Home BALSABHA Gujarati balvarta : વારતા વાર: ફોર ફ્રેન્ડ

Gujarati balvarta : વારતા વાર: ફોર ફ્રેન્ડ

0

‘ફોર ફ્રેન્ડ’

Gujarati balvarta four and for friend

– આનંદ ઠાકર

મેલાપુર પાટણ નામનું ગામ હતું. તેમાં ચાર મિત્ર રહેતા હતા. ચારેય પોતાને મનગમતું કામ કરતા હતા. ઘરનું કંઈ કામ કરતા ન હતા. એકને ચિત્રનો ભારે શોખ હતો, બીજાને મ્યૂઝિકનો શોખ હતો, ત્રીજાને એનિમેશનનો શોખ હતો. ચોથાને માર્કેટિંગનો શોખ હતો, કોઈ પણ વસ્તુ સારી રીતે વેંચી શકતો હતો.

ચારે દોસ્તો પોતપોતાના શોખમાં ખૂબ પૈસા વાપરતા હોવાથી, ચારેયના મા-બાપ, ચારેયને ખૂબ ઠપકો આપ્યા કરતા હતા. તેના મા-બાપ અને સમાજ-ગામના લોકો તો તે ચારેયને રખડુ અને કંઈ ન કરી શકે તેવા કહેવા લાગ્યા હતા. પણ ચારેયને થયું કે એક દિવસ આ ગામને કંઈક બનીને બતાવવું છે.

એક દિવસ ચારેય કોઈને કહ્યા વગર બહાર નીકળી પડ્યા. વડોદરા આવ્યા. વડોદરામાં એક ચિત્રકાર પેંઈન્ટિંગ્સ કરતો હતો ત્યાં ચિત્રના શોખીને જઈને કામ માંગ્યું. ચિત્રકારને મદદ કરનારની જરૂર હતી, તેથી ચિત્રકાર મિત્રને કામ મળી ગયું. બીજા દોસ્તોએ કહ્યું કે તું અહીં રહે અમે બીજા શહેરમાં જઈએ જે મળશે તે રીતે કમાઈશું.

બીજા ત્રણ દોસ્તો આગળના શહેરોમાંથી પસાર થયાં. એમાં સૂરત આવ્યું. સૂરતમાં એક હીરાના વેપારીને માર્કેટિંગ માટે એક વ્યક્તિની જરૂર હતી. આ ન્યૂઝ વાંચીને માર્કેટિંગમાં રસ ધરાવતો વ્યક્તિ ત્યાં રહી ગયો. બાકીના બે દોસ્તોને તેણે ત્યાંથી વળાવ્યા.

મ્યૂઝિકનો શોખધરાવનાર અને એનિમેશનનો શોખ ધરાવનાર બે મિત્રો રેલ્વેસ્ટેશને ઉભા હતા. ત્યાં બન્નેએ જોયું કે એક પ્લેટફોર્મ પર મુંબઈની ટ્રેન પડી છે અને એક પ્લેટફોર્મ પર અમદાવાદની. એનિમેશન વાળાએ અમદાવાદની ટ્રેન પકડી અને મ્યૂઝિક વાળાએ મુંબઈની ટ્રેન પકડી.

એનિમેશન વાળો અમદાવાદ જઈ અને એક એનિમેશન કંપનિમાં ગયો. ત્યાં તેણે એનિમેશન કંપનીના મેનેજરને બધી વાત કરી અને કમાવા માટે મેનેજરે કહ્યું કે તું અહીં ઓફિસનું કામ કરજે, બે ટાઈમ જમવાનું મળી રહેશે અને એનિમેશન શીખવા મળશે. ત્રણ વર્ષ એનિમેશન શીખીને પછીના બે વર્ષ કંપનીનું વળતર તારે ચુકવવાનું રહેશે. એનિમેશન વાળા મિત્રએ તે મંજૂર રાખ્યું અને ત્યાં કામે લાગી ગયો.

બીજી બાજુ પેલો મ્યૂઝિકવાળો  દોસ્ત મુંબઈ પહોંચ્યો. તેને ગીટાર વગાડતા આડતી હતી. તે એક હોટલની મ્યૂઝિક બેન્ડ પાર્ટીમાં રહ્યો. ત્યાં કમાયો અને આગળનું મ્યૂઝિક પણ શીખતો ગયો.

