યારે જ મારી આંખ સામે ભજવાયું હોય એમ લાગી આવતા મેં બે હાથની મુઠ્ઠીઓ મજબૂત કરી. કોઈ બોલ્યું: “લીજો ભાઈ હાકલ કરજો.”

 

 

અને, ગઈ કાલે બોલતો હતો એ જ ખારવાના ગળામાંથી જોશીલો અવાજ સર્યો.

“એ… હેલામ હે, હેલે… માલિ…”

વળતા “હેલેસાં… હેલેસાં…” ના પડકારા સાથે વહાણ બે ડગલા ઉપર ખેંચાઈ આવ્યું.

 

લેખક – વિષ્ણુ ભાલિયા (જાફરાબાદ)

આ વાર્તાના તમામ કોપી રાઈટ ( © copy rights ) લેખકને આધિન છે. એમની મંજૂરી વગર આ વાર્તાનો કે કોઈ ભાગનો ઉપયોગ કરવો કાયદાને આધિન છે.

 

આ વાર્તામાં ઉપયોગમાં લેવામાં આવેલા ફોટોના કોપી રાઈટ ( © copy rights ) કૌશલ પારેખ દિવ ને આધિન છે.

error: Content is protected !!
Exit mobile version