Home SAHAJ SAHITYA Book Review : ગુઝરા હુઆ ઝમાનાઃ અનુભવોના દાબડાની એક મૂઠ્ઠી….

Book Review : ગુઝરા હુઆ ઝમાનાઃ અનુભવોના દાબડાની એક મૂઠ્ઠી….

0

ગુઝરા હુઆ ઝમાનાઃ અનુભવોના દાબડાની એક મૂઠ્ઠી….

book review gujara hua jamana krushnakant bhukanvala

લગભગ રાતના દસ વાગ્યા હશે ‘સાર્થક પ્રકાશન’ના સમારંભમાંથી ઘરે પાછા ફરતા. ગળામાં હજુ ગુલાબ જાંબુની ગળચટી ચાસણી ચળાતી હશે એવામાં મેં રિલેક્સ થઈ અને સૂવાનું વિચાર્યું પણ થયું કે બે બુક આ પ્રકાશનની મારી સામે હતી અને તેનું વિહંગાવલોકન કરી લઉં પણ થઈ ગયું સિંહાવલોકન …પ્રથમ આકર્ષણ હતું એક ‘ગુજરાતી’ અભિનેતાની જીવની વિશેનું કે એ સમયમાં તેમણે બોલિવુડના સ્ટાર સાથે સમય ગાળ્યો હતો.

મેં પલંગ પર પગ પસારતા – પસારતા હાથમાં લીધી ‘ગુઝરા હુઆ ઝમાના’ અને 290-મા પાને પહોંચ્યો ત્યારે મારી ઘડીયાલમાં સાડા ત્રણ વાગી ચુક્યા હતા. બ્રાહ્મમૂહુર્ત અમદાવાદી આકાશમાં આવવા માટે કણસતું હશે ત્યારે મેં એ બૂક બાજુ પર મુકી અને સવારે ઉઠીને વિચાર આવ્યો કે કાંઈ નહીં તો આ બુકનો રિવ્યૂ મારા બ્લોગ માટે તો લખવો જ પછી ભલેને તે લોકોને મારો બકબકાટ લાગે પણ બીરેન ભાઈની જહેમત અને કે.કે. સાહેબને આ રીતે સલામ આપી શકાશે…..

આમ તો આ શખ્સિયતની ઓળખાણ કરાવવાની હોય ત્યારે એક મુશ્કેલી એ ઊભી થાય કે તેને આજના જમાનામાં કઈ રીતે ઓળખાવવા પણ બે ઉદાહરણ ઊડીને આખે વળગે તેવા રોલ એક તો ‘નોકરી’ ફિલ્મમાં કિશોકુમાર સાથે અને ‘પોસ્ટ બોક્સ 999’માં સુનિલ દત્ત સાથે કૉમેડિયનના રોલમાં જોવા મળતા અને ‘જોગ-સંજોગ’ અને ‘ડાકુરાણી ગંગા’ જેવી ફિલ્મો જેમણે ડિરેક્ટ કરી છે. આ વ્યક્તિ કે જેમણે પોતાના વાળ ઉભા એ એક વાળમાં દાંતીયાની પૂરી અસર દેખાય તેવા ઓળાવાયા છે અને જોનિ વોકરની જેમ એ સમયે કોમેડિયનનો રોલ અદા કરનાર હતા તે જ શખ્સ એટલે કે.કે. અર્થાત કૃષ્ણકાંત ભૂખણવાળા.

હું હંમેશા માનતો આવું છું કે ઈશ્વર જ્યારે કોઈ એક માતબાર વ્યક્તિનું સર્જન કરવા માંગે છે ત્યારે તેને ભવિષ્યમાં જે બનાવાનું હોય છે તેનું પ્લાનિંગ ઉપરવાળો તો પહેલીથી જ કરી રહ્યો હોય છે.