ચારે જણ કમાવા લાગ્યા, શીખવા પણ લાગ્યા. ચારે એક બીજા ઈન્ટરનેટથી જોડાયેલા રહ્યા. ઘરે બધાને સંતોષ થયો કે આ ચારેય કમાતા તો થયા.

ચારેક વર્ષ પસાર થયાં હશે. ચિત્રકામ વાળો દોસ્ત હવે પોતાના પેંઈન્ટિંગ્સ્ એક્ઝિબિશન કરતો થઈ ગયો હતો. તેને પણ સારા એવા કોન્ટ્રાક્ટ્સ મળતા હતા. માર્કેટિંગવાળો પણ માર્કેટિંગ મેનેજર સુધી પહોંચી ગયો હતો. મ્યૂઝિક વાળો પણ આલ્બમ્સ વગેરેમાં સંગીતકાર તરીકે કામ મેળવતો થઈ ગયો હતો. એનિમેશન વાળો એનિમેશન ફિલ્મ બનાવવા લાગ્યો હતો.

હવે તો આ બધાના ઘરના પણ ઘરે બોલાવતા હતા. બધાએ નક્કી કર્યું કે બધા સાથે જ ઘરે જવું. ચારેય જણાએ ગોવા મળવાનું નક્કી કર્યું. બધા ગોવા મળ્યા. ખૂબ મજા કરી. ગોવામાં ચારેયને સમુદ્રકિનારે રાત પસાર કરવાનું વિચાર્યું તેથી હોટલમાં બુકીંગ ન કરાવ્યું અને બધા સમુદ્રકિનારે સૂવાનું વિચાર્યું. બધા પાસે ઘરે લઈ જવા કંઈને કંઈ વસ્તુ હતી, એટલે ચારેયે બે-બે કલાક જાગવાનું નક્કી કર્યું.

બાર વાગે બધા સુતા. સૌ પ્રથમ ચિત્રકાર મિત્રને જાગાનું થયું. ચિત્રકારે વિચાર્યું કે બે કલાક શું કરું? ચાલ લેપટોપમાં ગીત સાંભળતા સાંભળતા ચિત્ર દોરું. તેણે ચારેય મિત્રનું એક ચિત્ર લેપટોપમાં જ દોર્યું. બે કલાક પૂરી થઈ એટલે બે વાગે તેણે બીજા દોસ્તને જગાડ્યો.

બીજો દોસ્ત એનિમેનશવાળો હતો. તેણે લેપટોપ જોયું અને તેમાં ગીત સાંભળતા સાંભળતા ચિત્રકાર દોસ્તનું કામ જોયું. તે ખૂશ થયો. તેને થયું કે આવું સારું દ્રશ્ય ચારેય મિત્રોનું છે તો ચાલને અમારા ચારેયની સ્ટોરી પણ એક એનિમેશન ફિલ્મ બને તેવી છે. આમ વિચારીને એનિમેશન વાળા દોસ્તે તો ચારે દોસ્તની એનિમેશન શોર્ટફિલ્મની સ્ક્રિપ્ટ લખી નાખી. બે કલાક એની પૂરી થઈ એટલે તેણે સંગીતકાર દોસ્તને જગાડીને પોતે સૂઈ ગયો.

લેપટોપ ચાલું જોઈ અને સંગીતકાર દોસ્તને વિચાર આવ્યો કે લાવ હું બે કલાક ક્યાં પસાર કરીશ આમાં જ ગીત સાંભળું. પણ જોયું તો ચાર દોસ્તોના ચિત્ર સાથે એક વર્ડ ફાઈલ હતી. તેણે સ્ક્રિપ્ટ વાંચી તો તેને ખૂબ મજા આવી. તેણે તે સ્ક્રિપ્ટમાં બેક્ગ્રાઉન્ડ ફિલ્મો માટે ઓનલાઈન મ્યૂઝિક ક્લિપ્સ ડાઉનલોડ કરીને ઓનલાઈન મ્યૂઝિક તૈયાર કરી સ્ક્રિપ્ટ અને ચિત્ર જે ફોલ્ડરમાં હતા તેમાં મૂકી દીધું.

સંગીતકાર મિત્રના પણ બે કલા પૂરાં થતાં, છ વાગે માર્કેટિંગ વાળાને જગાડી તે સુઈ ગયો, સૂતા સૂતા સંગીતકાર, માર્કેટિંગ મેનેજર દોસ્તને પેલું ફોલ્ડર બતાવતો ગયો. માર્કેટિંગ મેનેજરને પણ થયું કે ક્યાં સમય પાસ થશે લાવ તો ખરો શું છે આ ફોલ્ડમાં જોઈએ.