તે વાત કે.કે. સાહેબમાં પણ લાગુ પડે. તેમના પિતાજી બંગાળ કલકતામાં કાપડની મિલમાં હોવાથી તેમને જન્મ બંગાળની કલાભૂમિમાં થયો. (ભારત માટે જ્યાં ગંગા હાવરા પર પૂરી થાય છે ત્યાં કલાની ગંગોત્રી શરૂ થાય છે એવું હું કદાચ વિધાન કરું તો ખોટું નથી કારણ કે ગુજરાત માટે બે માણસોનો મને પરિચય હતો કે તેના જીવનમાં કલકત્તાનું મોટું પ્રદાન રહ્યું છે તે ચંદ્રકાંત બક્ષી અને મધુ રાય અને કે.કે. સાહેબ ત્રીજા.) તેઓ આમુખમાં લખે છે કે તેણે કલકત્તામાં અંગ્રેજી માધ્યમમાં ભણવાનું થયું, બનારસમાં હિન્દી માધ્યમની શાળામાં અને સુરતમાં ગુજરાતી શાળામાં. તે લખે છે કે તેમને ત્યારે ખબર ન હતી કે આ ત્રણ માધ્યમનો લાભ તેમને ફિલ્મોમાં મળવાનો હતો, પણ ખરેખર એવું જ હોય છે કે ઈશ્વરે તમને જ્યાં લઈ જવના હોય છે, તેની તૈયારી તે કરીને જ રહે છે. કદાચ કે.કે. સાહેબના જીવનમાં પણ આ રીતે તેમને તૈયારી કરાવેલી. કારણ કે જીવનમાં તેમણે નીતિન બોઝ જેવા ડિરેક્ટરથી લઈને નરેશ કનોડીયા જેવા અભિનેતા સુધીના લોકો સાથે કામ કરવાનું હતું.

‘ગુઝરા હુઆ ઝમાના’માં સ્મૃતિઓ વાગોળતા તેમણે રાજ કપુરથી લઈને રમેશ મહેતા સુધીના સંસ્મરણો વાગોળ્યા છે તે રસપ્રદ છે. જો તમને બોલિવુડના જુના એક્ટર અને એક્ટ્રેસની જિંદગીમાં ઝાંકવાનો રસ હોય તો આ પુસ્તક તમારા મનગમતા એક્ટર અને એક્ટ્રેસનું એક અલગ પાસું ખોલી આપે છે. એક જ ઉદાહરણ તમને આપું કે તેમણે તનુજા એટલે કે કાજોલની મા અને અજય દેવગણની સાસુના હાથની રસોઈ પણ ખાધી છે અને અમજદ ખાન તેની દીકરીના લગ્નમાં આવે અને શોલેના ગબ્બર એવા અમજદખાનની પત્નીની સોનાની પીન ખોવાઈ જાય છે આખરે રાતના મળતા કે.કે. સાહેબ તેમને આપવા જાય છે તે પ્રસંગ સૌથી વધારે ધ્યાન ખેંચે છે અને તે પ્રસંગો જ આપને એ માનવા મજબૂર કરી દે છે કે કે.કે. સાહેબનું બોલિવુડના આ સ્ટાર્સના મનમાં તેમનું કેટલું માન હતું.

આગળ આપણે જોઈએ કે.કે. સાહેબના આ પુસ્તકમાંથી પ્રાપ્ત થતી કેટલીક તેમની એવી યાદો જે રસપ્રદ અને ઐતિહાસિક માહિતી તરીકે પણ મહત્વધરાવે છે…

 

‘સૈલાબ’ ગીતા દત્ત અને ગુરુદત્ત સાથે તેમાં તેમને કામ કરવાનો મોકો મળેલો અને તે ખૂબ સુંદર માહિતી તો એ આપે છે કે એ સમયની આ ફિલ્મનું સ્ક્રિપ્ટિંગ અંગ્રેજી ક્લાસિક ફિલ્મ ‘લોસ્ટ હોરાઈઝન’થી પ્રેરિત હતું. સ્ક્રિપ્ટ રાઈટિંગમાં કામ કરનાર અને જેને રિમેક સ્ક્રિન પ્લે લખવાનો થાય તેમના માટે આ સંશોધનાત્મક પાસું થઈ પડે.

તેમણે ગુજરાતી ફિલ્મ્સ અને સિરિયલ્સ ડિરેક્ટ કરી છે, તે માટે તેના જીવનમાં ફાળો છે એવા ડિરેક્ટરો સાથે કામ કરવાનો કે જો તેની પાસે પહોંચી જઈને આ ડિરેક્ટરની ખૂબીઓ વિશે પૂછવામાં આવે તો તેના પર ઓછામાં ઓછા પાંચેક જણ પી.એચ.ડી. થઈ શકે ખરાં. તેવા ડિરેક્ટરોમાં નીતિ બોઝ, રવિન્દ્ર દવે, ફણી મજબૂદાર, અમિય ચક્રવર્તી, જ્ઞાન મૂખર્જી, બિમલ રોય અને મહાન ગુરુ દત્ત. આવા ડિરેક્ટરો સાથે કામ કરનાર વ્યક્તિ ગુજરાતીને ઘર સંસાર, સંસાર ચક્ર, કૂળવધુ કે જોગસંજોગ જેવી ફિલ્મો ન આપે તો જ નવાઈ….

ગુજરાતી સિનેમા માટે પ્રારંભનો કાળ કેવો હતો તે પણ તેના વિજય ભટ્ટ વિશેના પ્રકરણમાં જાણી શકાય છે. તમને એ વાત જાણવા મળે છે કે કઈ રીતે હિન્દી પહેલા શરૂ થયેલી ગુજરાતી સિનેમાની બાગડોર હિન્દી ડિરેક્ટરોએ સંભાળેલી અને કઈ રીતે તે સફળ રહ્યા. આજે જ્યારે એક સંઘર્ષમાંથી ગુજરાતી ફિલ્મ ઉભરી રહી છે ત્યારે કે.કે. સાહેબની વાતો પરથી ઘણી બાબતો ડિરેક્ટર માટે કામની થઈ પડે છે.

કે.કે. સાહેબ પાસેથી અહીં ઓછું જાણવા મળ્યું છે પણ એ અલગ રીતે વિગત થઈ શકે કે કઈ રીતે એક સાહિત્ય કૃતિને સિનેમામાં ઢાળી શકાય કારણ કે બન્ને એક અલગ કળા છે અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ તેમણે પોતાના ડિરેક્શનથી બનાવેલી ફિલ્મ ‘જોગ-સંજોગ’ ફિલ્મથી સાબિત કરી આપ્યું. હરકિશન મહેતાની નવલકથાને કઈ રીતે ફિલ્મીપર્દે ઉતારી અને નરેશ કનોડિયાને કઈ રીતે ડિસ્કોડાન્સર તરીકે ઉતાર્યા તે બાબતે પણ તેમણે જાણવા જેવી વાતો લખી છે. આ વાત ખાસ તો એમના માટે ઉપયોગી છે જે સાહિત્યને સિનેમા કે ટી.વી.ના પર્દે ઉતરતું જોઈને તેની સમિક્ષા કરે છે અને તેના માટે પણ જરૂર જાણવા જેવું છે જેમણે બન્ને માધ્યમોને એક ભાવક તરીકે માણવા છે. આ બાબતે ‘એક વો ભી દિવાલી થી’ નામના પ્રકરણમાં તેમણે કરેલી ‘ભાભી’ અને ‘બેગુનાહ’ ફિલ્મ વિશેની વાતો.