માર્કેટિંગ મેનેજરે તો ફોલ્ડર જોયું તો ચારેયનો પેઈન્ટેડ ફોટો જોઈ ખૂશ થઈ ગયો, પછી તેણે વર્ડફાઈલ ખોલી સ્ક્રિપ્ટ વાંચી તો તે વિચારતો જ રહી ગયો. તેણે મ્યૂઝિક પણ સાંભળ્યું તો વારંવાર તેને સાંભળવાનું મન થયું. થોડીવાર પછી તેને  સ્ક્રિપ્ટ પર પાછી એક નજર નાખી.

થોડીવાર વિચાર કરીને તેણે ચારેય દોસ્તોને જગાડ્યા. સવારના સાડાસાતની આસપાસનો સમય હશે. બધાને જગાડીને બધાએ જે ક્રિએશન કર્યું હતું તે બધાને કહ્યું. પછી તેણે ત્રણેય દોસ્તોને કહ્યું, ‘‘તમારા બધાપાસે કલા હતી, તેનો તમે શ્રેષ્ઠ ઉપયોગ કર્યો. હવે આ સ્ક્રિપ્ટ મેં વાંચી હું ફિલ્મ પ્રોડ્યુસ કરીશ. ’’

એનિમેશ વાળા દોસ્તને કહ્યું, ‘‘દોસ્ત, તારી સ્ક્રિપ્ટ છે તું જ આને ડિરેક્ટ કરજે અને મ્યૂઝીક પણ આ જ રહેશે અને ચિત્ર એ આપણા ફિલ્મનું ટાઈટલ બેનર રહેશે.નામ મેં નક્કી કર્યું છે. નામ છે – ‘ફોર ફ્રેન્ડ’’

‘‘આ ટાઈટલમાં એક મજા છે એ જોઈ?’’ એક દોસ્ત બોલ્યો

બીજાએ કહ્યું, ‘‘ કઈ?’’

ત્યારે દોસ્તે જવાબ આપ્યો, ‘‘ફોર(Four) એટલે ચાર અને ફોર(for) એટલે માટે. આથી ચાર દોસ્તો અને દોસ્તો માટે બન્ને મિનિંગ અહીં થાય છે.’’

બધા હસી પડ્યા. બપોરે વાહન લઈ તેઓ પોતાને ગામે ગયા.  એનિમેશન વાળા દોસ્તે ગામના પોતાના જીવનથી લઈને આજ સુધીની લાઈફ ફિલ્માવા માંડી. માર્કેટિંગ મેનેજરે પૈસા પૂરાં પાડ્યા. આખરે ફિલ્મ બની. ચિત્રકારે દોરેલું ચિત્ર ટાઈટલ પેઈજ બન્યું. સંગીતકારે ઘટતું મ્યૂઝિક પૂરું પાડ્યું. ફિલ્મ જ્યારે બન્યું અને ચારેયની સંઘર્ષયાત્રા જોઈ લોકોએ અપેક્ષાથી પણ વધારે વધાવ્યું ત્યારે છાપાઓ પર તે છવાઈ ગયા.

અઢળક રૂપીયા કમાયા અને તેમાંથી દસ ટકા ભાગ કાઢીને ચારેયે પોતાના ગામના છોકરાઓ જે કલામાં રસ ધરાવે છે તેને માટે જ્યારે એક સંસ્થા ઉભી કરી ત્યારે તેમને સંતોષ થયો. આખરે ચારેયે ગામનું મેણું ભાંગ્યું. ખાધું,પીધું અને પાર્ટી કરી.

**********

લેખક – આનંદ ઠાકર

(કથાબીજ– શામળની ‘બત્રીસ પૂતળીની વાર્તા’માંની છઠ્ઠી વાર્તાને આજના યુગ પ્રમાણે રિમેક કરી છે. આ વાર્તા સાભાર, સવંદન શામળના શરણે સમર્પિત.)

( આવરણ ચિત્ર અને વાર્તાના કોપી રાઈટ © copy rights આરક્ષિત છે. તેનો ઉપયોગ કાયદાને આધિન રહેશે. )

error: Content is protected !!
Exit mobile version