જેના સ્મિત પર કે.કે. સાહેબના જમાનાના યુવાનો નહીં પણ આજના મારા જેવા અને અમારા મિત્ર રાજભા જેવા મિત્રો વારીએ છીએ અને સાત સમંદર જો એવું સ્મિત મળે તો લખી દેવા તૈયાર છીએ, તેવા સ્મિતની માનુની મધુબાલા સાથેના કે.કે. સાહેબના સંસ્મરણ પણ એટલા જ નાજુક છે જેટલી મધુબાલા…. કદાચ, સર્જનહારે મોહિની રૂપ લીધું હશે ત્યારે તેમને ફિલ્મમાં કામ કરવું મન થયું હશે અને એ રીતે જો તેણે બોલિવુડ પસંદ કર્યું હશે તો તે મધુબાલાના રૂપમાં જ હશે તેવું માનવાનું મન થાય. તેવી મધુબાલાના તપતા સૂરજની વાત પણ થઈ છે અને છેલ્લે તેના હાર્ટબિટ ઓલવાવાની તૈયારી હતી તે સમયની પણ વાત કરી છે. અને આ વાત એટલે મહત્વની અહીં થઈ પડે છે કે આ બન્ને સમયે કે.કે. સાહેબ તેને જોઈ છે, સ્પર્શિ છે…અમારા માટે ખરેખર તે ભાવવિરેચન (કેથારસિસ)નો અનુભવ તે વાંચતા થયો.

આઉપરાંત શક્તિ સામંત, કિશોર કુમાર, સુનિલ દત્ત, રાજેશ ખન્ના, મીના કુમારી, દિલીપ કુમાર, તનુજા, વગેરે પાત્રોની વાતો પણ ઘણી નવી જાણવા મળે છે. અને તમને એ વાત પણ જાણવા મળે કે જ્યારે કે.કે. સાહેબ સૂરત પાછા ફરે છે ત્યારે એક ચરિત્ર અભિનેતા અને ડિરેક્ટરને મળવા લોકો વલસાડ, નવસારી અને સુરત સ્ટેશને કેવી પડાપડી કરે છે.

તેમણે રૂપેરી પડદેથી તખ્તા પર પાત્રો ભજવવા શરૂ કર્યા, તેનો અનુભવ પણ એટલો રસપ્રદ અને નિખાલસ રીતે સહજ રીતે તેમણે જણાવ્યો છે. કોઈ કલાકાર માટે કલાના અલગ અલગ આયામોમાંથી પસાર થવું કેટલું રસપ્રદ હોય તે તમે જાણી શકો છો.

અહીં એ પણ એક વાત ખાસ જાણવા મળે કે રવિન્દ્ર દવેની કંપની ખોટમાં ગઈ અને તેમણે વિચાર કર્યો કે હવે તેમાંથી ઉગરવા શું કરી શકાય. તેમણે ગુજરાતી ફિલ્મ પર કામ કરવાનુ પસંદ કર્યું અને તે ફિલ્મ હતી ‘જેસલ – તોરલ’ તેમાં એક કોમેડિયનનો રોલ હતો અને તે માટે કે.કે. સાહેબની પસંદગી થઈ પણ તે સમયસર પહોંચી શકે તેવી સ્થિતિ ન હોવાથી રવિન્દ્ર દવેએ જે કલાકારને કોમેડિયન તરીકે લીધા તેનું નામ પછી કોઈ પણ ગુજરાતી ફિલ્મમાં કોમેડિયન તરીકે નક્કી જ હોય તેવા ઓહોહહો વાળા રમેશ મહેતા. આ રીતે ગુજરાતી ફિલ્મમાં કોમેડિયનનું પાત્ર નક્કી થઈ ગયું અને એ પાત્ર ભજવનાર રમેશ મહેતા પણ નક્કી થઈ ગયેલા. (આખરે કલાના સંકટમાંથી પૈસા જ બચાવી શકે તે રીતે ગુજરાતી પ્રજાએ જ રવિન્દ્રજીને ગુજરાતી ફિલ્મે તારી દીધા હતા.) આ ગુજરાતી કલાકાર કે.કે. સાહેબ અંગ્રેજી સિરિયલ્સ અને ફિલ્મમાં પણ કામ કરી ચૂક્યા છે તે પણ એક મહત્વની વાત છે. આ અનુભવોમાં તે સમયના અંગ્રેજી ડિરેક્ટરો અને તેના પાત્રો અને સ્ક્રિનપ્લે વિશેની વાતો પણ એટલી જ રસપ્રદ છે.

હાથી મેરે સાથી, અન્નદાતા, મનચલી, મેરે જીવન સાથી, જીવનો જુગારી, વનરાજ ચાવડા, ગુણસુંદરીનો ઘર સંસાર (સરસ્વતીચંદ્ર નવલકથા પરથી બનેલી ગુજરાતી ફિલ્મ) ડાકુરાણી ગંગા (જેમણે ‘મોટી બા’ સિરિયલના મોટી બાનું પાત્ર ભજવતા રાગીણી બહેનને હિરોઈન તરીકે લોન્ચ કર્યા હતા આ ફિલ્મમાં આ ફિલ્મ પણ સાહિત્યમાંથી સિનેમાના રૂપાંતરના પરિપ્રેક્ષ્યમાં જોવા જેવું છે અને તેના સ્ક્રિપ્ટીંગ વિશે પણ અહીં કે.કે. સાહેબે વિષદ ચર્ચા કરી કરી છે.) , મેરુ મૂળાંદે, સોનબા-રૂપબા, જોગ-સંજોગ, પ્રેમલગ્ન, સંસાર ચક્ર વગેરે જેવી ફિલ્મોમાં અભિનેતા રહ્યા અને આવી ઘણી ફિલ્મો તેમણે જાતે બનાવીને બતાવી જે એક ઉદાહરણ રૂપ પણ કહી શકાય.

સ્મિતા પાટીલ અને રાજબ્બરને લઈને તેઓએ એ ફિલ્મ બનાવી હતી તે હતી – તીસરા કિનારા – વિશેની વાતોમાં સ્મિતા પાટિલ જેવી અદાકારા વિશેની વાતો મળે છે તો વળી કમલેશ્વર જેવા કસબીની રસપ્રદવાતોની કિસમિસ તમને ચાખવા મળે તેવા અનુભવો શેર કરાંયા છે.

આમ, માન-સન્માન મેળવતા કે.કે. સાહેબ જીવનની સંધ્યા વિતાવે છે એવા ટાણે આ પુસ્તક આવવું પણ ગુજરાતીઓ માટે એક ઉમળકો એટલા માટે હોય કે આવા વ્યક્તિઓ છેલ્લે અંધારમાં ગરક થઈ જાય છે પણ કે.કે. સાહેબ પાસે આવો બહોળો અનુભવ છે તે જો વહેલાસર સચવાયું તેનો આનંદ તો હોય જ પણ હજું જે ખરેખર સિનેમાના પાઠ્યપુસ્તક તૈયાર થઈ શકે તેવો જે અનુભવનો દાબડો તેમની પાસે છે તે મળી જાય તો ગુજરાતી સિનેમા માટે જતે દહાડે દાખલા રૂપ થશે કારણ કે ભાવીનું ગર્ભ એવી એંધાણી કરે છે કે હજુ તો સિનેમાની શરૂઆત થઈ છે તેનો વિકાસ થશે અને ત્યારે તેની છાબમાં જો ગુજરાતીમાં પણ સિનેમાના મૂળગત નિયમોની ચર્ચા થાય તો વધુ આનંદદાયક અનુભવ રહેશે. જ્યારે આટલું પણ મળ્યું છે તે ખરેખર આનંદનો અવસર છે અને બીરેનભાઈને પણ તે બાબતે દાદ આપવી ઘટે જ…આ પુસ્તકમાં પણ બહુ બધા એવા પોંઈટ્સ છે જે સિનેમાની સમજ ઉભી કરવા અને સિનેમાને સમજવા માટે તમને પ્રેરણા આપી જ શકે…

– આનંદ ઠાકર

error: Content is protected !!
Exit mobile version